Vrajlal Sapovadia

Children Stories Inspirational

3  

Vrajlal Sapovadia

Children Stories Inspirational

પાણીનું સૂક્ષ્મ દર્શન

પાણીનું સૂક્ષ્મ દર્શન

4 mins
624વૈતાળે વિક્રમને પૂછ્યું એવી કઈ ચીજ છે જે પૃથ્વી સિવાય ક્યાંય મળી નથી, જેના વગર જીવન શક્ય નથી, જે સૂક્ષ્મ અને વિરાટ બંને સ્વરૂપે કેટલાય રંગ રૂપમાં જોવા મળે છે?


ઘણી દલીલો પછી જયારે કોઈ નિષ્કર્ષ ના આવ્યો ત્યારે બંનેએ ગૂગલની આરાધના કરી, ને ગૂગલે દર્શન તો ના દીધા પણ વચન આપ્યું કે મારી ભક્તિથી હું પ્રસન્ન નહિ થાઉં પણ મારો અભ્યાસ કરશો તો તમારા અઘરા પ્રશ્નના જવાબ આપીશ. ગૂગલે ચેતવણી આપી કે મારા ભંડારમાં તાળા કે ચાવી નથી એટલે ગમે તે માલ મૂકી પણ જાય છે ને લઇ પણ જાય છે. મારો ભંડાર અખૂટ છે અને કેટલોક માલ નકલી હોય છે એટલે સારા નરસાની ઓળખ કરવાની જવાબદારી તમારી. 


આટલું સાંભળતા પાણી પ્રગટ થયું અને બોલ્યું કે પૃથ્વી સિવાય ક્યાંય જીવન નથી કેમકે બીજા કોઈ ગ્રહ ઉપર મારી ભાળ મળી નથી. તમારા માનવના શરીરના 70% હું છું તો પૃથ્વીની સપાટીના 71% જગ્યા મેં રોકી છે. તમે જેના ઉપર નભો છે તે વનસ્પતિ અને પ્રાણીમાં પણ હું 70-90% છું. તમે ખોરાક વગર 8-10 દિવસ જીવી શકો પણ મારા વગર નહિ. હા હવા મારી બહેન થાય અને તમે એના વગર મિનિટ પણ નહિ જીવી શકો. આટલું સાંભળતા વિક્રમની ધીરજ ખૂટી ને પૂછયું કે તમે કહ્યું તે તો સાચું પણ તમારા સ્વરૂપ તો 2-3 જ છે, અમે તો બહુ સ્વરૂપીની શોધમાં છીએ. પાણી હળવેકથી બોલ્યું, અરે ભાઈ મારા સુક્ષમ અને વિરાટ કેટલાય સ્વરૂપ છે. પાણીએ પોતાની કથની આ પ્રમાણે કહી:


હું પ્રવાહી, ઘન અને વાયુ ત્રણે સ્વરૂપે જમીન ઉપર, પેટાળમાં, હવામાં અને આકાશમાં કેટલાયે રંગરૂપમાં રહું છું. ઠંડી લાગે તો બીજા પદાર્થની જેમ હું સંકોચાતો નથી પણ ફૂલી જાઉં છું અને બરફ બની જાઉં છું. બરફ તરીકે હું પારદર્શક બની ચમકું છું અને પાણીમાં તરું છું. ઉનાળામાં તમારી ગરમી ઓછી કરવા, તરસ છીપાવવા અને ઠંડક કરવા કેટલો કામમાં આવું છું?  


