ફેસબુકની દુનિયા
ફેસબુકની દુનિયા
પોતાના પરિવારની પ્રાર્થનાઓ અને પ્રેમ વચ્ચે, ગંભીર બીમારીમાંથી મુક્ત થઈને કવિતા ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહી હતી. માત્ર શરીરમાં થોડી કમજોરી વર્તાઈ રહી હતી અને ડોક્ટરે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. પથારીમાં પડ્યા પડ્યા કંટાળી ગયેલી કવિતા જેવી સહેજ ઊભી થઈને બહારના રૂમમાં આવી એટલે તરત જ એનો પતિ અને બાળકો એની પાસે દોડી આવ્યા.
"તને કેટલી વાર કહ્યું છે કે તારે આરામની જરૂર છે". પતિ સુનીલે કાળજીભર્યા સ્વરમાં ઠપકો આપતા કહ્યું.
"કંઈ જોઈતું હોય તો મને બોલાવી લેવાની મમ્મી". પુત્રી કશીશના ચિંતિત થયેલા સ્વરમાં કવિતા પ્રત્યેની ઊંડી લાગણી વર્તાઈ રહી હતી. પછી બંને મળીને કવિતાનો હાથ પકડીને કાળજીપૂર્વક એને પોતાના રૂમમાંં લઈ ગયા અને એને પલંગ પર બેસાડી દીધી. ત્યાં જ તો એનો પુત્ર કરણ હાથમાં લેપટોપ લઈને એના રૂમમાં આવ્યો અને બોલ્યો,"મમ્મી, પથારીમાં પડ્યા પડ્યા તારો સમય ના જતો હોય તો મેં જે ફેસબુક પર તારુ એકાઉન્ટ ખોલી આપ્યું છેે એમાંં એકવાર લોગ ઈન કરીશને પછી જો, તને સમય ઓછો પડશે". અનેે હસતા હસતા એણે પોતાનું લેપટોપ કવિતાની બાજુમાં પલંગ પર મૂકી દીધું. પોતાના પ્રેમાળ પરિવારની કાળજીભરી હુંફના કવચમાં કવિતા પોતાને સુરક્ષિત હોવાનો અનુભવ કરી રહી હતી. એને જાણેે ધરતી પર જ સ્વર્ગનો અનુભવ થઈ રહ્યો હતો. પોતે કેટલી ભાગ્યશાળી છે એમ વિચારી ને એણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો. પતિ અને બાળકો પાછા જઈને પોતપોતાના કામમાં પરોવાઈ ગયા. નાના ટાઉનમાંં રહેતી કવિતાના સુખી જીવનમાં, સોનામાંં સુગંધ મળે એ રીતે એના માતા-પિતા પણ એના ઘરની એકદમ નજીક જ રહેતા હતા અનેે એની બીમારીના સમયે લગભગ રોજ તેની મુલાકાતે આવતા. અને બધાના પ્રેમ અનેે પીઠબળના કારણે એ ગંભીર બીમારીમાંથી મુક્ત થઈ હતી, એમ એ પણ દ્રઢપણે માનતી હતી. એના કમજોર, છતાં પણ પરિવારના પ્રેમથી તૃપ્ત થયેલા ચહેરા ઉપર એક અલગ જ સંતોષભરી ખુશીના ભાવ ઊપસી આવ્યા. એણે પોતાની દ્રષ્ટિ કરણે આપેલા લેપટોપ તરફ ફરી અને પછી એની વાત યાદ કરીને પથારીમાં બેઠા બેઠા લેપટોપ ખોલ્યું અને ફેસબુક પર લૉગ ઈન કર્યું.
ફેસબુક ખુલતા જ સ્ક્રીન પર એની નાનપણની બહેનપણી કિન્નરીનો ચહેરો સામે આવી ગયો. એને યાદ આવી ગયું કે આજે કિન્નરી નો જન્મદિવસ હતો અને એટલે જ એણે ફેસબુક ઉપર પોતાના પરિવાર સાથે પોતાના જન્મ દિવસની ઊજવણીના ફોટા અપલોડ કર્યા હતા. પશ્ચિમી લિબાસમાં કિન્નરી કેટલી સ્માર્ટ લાગી રહી હતી. એનું એકદમ ફિટ અને જાળવેેલું ફિગર, આધુનિક હેર સ્ટાઈલ, મેકઅપ કરેલો સુંદર ચહેરો અનેે એનો પહેરવેશ એની આધુનિક જીવનશૈલી નો પુરાવો આપી રહ્યા હતા."