નસીબ
નસીબ


“આ મંદબુધ્ધિ અને કદરુપી વળી ક્યાં સવારમાં ભટકાણી? દિવસ સારો નહીં જાય.”
“ઓમ જય જગદીશ હરે,
ભક્તજનોકે સંકટ ક્ષણમેં દૂર કરે..”
પ્રભુ, આજે ઘરાકી સારી આપજે.
શેઠ પરસોત્તમદાસ દુકાને જતાં જતાં રુ ની ગાંસડી માથે ઉપાડીને સામેથી આવતી રુકમીને જોઇને અણગમાના ભાવ સાથે ભગવાનને યાદ કરીને આગળ વધ્યા.
સાંજે દુકાન બંધ કરીને જતાં ફરી રુકમી રુ ની ખાલી ગાંસડી સાથે મળી.
“અલી નસીબની બળિયણ, તારે કંઈ કામ જ નથી? અમારા જેવા શાહુકારોની આડે ઉતરીને આમ અપશુકન કરાવવા સિવાય!”
રુકમી મેલી કાળી ઓઢણીનો છેડો દાંત વચ્ચે દબાવીને બે હાથ જોડી
ને નીચી નજરે સરકી ગઈ.
બે વર્ષ બાદ....
ગામના મહિલા ગૃહઉદ્યોગની ઓફિસમાં શેઠ પરસોત્તમદાસ બેઠા બેઠા સંચાલિકા બહેન સાથે વાતો કરી રહ્યા હતા.
“તે હેં બહેન સાંભળ્યું છે કે તમારે ત્યાં બહેનો રુ ની દિવેટમાંથી ગાદલાં અને ઓશિકાં બનાવે છે! એ પેલું શું કહેવાય? બળ્યું નામેય માંડ યાદ રહે.. એક્યુપ્રેશર કે એવું જ ને? તે એ ગાદલાની અસર એવી હોય છે! મણકાના દુખાવા મટાડે?”
“હા શેઠ, અમારી બહેનો બનાવે છે. એમાં અમારી રુકમી તો નિષ્ણાત.. ભગવાને શરુઆતમાં નસીબ નબળું આપ્યું પણ હવે તો એણે બનાવેલાં ગાદલાંની માંગ શહેરોની મોટી મોટી હોટલોમાં રહે છે.”
અને રુકમી શેઠ પરસોત્તમદાસની સામે એક ઓશિકું લઇને પ્રગટ થઈ.