ગરમીનો મને બહુ ડર લાગે એટલે તમે મને ઉકાળો તો હું વરાળ બની ઉપર હવામાં ભાગુ છું. સૂરજની ગરમી દરિયામાં પડે તો હું વરાળ બની ભાગુ તો છું પણ તમારી દયા આવે એટલે કાળા ડિબાંગ વાદળો બની, મોકો મળે તેની રાહ જોઉં છું. જો હવામાન બહુ ઠંડુ ના હોય તો હું દેશ પરદેશ ફરવા ચાલી નીકળું અને જ્યાં થોડીક ઠંડી હોય ત્યાં વરસાદ થઈને ધરતી ઉપર ઝાડ પાનને નવપલ્લવિત કરવા ને નદી નાળા ભરવા નીચે ઉતરું છું. પર્વત વચ્ચે આવી જાય તો વિરામ કરવા ત્યાં જ વરસી પડું. તમે મને ગરમીથી બહુ સતાવો તો ઘણો ઊંચે ચાલ્યો જાઉં અને ત્યાં અતિ ઠંડી હોય તો હિમ સ્વરૂપે પૃથ્વી ઉપર વરસી પડુ. હિમ બન્યા પછી એમ હું કઈ જલ્દી થાકું નહિ પણ તમને થકવી દઉં, અને હિમમાંથી પાણી બનવા દિવસો કાઢી નાખું. પાણીમાંથી ઘન બનું તો બરફ અને વરાળમાંથી બરફ બનું તો હિમ. મારાથી બનતા હિમના પણ બે પ્રકાર છે, આકાશમાંથી ઉતરું તો સ્નો અને જમીન ઉપર બાઝી જાઉં તો મને ફ્રોસ્ટ કહે છે. ઘાસ ઉપર જયારે જમીનમાંથી બિંદુ સ્વરૂપે ઉતરું તો ઝાકળ પણ જો ઝાડના પર્ણમાંથી બિંદુ તરીકે બહાર આવું તો બિન્દુસ્ત્રાવ કહેવાય. 


મને જો માટીના રજકણોનો આશરો અને તેજ હવા મળી જાય તો હું મોતીના દાણા બની કરા બનીને વરસું અને ગુસ્સો આવે તો કેટલાયના માથા ને મકાનના નળિયાં તોડી કાઢું. થોડી ઘણી ગરમીથી હું ભાગુ નહિ પણ ભેજ બની સંતાઇ જાઉં. હવામાં હોઉં તો તમને પરસેવે રેબઝેબ કરી દઉં અને ભેજ બની અનાજમાં ઘૂસું તો બધું અનાજ સડવી નાખું. 


મને ક્યાંય શાંતિથી બેસવું ના ગમે એટલે વરસાદ તરીકે વરશું તો નદી, નાળા, તળાવમાં સહેલ કરતો જમીનમાં ઉતારી છૂપાય જાઉં. નદીમાંથી દરિયામાં ને તળાવમાંથી જમીનમાં સંતાય જાઉં કે ઉપર હવામાં બાષ્પીભવન થઈ વરાળ બની મોટી સલેહગાહ કરી લઉ. તમે માણસો ય કઈ ઓછી માયા નથી, કૂવા ખોદી મને બહાર કાઢો, ડેમમાં ભરો કે કેનાલમાં વહાવો તો ય હું બધું જોયા કરું. 


હું ગુસ્સો કરું ત્યારે પૂર અને સુનામી બની તમને તારાજ કરું પણ રાતે મને ઘાસ યાદ આવે તો પ્રેમથી તેની ઉપર ઘનીકરણ દ્વારા મોતી જેવી ઝાકળ બની પ્રેમ વરસાવું. 

હું પૃથ્વી ઉપર મબલખ છું પણ 97% તો દરિયામાં અને સરોવરોમાં ખારું પાણી છું, થોડું ઘણું હવામાં સંતાય ને રાહુ છું. જમીનમાં, નદી, તળાવ ને કૂવામાં 3% જેટલું જ છું, મારા વગર તમને ચાલશે નહીં એટલે સાચવીને ઉપયોગ કરશો. બહુ ઊંડેથી મને કાઢશો તો મારામાં રહેલ ખનીજો તમારા હાડકા ખોખરા કરી નાખશે. મારા વગર તરસે મરશો અને હું કોપાયમાન થઈશ તો પૂર, સુનામી, ભરતી અને ઝંઝાવાત બની તમને તારાજ કરી દઈશ.

જળ એ જ જીવન છે, સાચવીને વાપરો, પ્રેમથી વાપરો અને હા... તમે મને માટલામાં ભરવાનું ને પાણીના પરબ ખોલવાનું કેમ બંધ કરી દીધું? પ્લાસ્ટિકની બોટલમાં ભરી મારો વેપાર કરો છો તે મને જરાય ગમતું નથી.Rate this content
Log in