Vibhuti Desai

Others

4.5  

Vibhuti Desai

Others

ન કરે નારાયણ

ન કરે નારાયણ

2 mins
460


મોહન અને સોહમ બંને ખાસ મિત્રો. ભણતર પૂરું થતાં જ નોકરી મળી ગઈ. બંને એક જ કંપનીમાં નોકરી કરે, સાથે જ આવવા જવાનું. થોડો સમય પછી બંનેએ વિચાર્યું, શેઠિયાને ત્યાં કામ કરીએ એનાં કરતાં આપણે આપણો જ વ્યાપાર કરીએ તો કેવું ? 

નોકરીની સાથે સાથે બેંક લોનની કાર્યવાહી કરવા માંડી. લોન પાસ થતાં જ નોકરી છોડીને ચાર લુમ્સથી ભાગીદારીમાં‌ ધંધાનાં શ્રી ગણેશ કર્યાં.

 ધીરજ, ખંત, કારીગરો સાથે સુમેળ ભર્યાં વર્તનને કારણે ધંધો બરાબર ચાલવા લાગ્યો. બે ત્રણ વર્ષમાં જ ઈશ્વર કૃપાથી ધંધો જામી ગયો.

વખત જતાં બંનેએ વિચાર્યું કે પોતાની માલિકીનું મકાન ખરીદી એમાં જ ધંધો કરીએ તો ભાડું ભરવું ન પડે અને આપણી પોતાની એક મિલ્કત થઈ જાય.

બંનેએ એક મકાન ખરીદી લીધું,મકાનમાં રોકાણ મોહન અને સોહનનું સરખે હિસ્સે, પરંતુ કેટલાંક ટેકનીકલ કારણોસર મકાન માત્ર સોહનને નામે જ ખરીદી શકાય. મોહન તો તૈયાર થઈ ગયો. 

મોહને ઘરે આવીને માતાને આ ખુશખબર આપી. વડીલો તેમજ પિતાનાં ફોટાને તેમજ માતાને પગે લાગીને માતાનાં આશીર્વાદ લીધાં.

મોહને વિગતવાર વાત કરતાં જણાવ્યું કે, કેટલાક ટેકનીકલ કારણોસર મકાનનો દસ્તાવેજ માત્ર સોહનને નામે જ થશે.વાત સાંભળીને માતાએ કહ્યું," તારી બધી વાત બરાબર પરંતુ તારી પાસે કોઈ સાબિતી નથી કે, મકાનમાં બરોબર અડધો હિસ્સો તારો છે.' ન કરે નારાયણ ને' કાલે ઊઠીને કંઈ પણ થાય મકાન વેચવું પડે કે તમારાં વારસદારનાં હાથમાં વહીવટ આવે તો શું ?" 

મોહને કહ્યું," મા, સોહન પર મને પૂરો ભરોસો છે તું ચિંતા ના કર."

મા પોતાની વાત પર અડગ રહી અને મોહનને કહ્યું," તારી બધી જ વાત સાચી પરંતુ,' ચેતતો નર સદા સુખી' એ હંમેશા યાદ રાખી કામ કરવું." આમ કહી માતાએ આગ્રહ રાખ્યો,"સોહનને લઈને આવ હું એની સાથે વાત કરું."

  સોહન આવતાં જ મોહનની માતાએ સોહનને કહ્યું," મને તમારાં બંને પર, તમારી દોસ્તી પર પૂરો ભરોસો છે પરંતુ કાલે ઊઠીને તમારા વારસદારોનો વહીવટ. આવે ત્યારે 'લખાણું તે વંચાણું ' માટે સ્ટેમ્પ પેપર પર તમારાં બંને વચ્ચે કરાર કરો કે,આ મકાન તમારી બંનેની સહિયારી માલિકીનું છે, જે તમારાં બંનેનાં વંશવારસોને બંધનકર્તા રહેશે."

સોહનને પણ વાત બરાબર લાગી. લખાણ કરાવી, સરકારી દફ્તરે નોંધણી કરાવી બંનેએ એક એક નકલ પોતાની પાસે રાખી.

 ધંધો બરાબર ચાલતો હતો. કોઈ ચિંતા ન હતી, બંને ભાગીદારો પોતાનાં પરિવાર સાથે સુખચેનથી જિંદગી જીવી રહ્યાં હતાં, ત્યાં જ કુદરતને ઈર્ષ્યા થઈ હોય એમ એક દિવસ અચાનક સોહનને છાતીમાં દુખાવો થયો અને તરત જ પ્રાણપંખેરું ઊડી ગયું.

સોહનનો દીકરો જર્મનીથી આવ્યો, બધી વિધિ પતાવી, પરત જતાં પહેલાં ધંધો સમેટી મકાન વેચવાની વાત કરી ત્યારે મોહને કહ્યું,"મકાનમાં અડધો હિસ્સો મારો છે." વારસદાર માનવા તૈયાર જ ન થાય ત્યારે મોહને કરાર વંચાવ્યો અને સોહનનાં વારસદારો મોહનને અડધો હિસ્સો આપવા તૈયાર થયાં.

 ઘરે આવીને મોહને માતાને કહ્યું," મા, તારી વાત સાચી,' ચેતતો નર સદા સુખી ' તેં તે દિવસે જીદ કરી કરાર ન કરાવ્યો હોત તો મને અડધો હિસ્સો ન મળત."


Rate this content
Log in