કિન્નરી ઉંમરમાંં તો મારા જેટલી જ છે પણ જાણે મારા કરતા દસ વર્ષ નાની લાગી રહી છે. કેટલી સ્માર્ટ અને આકર્ષક લાગી રહી છે. અને કેટલું સમૃદ્ધ જીવન જીવી રહી છે. ખરેખર, કેટલી ભાગ્યશાળી છે કિન્નરી." વિચારતા વિચારતા કવિતા એક પછી એક કિન્નરીના અપલોડ કરેલા ફોટાઓ જોવા લાગી. સુંદર સજાવટની વચ્ચે, પોતાના પતિ અનેેે બાળકો તરફથી મળેલો 'માય વન્ડરફુલ વાઈફ અને 'વર્લ્ડ બેસ્ટ મોમ' લખેલા કાર્ડ અનેેે ગિફ્ટનો ફોટો, અને પરિવારના સભ્યો વચ્ચે ઘેરાઈને કેક આપી રહેલી કિન્નરી ને જોઈને કવિતા એકદમ મંત્રમુગ્ધ થઈ ગઈ. કિન્નરીના ક્યાંક કોઈ ખૂબ જ ભવ્ય જગ્યાએ વેકેશન માણતા તો ક્યાંક પરિવાર સાથે સેલિબ્રેશન કરતા ફોટાઓ જોઈને અંજાઈ ગયેલી કવિતા ના સંતુષ્ટ થયેલા ચહેરાના હાવભાવ વિચિત્ર રીતે બદલાવા લાગ્યા. કવિતાને વિદેશથી લગ્ન માટે કેટલાય માંગા આવતા હતા પરંતુ પોતાનાં માતા-પિતાનું એકનું એક સંતાન હોવાના કારણે એ માતા પિતાથી નજીક રહેવા માંગતી હતી જેથી ભવિષ્યમાં એના માતાપિતાને એના પરિવારની હૂંફ મળતી રહે અને એટલે જ તો એના ઘરની એકદમ નજીક રહેતા સુનિલ સાથે તેણે લગ્ન કરી લીધા હતા. સુનિલ પણ તેના માતા-પિતાનું ખૂબ જ ધ્યાન રાખતો હોવાથી તેણે પોતે લીધેલા નિર્ણય પર ક્યારે અફસોસ નહોતો થયો. પતિ સુનિલ પર એને ગર્વ હતો, પરંતુ આજે કિન્નરીના ઝાકઝમાંળ જીવનથી રંગાયેલા ફોટાઓ જોઈને કવિતાના મનમાં માનવ સહજ ભાવથી થોડી ઈર્ષા ઉત્પન્ન થઈ અને ભૂતકાળમાં પોતે લીધેલા નિર્ણય પ્રત્યે દિલના એક ખૂણામાં શંકાનો ભાવ જાગ્યો. પરંતુુ બીજી જ ક્ષણે આવો વિચાર આવવા બદલ મનમાં અપરાધભાવ પણ જાગ્યો.'માનવીનું મન છે અને ક્યારેક એના પર કોઈક એવી ક્ષણ હાવી થઈ જાય જેના વશ થઈને ના આવવા જેવા વિચારો પણ આવી જાય, અને આખરે હું પણ એક સામાન્ય માનવી જ છું ને....'પોતાને આવેલા વિચાર અને એના કારણે જાગેલા અપરાધભાવ ને ન્યાય આપતા કવિતા મનોમન વિચારી રહી.
સાત સમંદર પાર પોતાના વિશાળ મકાનમાં પોતાાના જન્મદિને કિન્નરી હાથમાં લેપટોપ લઈને એકલી બેઠી હતી. એનો મેકઅપ વિનાના ચેહરામાં એ એની ઉંમર કરતાં દસ વર્ષ મોટી લાગી રહી હતી. એનો પરિવાર એના જન્મદિવસે વાવાઝોડાની જેમ એના જીવનમાં થોડા સમય માટેે આવી અને પછી બીજી દિશામાં ફંટાઈ ગયો હતો. બાળકો પોતાના મિત્રો સાથે કિન્નરી નેે જન્મદિવસની શુભેચ્છા પાઠવીને પછી પોતાના મિત્રો સાથે વીક એન્ડ મનાવવા ઉપડી ગયા હતા. પતિ સુનિલ પણ પોતાના મિત્રો સાથે આખા અઠવાડિયાનો થાક ઉતારવા માટે બહાર નીકળી ગયો હતો. તેમનો કાર્યક્રમ પૂર્વનિશ્ચિત હતો પરંતુ કિન્નરીની તબિયત થોડી નરમ હોવાના કારણે એ કાર્યક્રમમાંં જોડાઈ શકે એમ ન હતી. પરંતુુ મિત્રોને કમિટમેન્ટ કરી હોવાને કારણે સુનિલ પીછેહઠ કરી શકે એમ ન હતો."આફ્ટર ઓલ યુ હેવ ટુ બી પ્રેક્ટીકલ, હની."કહીને એ પણ સવારે જ કિન્નરીને કિંમતી ડાયમંડ રીંગ અને અલંકારિક ભાષામાં લખેલ કાર્ડ આપીને સવારેે ઘરેથી નીકળી ગયો હતો. અને એ વિશાળ મકાનમાં રહી ગઈ હતી માત્ર કિન્નરી ! ફેસબુક પર પોતાના જન્મદિવસના ફોટા અપલોડ કરીને પછી પોતાના લેપટોપ પર સમય પસાર કરી રહેલી કિન્નરી એ કવિતા તરફથી આવેલી જન્મદિનની શુભેચ્છા વાંચી અને પછી એના પ્રોફાઈલમાંં એનો ફોટો જોયો. કિન્નરી એ કવિતાનો ફોટો ઝૂમ કરીને જોયો. પોતાના પરિવાર વચ્ચે ઘેરાયેલી કવિતાના બીમારીના કારણે કમજોર થઈ ગયેલા ચહેરા પર પરિવારના પીઠબળનો આત્મવિશ્વાસ ઝબકી રહ્યો હતો. કિન્નરીના મનમાં અનાયાસે જ વિચાર આવી ગયો,"કેટલી ભાગ્યશાળી છે કવિતા. એનો પરિવાર એની સાથે છે. આજ સુનિલને મેં વિદેશમાં સેટલ થવા માટે તરછોડ્યો હતો. મારાથી જીવનમાં બહુ જ મોટી ભૂલ થઈ ગઈ...!
