પાણિયારું
પાણિયારું


મનોજભાઈને આંગણે દીકરી પરીનાં લગ્નનો લાખેણો અવસર ઉજવાય રહ્યો. આ અવસરમાં પારંપરિક લગ્નગીતો ન હોય તો અવસર ફિક્કો લાગે. એટલે જ અવસરને યાદગાર બનાવવા, પરીનાં દાદી સુધાબાએ લગ્નને આગલે દિવસે બિલીમોરાથી મૈત્રી મંડળને ગીત ગાવા બોલાવ્યું.
મૈત્રી મંડળની બહેનોએ શરૂઆતમાં ઘી નાં પાંચ દીવા તૈયાર કરાવ્યા. આ પાંચે દીવાનું મહત્વ સમજાવી કયાં સ્થાન પર મૂકવા તે જણાવ્યું. એમાં એક દીવો પાણિયારે પ્રગટાવવાનો. પાણિયારે પિતૃઓનો વાસ હોય અને જ્યારે આપણે ત્યાં આવો રૂડો અવસર હોય ત્યારે આ રીતે પિતૃઓને યાદ કરી એમનાં આશીર્વાદ મેળવવા પાણિયારે દીવો પ્રગટાવો એવું જણાવ્યું.
પરીની ભાભી, દીવા મૂકતી હતી. એ તો પાણિયારાનું નામ સાંભળીને ઊભી જ રહી ગઈ. અવઢવમાં કે આ દીવો ક્યાં મૂકવો? પરી અને એની સખીઓને પણ અચરજ થયું.
સુધાબાએ વહુને કહ્યું," રસોડામાં ખૂણામાં આર. ઓ. છે ત્યાં મૂકી દે. ગીત પૂરા થાય એટલે પાણિયારાની સમજ આપું. "
મૈત્રી મંડળની બહેનોએ ગીતની રમઝટ બોલાવી. ફટાણા ગાઈને બધાને ડોલતાં કરી દીધા.
ગીત પૂરાં થતાં જ સુધાબાએ વાત માંડી, "પહેલાંના જમાનામાં કૂવા કે તળાવેથી પાણી લાવવાનું અને સંગ્રહ કરવાનો. રસોડામાં એક બાજુ ચૂલો હોય અને બીજી બાજુ પાણિયારું. તમારા આ ઊભા રસોડા જેવું પ્લેટફોર્મ હોય એની ઉપર જ્યાં માટલું મૂકવાનું હોય ત્યાં નાનો સરખો ખાડો હોય એની ઉપર માટલું ગોઠવાયેલું રહે. બાજુમાં તાંબા કે પિત્તળનું બેડું હોય. મોટો દેગડો અને એની ઉપર નાનો ઘડો મૂકેલો હોય એને બેડું કહેવાય. માટલું ખાલી થાય એટલે બેડામાંથી ભરવાનું.
પાણિયારાની પાછળ એક નાની બારી હોય જેમાંથી આવતો ઠંડો પવન પાણીને ઠંડુ રાખે. માજરપાટનાં સફેદ કટકાથી પાણી ગાળીને ભરવામાં આવે. આ મધુર જળ પીવાથી તંદુરસ્તી જળવાતી. રોજ સવારે સ્નાન કર્યા પછી જ પાણિયારું સાફ કરી માટલાં ધોઈ પાણી ભરવામાં આવે. પાણિયારે પિતૃઓનો વાસ હોય, ઘરની વહુ લક્ષ્મી કહેવાય એટલે વહુ રોજ સવાર-સાંજ દીવો પ્રગટાવી નમન કરે આ રીતે રોજ પિતૃઓને યાદ કરી એમની હાજરી અનુભવીએ.
પાણિયારાની દિવાલે ખીલી પર એક નાનો ડોયો હોય, માટલામાંથી પાણી લેવા. એકાદ લાકડાનું પાટિયું લગાવેલું હોય જેની ઉપર પાણી પીવાનાં પ્યાલા, લોટા હોય એકદમ ચકચકિત.
પાણિયારામાં નીચે એક નાનું માટલું, જેને ઢોચકી કહે એ હોય નાનાં બાળકોને પાણી પીવા. બાજુમાં દહીં વલોવવાની ગોળી અને પાણીના અથાણાની બરણી હોય.
હોશીલી સ્ત્રી પાણિયારાની ફરતે રંગથી ફૂલ-પાનની વેલ દોરી ફ્રેમ જેવું બનાવી પાણિયારાને સુશોભિત કરે.
કોઈને ત્યાં પાણિયારું એક ગોખ જેવો બનાવી એમાં બનાવેલું હોય.
સો વાતની એક વાત, પહેલાંના જમાનામાં પાણિયારા વગરનું ઘર ન હોય.
હવે તો કરોડોનો વૈભવી બંગલો હોય પણ પાણિયારું જોવા ન મળે.
પાણિયારાની જગ્યા આર. ઓ. એ લીધી ને તંદુરસ્ત શરીર બન્યું રોગનું ઘર.
સુધાબાની વાત સાંભળી પરીની આર્કિટેક સખી કૃતિએ કહ્યું," આપણી આ વિસરાયેલી મિરાતને હું મારા બંગલાના રસોડામાં જરૂર સ્થાન આપીશ. "
સુધાબા તો કૃતિની વાત સાંભળી ખુશ થઈ ગયા. કહેવા લાગ્યા," આપણી આવી કેટલી બધી મોંઘેરી મિરાત નામશેષ થઈ ગઈ છે કે થવાને આરે છે એને તમારી પેઢીએ જતન કરવું જોઈએ. "