DIPIKA CHAVDA

Others

4  

DIPIKA CHAVDA

Others

પધારો મ્હારે દેશ રે

પધારો મ્હારે દેશ રે

2 mins
286


ખરેખર આ શીર્ષક આ લેખને એકદમ યોગ્ય છે. વાત કરું છું હું જેસલમેરની ! રાજસ્થાનની સુવર્ણનગરી તરીકે જાણીતું જેસલમેર રાજપૂતોની રાજધાનીનું શહેર ગણાય છે.  

મારા દીકરાનાં લગ્ન જેસલમેર કર્યા હતા. આમ તો રાજસ્થાન મારું વતન છે. જોધપુર મારું જન્મસ્થળ. એટલે રાજસ્થાનના ઘણાં બધાં મોટા શહેરોમાં મારા સગા – સંબંધીઓ રહે. જેસલમેરમાં પણ રહે છે. હું રહું છું સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં. શિક્ષિકા હોવાથી ઐતિહાસિક સ્થળો પ્રત્યે પહેલેથી જ લગાવ ઘણો. પણ મારા કુટુંબીઓ કદી રાજસ્થાન ગયા નહોતા. તેથી દીકરાનાં લગ્નમાં બધાને ભાવનગરથી જાનમાં બસમાં જેસલમેર લઈ ગયા.

બધાનાં ચહેરા ઉપર આનંદ સ્પષ્ટ દેખાતો હતો. ભાવનગરથી લગભગ સોળ કલાકે જેસલમેર પહોંચ્યા. બપોરે દોઢ વાગે નીકળ્યા હતા. બીજે દીવસે સવારે લગભગ સાત આસપાસ પહોંચ્યા. લગ્નની ખુશી એટલે બસમાં પણ બધા ગીતો ગાતા, રમત રમતાં, આનંદ કરતાં આખી રાત પસાર કરી હતી.

સવારે જેસલમેર પહોંચ્યા એટલે સુંદર કોતરણીવાળી હવેલી જેવા મકાનમાં અમને ઊતારો આપ્યો હતો. બધા નાહી ધોઈને તૈયાર થયા એટલે ગરમાગરમ કચોરી, ચ્હા, દૂધ, કોફી,અને મીરચી વડાનો નાસ્તો કર્યો. પછી બધા કિલ્લો જોવા ગયા. એ કિલ્લાની અંદર રાજપૂત વૈભવશાળીનો ભૂતકાળનો પરિચય આપતાં રંગમહેલ, બાદલનિવાસ, વિલાસમહેલ, અને સર્વોત્તમ વિલાસ જોઈને હૈયું ખુશીથી ઝુમી ઊઠ્યું.

કિલ્લાની અંદર આવેલા ચાર દરવાજા અક્ષયપોલ, સૂરજપોલ, ગણેશપોલ, હવાપોલની કોતરણી અને ભવ્યતા જોઈને બધા દંગ રહી ગયા. ત્યાંથી વળતાં જેસલમેરમાં આવેલી પ્રખ્યાત હવેલી 'પટવાની હવેલી' જોઈ જે સાત માળની છે, અને અંદર ખૂબજ બારીકાઈથી નકશીકામ કરેલા ઝરુખાની કારીગરી મનને આકર્ષિત કરે એવા છે.

 બપોરે જમીને આરામ કરીને પાછા સાંજે ગઢીસર તળાવ જોવા ગયા. ત્યાં ઘણીજાતના સુંદર પક્ષીઓ આવે છે એટલે પક્ષીદર્શન કરીને પછી બોટીંગનો આનંદ પણ લીધો. રાતનાં લગ્નનો પ્રસંગ હતો એટલે ત્યાંના રાજસ્થાની નૃત્યકારોનો કાર્યક્રમ ગોઠવેલ હતો. એમાં એ લોકોએ “ કેસરિયા બાલમ આવો રે …. પધારો મારો દેશ રે …. ” સુંદર નૃત્ય સાથે રજુ કર્યું. બહુજ મજા આવી. બધા ખૂબજ નાચ્યા કુદ્યા ને લગ્નમાં મોજ મસ્તી કરી. રાત્રે લગ્નવિધિ પતાવી બધા મોડી રાત્રે સૂઈ ગયા.

વેવાઈએ બે દિવસનું જાનનું રોકાણ કરાવ્યું હતું એટલે બધા આખું જેસલમેર નિરાંતે ફરી શકે. બીજે દિવસે સવારે નાહીધોઈને ચ્હા નાસ્તો પતાવીને બધા જેસલમેરની નજીક જ આવેલ “સમ” રેતના ટીંબાનો પ્રદેશ જોવા ગયા. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અને પીળી રેતીનો અદભૂત નજારો જોવા મળ્યો. અહીં ફિલ્મ “ રઝિયા સુલતાન“ નું શૂટિંગ થયું હતું. એ રેતીનાં ટીંબા પાછળથી થતાં સૂર્યોદયનો  નઝારો અદભૂત હોય છે. જેસલમેર આવો અને સમ ના જુવો તો યાત્રા જ અધૂરી ગણાય છે.

ત્યાંથી પછી થોડે દૂર આવેલો ફેસિલપાર્ક જોયો. અહીં પ્રાચીન સમયનાં વૃક્ષો, શંખ, પ્રાણીઓનાં અશ્મીઓ જોવા મળે છે. આ સિવાય પણ ઘણું બધું જોવાલાયક છે. હવે અમારે નીકળવાનો સમય થયો હોવાથી ઊતારે પરત ફર્યા. ઘણું બધું જોવાનું રહી ગયું નો અફસોસ રહ્યો બધાને પણ જે જોયું એનો પણ આનંદ હતો. ત્યાંની બજારમાંથી જેને જે ખરીદી કરવી હતી એ થોડી ઘણી ખરીદી કરી. મોજડી, પર્સ અને ચામડાની વસ્તુઓ અહીની વેરાયટી છે. એટલે એની ખરીદી કરી.

હવે સાંજે અમને વિદાય આપી. બધાનાં ચહેરા પર એક નવી નવેલી દુલ્હન ને સાથે લઈ જતા હતા એનો જેટલો આનંદ હતો એટલો જ આનંદ જેસલમેરનાં પ્રવાસનો પણ હતો. મેં પણ આ બધી જ નોંધ મારી ડાયરીમાં નોંધી લીધી હતી કેમકે શાળામાં જઈને બાળકોને પણ વાર્તા દ્વારા આ પ્રવાસ કરાવવો હતો. અમારી બસ ચાલતી હતી ને થાકને કારણે સૂઈ ગયા હતા. બસ મને એક વાતનો આનંદ હતો કે દીકરાનાં લગ્ન માટે મારા કુટુંબને જેસલમેર લઈ જઈને એમને આ સુંદર રમણીય સ્થળનો પ્રવાસ કરાવ્યો. આખું જેસલમેર અને આસપાસના બધાંજ સ્થળો જોવા હોય તો એક અઠવાડિયાનો પ્રવાસ ખેડવો જોઈએ.


Rate this content
Log in