મુક્તિનો અહેસાસ
મુક્તિનો અહેસાસ
“અલ્યા મૂર્ખ અહી આવ” શેઠ ખુરશી ઉપર બેસતાંની સાથે જ તોછડા અવાજમાં નોકરને બોલાવ્યો. નોકર ચિન્ટુ માટે ચમનલાલ શેઠ પાસે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ હતો નહિ. થોડી સહમી નજરે અને હજી પણ આનાથી વધારે અપમાન થઇ શકે એવા અંદાજ સાથે ચિન્ટુ શેઠ પાસે જવા દુકાનની અંદરથી બહાર આવ્યો. હજી તો શેઠથી બે ફૂટ દૂર હતો ત્યાં ફરીથી એમણે વિકરાળ રૂપ ધારણ કર્યું, આસપાસની દુકાનોમાં સંભળાય એટલા મોટા અવાજથી બોલ્યા: “વચ્ચે હાર્ડ બોર્ડનો ટૂકડો પડયો છે એ તો સરખો મૂકતો આવ”. ચિન્ટુને પણ ખબર જ હતી જે શેઠે કહ્યા પહેલાં ટૂકડો બાજુમાં મૂકવા ગયો હોત તો પાછા એમ જ બોલોત ‘ હું તને બોલાવું છું અને તું બીજાં કામે જતો રહે છે, માણસ છે કે મતીરું’ ?
ડીસામાં આવેલી આ દુકાન હાર્ડવેરના સામાન માટે જાણીતી હતી, સાથે-સાથે આખો દિવસ ઉકળતા-ગરમ સંવાદો માટે પણ. ચિન્ટુને આ બધું કોઠે પડી ગયું હતું,આ પરિસ્થિતિને સ્વીકાર્યા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. ચિન્ટુની આગળ –પાછળ કોઈ હતું નહી અને ઓળખાણથી આ એકમાત્ર નોકરી મળી હતી જે એ હાથમાંથી જવા દેવા માંગતો ન હતો એટલે શેઠનો બધો જ ત્રાસ એ સહન કરી લેતો હતો.
ચિન્ટુ અને આસપાસના બધા લોકોને ખબર હતી કે ડીસાના તાપમાન કરતાં આ દુકાનનું માનસિક અને વૈચારિક તાપમાન ખુબ જ વધારે રહેતું હતું. શેઠ બુમ પાડે કે અલ્યા ખીલી લેતો આવ, જો લઈને આવે એટલામાં તો બે-ચાર ગાળો તૈયાર જ હોય ! “ અલ્યા બળદના બાપ આવી નહી પેલી લાવ” ગમે તે બહાનું કરીને ગાળો તો બોલવાની જ. આ ગાળો, અપશબ્દો અને તિરસ્કાર ફકતને ફક્ત ચિન્ટુ માટે જ હતાં. બીજાં નોકરો અને આવનારા ગ્રાહકોને તો શેઠ માન સાથે જ બોલાવતા. એકમાત્ર ચિન્ટુ જ એવો હતો જે દુકાનમાં સામાન ઓછો વેચતો હતો અને શેઠની ગાળો વધારે ખાતો હતો.
એક દિવસ શેઠ દુકાને આવ્યા ન હતા અને એમના નાના ભાઈ દુકાને આવ્યા. નાના શેઠે ફોન ઉપર કઈક વાત કરી અને પછી એ ફોન ચિન્ટુને આપી દીધું. ચિન્ટુએ કાનમાં જે વાત સાંભળી એના પર એને વિશ્વાસ આવતો ન હતો! મોટા શેઠે એમ કહ્યું હતું કે હવેથી તારે નાના શેઠ સાથે ખેતરે રહેવાનું છે.
સાંજના સમયે ચિન્ટુ નાના શેઠ સાથે ડીસાથી દસેક કિમી બાજુના ગામડાના ખેતરે આવી ગયો. ડીસાથી એહીનું વાતાવરણ એકદમ અલગ જ હતું. વિશાળ ખેતરના શેઢાઓ ઉપર હારબંધ વૃક્ષો વાવેલાં હતાં. બેઠા ઘાટના મકાનની બાજુમાં સાત-આઠ ભેંસો અને દેશી ગાયો બાંધેલી હતી. ફળાઉ ઝાડની સુગંધ મધના જેવી આવતી હતી, ગુલાબનાં ઝૂકેલાં ફૂલો જેવાં નાના શેઠના પરિવારનાં સભ્યોએ આવકાર આપ્યો.
ગાડીમાંથી પગ નીચે મૂકતાં જ મીઠો રણકતો અવાજ એના કાને પાડયો. માત્ર અડધા કલાકમાં તો ચિન્ટુમાંથી ચેતન ભાઈ બની ગયા. ચેતનભાઈ તમારે આ બાજુની ઓરડીમાં રહેવાનું, અમે જમીએ એ જમવાનું અને દૂધ ભરાવવા માટે સવાર અને સાંજે ગામની દેરીએ જાવાનું. જે થઇ શકે એ કામ કરવાનું. ચેતનને તો આ લોકોના શબ્દોના લહેકા ઉપર વિશ્વાસ જ આવતો ન હતો ! ક્યાં મોટા શેઠનો વ્યવહાર અને ક્યાં અહીની મીઠાશ !
ગામડાના આ સુંદર ઘરમાં રહ્યા પછી ચેતનને ખબર પડી કે ખુશી અને આનંદ નામની પણ કોઈ ચીજ હોય છે. ખેતરની ખુલી અને મનમાં રોમાંચ ભરે એવી હવામાં આવ્યા પછી ચેતન વિચારવા લાગ્યો કે આટલા દિવસ તો હું એક જેલની હવા ખાતો હતો, હવે જ જીવનનો સાચો આનંદ અને સ્વતંત્રતાની ખુશી મનાવું છું. ખેતરની ખુલ્લી હવામાં રાત્રે જયારે એ આરામથી સૂઈ જતો અને સવારે મીઠા અવાજ સાથે ઉઠતો ત્યારે એને ખબર પડી કે મુક્તિ શું ચીજ હોય છે! અહીંના વાતાવરણમાં ચેતનને એવો અહેસાસ થતો હતો જાને એની બેડીઓ તૂટી ગઈ હોય અને એ મૂક્ત મને વિહરતો હોય.
ભેંસોને લીલો ચારો નાખતાં અને ખેતરનું કામ કરતાં-કરતાં એના મધુર ગીતો ગુંજતા રહેતાં. હૃદયના ઊંડાણમાંથી ઊગી નીકળતો આનંદ એ મુક્તિનો સાચો અહેસાસ કરાવે છે.