પહેલાે દિવસ
પહેલાે દિવસ


પ્રથમ દિવસ અને તે પણ બાલમંદિરનો યાદ આવતા હું ભાવવિભોર બની જઉ છું. પહેલો દિવસ તો કોણ ભુલી શકે ? મને યાદ છે કે જવાના થોડા દિવસ પહેલાં જ મને બધા કહેતા તને ત્યાં તારા જેટલી બહુજ બહેનપણીઓ મળશે. બહુ જ રમકડાં રમવા મળશે.
હું પણ સરસ સ્વપ્નમાં ખોવાઇ જતી. મને પણ બાલમંદિર જવાનો ઘણો ઉત્સાહ હતો. એ વખતે મને લેવા માટે તેડાગર બાઈ આવી. એની સાથે બીજી બેચાર છોકરીઓ હતી. તેડાગર બાઈ દરરોજ અમારા ઘર પાસેથી પસાર થાય. અમે એમને જસુમાસી કહેતા. અમને બધા બાળકોને બહુ પ્રેમથી જતા આવતા બોલાવે. જયારે જસુમાસી બાળકોને લઇને ઘર પાસેથી પસાર થાય ત્યારે મને પ્રેમથી બોલાવે. હું કહેતી કે માસી મારે તમારી જોડે આવવું છે, ત્યારે એ કહેતા, "આવત્તાવર્ષે હું તને જરૂરથી લઈ જઈશ" અને મને અચુક ચોકલેટ આપી ને જતા.
જો કે મોટા થયા બાદ મને ખબર પડી કે મારા મમ્મી જ એમને ચોકલેટો આપી રાખતા હતા. હું બાલમંદિર પહોંચી ત્યારે થોડી છોકરીઓ રડતી હતી એમની મમ્મીનો છેડો પકડી રાખતી હતી. બધાને રડતાં જોઈ હું પણ મોટે મોટેથી રડવા લાગી. મને રડતી સાંભળી જસુમાસી દોડતા મારી પાસે આવ્યા. મને પાણી આપી થોડી વાર એમની પાસે બેસાડી. મને જયારે, મારા ક્લાસમાં મુકવા આવ્યા ત્યારે બધા રમતા હતા. હું પણ બઘા જોડે રમવા લાગી. ત્યારબાદ તો મને બાલમંદિર જવું બહુજ ગમતું હતું. પરંતુ પહેલા જેવા વહાલસોયા માણસો ભૂલી શકાય જ નહીં હજીપણ પહેલા દિવસની યાદ સાથે એ તેડાગરબાઈ અચૂકપણે યાદ આવે છે.