પેન્શન
પેન્શન


"બેટા ! મારું પેન્શન ઘણાં સમયથી અટકી પડ્યું છે, આ માટે મેં અલગ - અલગ ઘણીબધી કચેરીઓએ જઈને મદદ માંગી, પણ કોઈએ મને મદદ કરી નહીં, એક કચેરીના પટ્ટાવાળાએ મને કહ્યું કે, "દાદા, તમે આપણાં શહેરનાં કલેકટરની ભલામણ લઈને આવો, એટલે તમારું કામ ઝટ દઈને થઈ થશે. આથી બેટા હું લાચાર થઈને તારી પાસે મદદ માટે આવ્યો છું."
"વડીલ ! તમે નિશ્ચિત થઈને ઘરે પહોંચો, હું તમારી કચેરીએ ફોન કરીને આ બાબતે ટકોર કરું છું. અને આજ અઠવાડિયામાં તમારું પેન્શન થઈ જશે !" - કલેકટર મેડમ એ વૃદ્ધની આંખોમાં આંખો પરોવીને બોલ્યાં.
ત્યારબાદ એ વૃદ્ધ વ્યક્તિ કલેકટર મેડમની પરમિશન લઈને કલેકટરની ઓફિસની બહાર આવ્યા, બરાબર આજ સમયે તે કલેકટર મેડમના પિતા તેની વ્હાલી દીકરી માટે ટિફિન લઈને આવી પહોંચ્યા. અને પોતાની દીકરીને આખી વિગતો પૂછી, અને કલેકટર મેડમે પોતાના પિતાને આખે - આખી વિગતો સવિસ્તાર જણાવી, અને કહ્યું કે "મેં ! જ્યારે એ વૃદ્ધની સામે જોયું તો મને એવું લાગ્યું કે એ જાણે કોઈ મારું જ અંગત હોય, મારે જાણે તેની સાથે મારા વર્ષો જૂનો સબંધ હોય !"
"દીકરી ! આ જ તે કુદરતની કરામત કે કમાલ છે. દીકરી તું હકીકતમાં મારી નહીં પરંતુ એજ વ્યક્તિની સગી દીકરી છો. આજથી ઘણાં વર્ષો પહેલાં જ્યારે મારા પત્નીને કોઈ બાળક નહોતું જન્મી રહ્યું, ત્યારે આ વ્યક્તિના ઘરે તારો જન્મ થયો, પરંતુ તેણે અને તેના આખા પરિવારે તું દીકરી હોવાથી તારો તિરસ્કાર કર્યો હતો, અને બરાબર એજ સમયે અમારે એકપણ સંતાન ન હોવાથી તને અમે દત્તક લીધેલ હતી. માટે ખરેખર બેટા તું મારી નહીં પરંતુ એ વૃદ્ધ વ્યક્તિની જ દીકરી છો. જેનો પેલા વૃદ્ધ વ્યક્તિને જરાપણ અણસાર નહીં હોય." -
આંખમાં આંસુ સાથે એ કલેકટરના પિતા બોલ્યાં, અને પોતાની દીકરીને "જમી લે જે બેટા" - એવું કહીને કલેકટર ઓફિસમાંથી આંસુ લુછતાં - લૂછતાં બહાર નીકળ્યા.