Shalini Thakkar

Children Stories Inspirational

4.8  

Shalini Thakkar

Children Stories Inspirational

નિયમિતતા

નિયમિતતા

5 mins
1.0K


ઘરમાં પ્રવેશતાની સાથે જ ચંચળ અને તોફાની સ્વભાવના વિજયે પોતાનું દફતર એક ખૂણામાં ફેંક્યુ, ફટાફટ બુટ મોજા કાઢ્યા, અને એક હાથમાં ક્રિકેટનું બેટ લઇને પાછળથી આવતા અવાજ,"બેટા પહેલાં કશુંક ખાઈ લે....."ને અવગણી ને ઘરની બહાર રમવા માટે દોટ મૂકી. ઘરની બહાર નીકળતા જ એણે બાજુના ઘરમાં બારી પાસે આવીને ડોકિયું કરીને જયને પણ પોતાની સાથે રમવા માટે બોલાવ્યો. હજી તો જય અને વિજય સ્કૂલથી ઘરે આવ્યા જ હતા એટલે જયે કહ્યું,"અરે વિજય, તને કેટલી વાર કહ્યું છે કે હજી તો આપણે સ્કૂલ થી આવ્યા છીએ. પહેલા થોડું જમી લઈએ અને પછી આજે સ્કૂલમાં પણ કેટલું બધું ઘરકામ મળ્યું છે. જોતજોતામાં પરીક્ષા પણ નજીક આવી જશે. પહેલા થોડું ભણી લઈએ અને પોતાનું ઘરકામ પણ પૂરું કરી લઈએ પછી સાંજે રમવા માટે નીકળીશું."જયની વાત સાંભળીને વિજય દર વખતની જેમ જ હસતા હસતા જયની મજાક કરતા બોલ્યો,"અરે જય હું કઈ તારા જેમ ગોકળગાય જેવી ધીમી ગતિનો નથી. પરીક્ષાના આગલા દિવસે પણ જો હાથમાં ચોપડી લઉં તો બધા જ અભ્યાસક્રમ પૂરો થઈ જાય અને આ વખતે પણ ક્લાસમાં પહેલો નંબર આપણો જ છે. બોલ, લાગી શરત ? જય ને વિજયની કહેલી વાત ન ગમી અને છેલ્લી ઘડીએ ઉતાવળે કામ કરવાની વાતથી એ પણ એ સહમત ન હતો પરંતુ વિજય નાનપણથી જ એનો પાક્કો મિત્ર હતો એટલે એને દર વખતની જેમ જ એની વાત નું માઠું ન લગાડતા વિજયને શાળાના કામમાં નિયમિત રહેવા માટે સમજાવ્યું ,પણ એ બધું જ વિજય માટે વ્યર્થ થતું. વિજય એ ક્રિકેટ બેટ પોતાના ખભા પર મૂકી અને રમવા માટે તૈયાર થતાં બોલ્યો,"સારું જાય, તો તું સાંજે મેદાના રમવા માટે આવે ત્યારે મળીશું હું તો હમણાં જ રમવા માટે જઈશ. ઘરકામ તો થતું રહેશે."કહેતો વિજય મેદાનની તરફ અન્ય રાહ જોઈ રહેલા મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ભાગ્યો.

જય અને વિજય બે પાક્કા દોસ્તો હતા. એક જ સોસાયટીમાં રહેતા અનેે એક જ સ્કૂલમાં ભણતા. બંને સ્કૂલ પણ એક સાથેે જ જતા. બંનેની દોસ્તી જેટલી ગાઢ હતી એટલો જ બંનેના સ્વભાવ એકબીજાથી વિપરીત હતો. જય એકદમ શાંત, ધીરજવાન અને દરેક કાર્યમાં ખૂબ જ નિયમિત હતો. સમયસર વહેલા ઊઠી જવું, નિયમિત શાળાએ જવું અને ઘરે આવીને પોતાનું કામ નિયમિત રીતે કરવું એના સ્વભાવ હતો. જ્યારે વિજય ખૂબ જ હોશિયાર હોવાની સાથે સાથે ખૂબ જ તોફાની સ્વભાવનો હતો. એ પોતાના કાર્યમાં ખુબ જ અનિયમિત હતો અને હંમેશાા પરીક્ષા ના છેલ્લા દિવસોમાંં મહેનત કરતો પરંતુ પોતાની ચપળતા અને હોશિયારીને કારણે ખૂબ સારા માર્કે પાસ થઈ જતો.

