નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષાભિનંદન
દર વર્ષની જેમ જ દિવાળી ગઈ અને ભેટમાં એકદમ કોરાકટ પુસ્તક જેવું નવું વર્ષ આપી ગઈ. અનુપમા એ બાલ્કનીમાં જઈને ઘરની બહાર ડોકિયું કર્યું. ફળિયામાં ગઈ કાલ રાતના ફૂટેલા ફટાકડા ઠેરઠેર પડ્યા હતા. વાતાવરણમાં જાણે હર્ષ ઉલ્લાસના એક તાજગી ભર્યા તોફાનની લહેર આવી ગયા પછી નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. ફળિયુ જાણે એકદમ શાંત પડી ગયું હતું. શેરીમાં રહેતી વહુઓ પોતાના પિયરથી પરત થઈ ગઈ હતી અને દિવાળી કરવા આવેલી દીકરીઓ ફરી પોતાના સાસરે જતી રહી હતી. દિવાળી જવાથી ચારેકોર રોશનીનો થયેલો ઝગમગાટ મંદ પડી ગયો હતો. પરંતુ આ વર્ષ અનુપમા માટે થોડું અલગ હતું. પ્રકાશનો પર્વ બહારથી ભલે ઝાંખો લાગતો હતો પરંતુ એના અંતરમાં એક દીવાની જ્યોત જગાડી ગયો હતો.
આ વર્ષની દિવાળીમાં તો ઘરની સાફ-સફાઈની સાથે એના મનની પણ સાફ-સફાઈ થઈ ગઈ હતી. અને અંતરમાં ચારેકોર બસ પ્રકાશ જ પ્રકાશ હતો. જ્યારથી અનુપમ એ જુના સંબંધોમાં આવી ગયેલી કડવાહટની બાદબાકી કરી અને એ સંબંધમાં મીઠાઈ જેવી મીઠાશ અને ખીલેલા ગલગોટાના ફૂલ જેવા પ્રેમનો સરવાળો કરી દીધો હતો ત્યારથી બધું ખૂબ જ સરળ લાગવા માંડ્યું હતું. એના હૃદયના દ્વાર પર લગાવેલ સદભાવનાનો તોરણ દરેક સંબંધોનો પ્રેમથી સત્કાર કરવા તૈયાર હતો. ક્યાંક સંબંધોમાં માફી માંગી અને ક્યાંક માફ કરી દીધા પછી અનુપમા ને ખ્યાલ આવી ગયો હતો કે દર વર્ષે ખરા અર્થમાં સાફ સફાઈ કર્યા પછી દિવાળીના પર્વ તરફથી 'બેસતા વર્ષ 'નામની કોરી પુસ્તક આપણા શબ્દોમાં લખીને જીવનની આ રમતને કેટલી સરળ બનાવી શકાય છે.
નૂતન વર્ષમાં માત્ર વિક્રમ સંવત નથી બદલાતું પરંતુ ક્યાંક ઉકેલની રાહ જોઈ રહેલા સંબંધોના સમીકરણો બદલવાનો એક સુંદર અવસર પણ મળે છે. જેટલા શુદ્ધ ઈશ્વરે આપણનેે મોકલાવ્યા ફરી એટલાજ શુદ્ધ થઈ જવાની પ્રેરણા આપતું પર્વ એટલે દિવાળી અનેે નૂતન વર્ષ !
