પાણીનો હોજ
પાણીનો હોજ
એક દિવસ સવારે મોગલ બાદશાહ અકબર અને બીરબલ રાજમહેલના બગીચામાં ટહેલતા હતા. બાદશાહ બિરબલને કહે કે આપણી પ્રજા બહુ જ આજ્ઞાંકિત છે અને આપણા બધા જ આદેશનું બરાબર પાલન કરે છે. બિરબલ કહે જહાંપનાહ, જવા દોને એ વાત. આ તો પ્રજા પર આપણો રોફ છે, માટે તે કહ્યાગરી લાગે છે, નહીં તો તે પણ બરાબર નથી. બાદશાહે પછી ફરમાન કાઢ્યું કે આજ રાત દરમિયાન દરેક પ્રજાજન, કુટુંબે એક લોટો દૂધ બાદશાહના મહેલની બહારના સ્વચ્છ ખાલી હોજમાં નાંખી જવો.
બીજે દિવસે બાદશાહ અકબર અને બિરબલ સવારે જોવા ગયાં કે પ્રજા કેટલી કહ્યાગરી છે. બાદશાહને લાગ્યું કે હોજ પૂરો દૂધથી ભરેલો હશે, પણ જોયું તો તે પૂર્ણ પાણીથી ભરેલો હતો, કારણ કે દરેક કુટુંબે એવો વિચાર કરેલો કે આપણે જો એક લોટો દૂધને બદલે પાણીનો ભરીને જઈને નાખીશું તો ક્યાં કોઈ જાણવાનું છે, આમ રાજધાનીના દરેક કુટુંબે પાણીનો લોટો જ હોજમાં નાંખ્યો તેથી હોજ દૂધથી ભરાવાને બદલે પાણીથી ભરાયો.
પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણીને મુદ્દે લોકો એમ જ વિચારે છે કે જો હું પર્યાવરણની જાળવણી નહીં કરું તો ક્યાં વાંધો છે, બીજા બધા જ કરે છે, આમ પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી ઉપરોક્ત અકબર અને બિરબલની કથા મુજબ કોઈ જ કરતું નથી.