જેમ જેમ બંને મોટા થતા ગયા એમનુંં અભ્યાસક્રમ પણ વધતો ગયો. શાળાનું કામ અનેે ઘરકામ પણ વધવા માંડ્યું આખરે બંંને દોસ્ત દસમા ધોરણમાં આવી ગયા. જય એ વિજયને ખૂબ જ સમજાવ્યું કે હવે આપણે દસમા ધોરણમાં આવી ગયા છીએ. આપણે નાના નથી રહ્યા. માટે થોડો નિયમિત રહીને ભણવામાં વધુ ધ્યાન આપે. પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસ ધરાવતા વિજય એ એની વાતને મજાકમાં ઉડાડી દીધી. ધીરે-ધીરે પરીક્ષાના દિવસો નજીક આવતા ગયા. જય પોતાનો અભ્યાસ નો સમય વધારી દીધો અને રમવાનો સમય મર્યાદિત કરી દીધો અને પોતાાની નિયમિતતા અનુસરતા બધો જ અભ્યાસક્રમ અગાઉથી જ પૂરો કરી નિશ્ચિંત થઈ ગયો. બીજી તરફ વિજય ને દર વખતની જેમ જ વિશ્વાસ હતો કેેે એ પરીક્ષાના થોડા દિવસ પહેલાં જ ભણવાનું શરૂ કરશે તો પણ પોતાની હોશિયારી ના કારણે એનો બધો જ અભ્યાસક્રમ પૂરો થઈ જશે માટે એનું કાર્ય રાબેતા મુજબ અનિયમિત અને મર્યાદિત સમય માટે જ રહ્યું.

એક દિવસ વિજય મેદાનમાંથી ક્રિકેટ રમીને આવ્યો અને પછી એને તાવ ચડ્યો. બે દિવસ સુધી એનો તાવ ઉતર્યો જ નહીં અનેે છેવટ ડોક્ટરની સલાહ પ્રમાણે બધા જ ટેસ્ટ કરાવ્યા તો રીપોર્ટમાં ડેન્ગ્યુ નો તાવ હોવાનું નિદાન થયું. વિજયના શરીરમાં ખૂબ જ કમજોરી આવી ગઈ અને એની ખાવા અને પીવાની રુચિ એકદમ ઓછી થઈ ગઈ. એના શરીરમાંથી પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઓછા થઈ ગયા અનેે ડોક્ટરે એને સંપૂર્ણ આરામ કરવા સલાહ આપી.એ દરમિયાન શાળામાં પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ. જય ઘરે આવી વિજયને પરીક્ષાનું ટાઈમટેબલ બતાવ્યું. વિજયને થયું કે એ થોડું સશક્ત થશે પછી જોરશોરથી ભણવાનું શરૂ કરી દેેશે. પરંતુ એના વિચાર પ્રમાણે થયું નહીં. એને સંપૂર્ણ સ્વસ્થ થવામાંં લાંબો સમય નીકળી ગયો અને પછી પરીક્ષા ને માત્ર ગણતરી ના દિવસો રહી ગયા. છેલ્લા કેટલાય દિવસથી બીમારીના કારણે ગેરહાજર હોવાથી વિજયનું સ્કૂલનું બધું જ કામ અપૂર્ણ રહી ગયું હતું. હવે વિજયને થોડો ડર લાગવા માંડ્યો અને ગભરાટ ના કારણે એની કાર્યક્ષમતા પણ ઓછી થઈ ગઈ. પરીક્ષામાં નાપાસનો ડર એના પર એટલો બધો હાવી થઈ ગયો કે એની આડઅસર એ ક્ષમતા પર થવા માંડી. એક દિવસ સાંજે જય વિજયને મળવા માટે એના ઘરે ગયો. આખું વર્ષ નિયમિત કામ કરનાર જય પરીક્ષાના એકદમ નજીકના દિવસોમાં પણ એકદમ સ્વસ્થ અને તણાવમુક્ત લાગતો હતો. એને જોતાં જ વિજય એકદમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને પોતાની પરિસ્થિતિ જયને સંભળાવી. જય કહ્યું,"એટલા માટે જ તો હું હંમેશા તને નિયમિત અભ્યાાસ કરવા માટે સમજાવતો હતો. મને તારી હોશિયારી પર બિલકુલ શંકા નથી પરંતુ ક્યારેક ખરા સમયે આવી કોઈ મુસીબત આવી જાય એવા સમયે જો આપણે નિયમિત પહેલેથી જ આપણું કામ સમયસર પૂરુંં કરી લીધું હોય તો આપણે નિશ્ચિંત રહીએ."વિજયને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને જીવનમાં નિયમિત રહેવાનું મહત્વ પણ. હંમેશા જયની મજાક કરતા વિજયે ભૂલ બદલ જયની માફી માંગી. જયે વિજયને હિંમત આપી અને પછી એના અધૂરા રહેલા કાર્ય પૂર્ણ કરવા માટેની મદદ કરી. જે કામ સ્કૂલમાં બીમારીના કારણે છૂટી ગયું હતું એ બધું જ કાર્ય પણ કરવા માટેની મદદ કરી. અને આખરે પરીક્ષાના દિવસ સુધી જયની મદદથી વિજયનું લગભગ બધું જ કાર્ય સંતોષકારક રીતે પૂર્ણ થઈ ગયું.

આમ અંતમાં સસલા જેવો ચપળ અને તેજ ગતિએ કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ વિજય પોતાની અનિયમિતતા અને બેદરકારીને કારણે પોતાની ક્ષમતા કરતા પર ઓછુંં પરિણામ લાવ્યો જ્યારે કાચબાની જેમ ધીરજવાન સ્વભાવનો સ્થિર ગતિ ધરાવતો જય પોતાની નિયમિતતાના કારણે આખા ક્લાસમાં પ્રથમ નંબર પર આવ્યો.


Rate this content
Log in