પાંખ વિનાનું પંખી
પાંખ વિનાનું પંખી
"નિશા ઓ નિશા ! આમ ક્યાં સુધી બહાર ને બહાર બગીચામાં જ ઊડતી રહીશ ? ચાલ હવે ઘરમાં આવ બ્રશ કરીને ન્હાવાનું પતાવ પછી નાસ્તો કરીએ સાથે બેસીને.”
વ્યોમે વિહરતાં પંખીને જોતી બેઠેલી નિશાને એની મમ્મીનાં શબ્દો યાદ આવ્યાં. એ હંમેશાં વિચારતી ને બોલતી પણ ખરી કે મમ્મી મારે પણ આવી પાંખો હોત તો ? હું પણ ઊડીને દુનિયાની સફર કરત. પણ હું મારી જિંદગીમાં દુનિયાની સફર તો કરીશ જ. એર હોસ્ટેસ બનીને આખી દુનિયા ફરીશ.
કેવી નિરાલી છે આ પંખીઓની દુનિયા ! ના કોઈ દુશ્મન, ના વેરભાવ. સૌ સુખમાં ને દુ:ખમાં સાથે જ હોય ને કિલકિલાટ કરતાં સવારનાં સૂર્યોદય પહેલાં તો સૌ નીકળી પડે છે દૂર સુદૂર ગગને વિહરવા ને ખોરાકની શોધમાં અને સંધ્યા સમયે ફરી બધાંજ ભેગાં મળીને કલરવ કરતાં પોતાનાં માળામાં આવી ચડે. ના નાતજાતનાં ભેદ કે ના ઊંચનીચનાં કાવાદાવા. બસ એક સંયુક્ત કુટુંબ સમી દુનિયાનાં એ મુક્તાનંદ માણતાં મુક્ત વ્યોમે વિહરતાં પંખીઓ !
આજે હું ક્યાં છું ? પપ્પાએ પોતાની શાખ ( શાન ) વધે એ માટે બળજબરીથી ઉધ્યોગપતિનાં એક કુલક્ષણાં દીકરા સાથે પરણાવી દીધી. મમ્મી અને મારાં આંસુ પણ પપ્પાને પીગળાવી ના શક્યા. પપ્પાને મન પૈસો જ સર્વસ્વ અને પૈસાનાં જોરે મિથ્યાભિમાનમાં વિહરવું ! મમ્મી આ પીડા વધુ સમય સહન ના કરી શકી. અને મને સાસરે વળાવીને પછી બીજા જ મહિને સ્વધામે જતી રહી. બહુ ઊંચી ઊડાન ભરી, એક એવા ગગનમાં કે જ્યાં મારી નજર કે હું પણ ના પહોંચી શકતી.
મોટાં મહેલ જેવી હવેલીમાં પિંજરે પુરાયેલું પંખી બનીને રહી ગઈ હું. બધાંજ સપનાં, અરમાનોની પાંખો કાપીને કેદ કરી દીધી મને.
મોટાં ઓરડાંની બારીએથી વિશાળ વ્યોમે સવાર સાંજ વિહરતાં એ પંખીઓને જોતાં જોતાં આંખો નીતરતી જાય છે. બહાર આંબાની ડાળીએ કોયલનાં ટહુકાએ જાણે મને મમ્મીનો ચહેરો આંખો સમક્ષ આવી ગયો. મારી આંસુ ભરી આંખે મને ધુંધળો પણ મમ્મીની આંખોમાં આંસુવાળો ચહેરો દેખાયો. જાણે એ મને કહેતી હતી કે, “ મારી કોયલ ક્યાં ખોવાણી ? ક્યાં ગયાં તારાં મીઠાં ટહુકા ?”
મમ્મી, “ તારી કોયલની પાંખો કાપીને પિંજરે પૂરી છે. માઁ મને લઈજાને તારી સાથે જ આ મુક્ત વ્યોમે વિહરવાને !”
“ શ્વાસોની ખાનદાની, બાંધેલ સપનાં ને,
ફરમાન મુક્તિનું આપી ગઈ,
પાંખોની આઝાદી પારેવડાં ને,
વરદાન જિંદગીનું આપી ગઈ. “
