Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

મુખ્ય પાત્ર

મુખ્ય પાત્ર

3 mins
397


મહાનગરના પોશ વિસ્તારમાં સ્થિત આલીશાન બંગલામાં આયોજિત ભવ્ય પાર્ટી, બંગલાના માલિક મિસ્ટર મહેરાની ફિલ્મ'સંઘર્ષ'ની અભૂતપૂર્વ સફળતાના માનમાં યોજાઈ હતી. બહુમુખી પ્રતિભા ધરાવતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિખ્યાત હસ્તી મિસ્ટર મહેરાની ફિલ્મ સંઘર્ષ એમની સ્વયમ લિખિત અને નિર્દેશિત ફિલ્મોમાંની એક હતી. ફિલ્મનું મુખ્ય પાત્ર એક નાની વયે વિધવા થયેલી સ્ત્રીનું હતું, જેના જીવનના દરેક તબક્કાઓમાં આવતા, આર્થિક, સામાજિક અને પારિવારિક સંઘર્ષ ઉપર આધારિત એ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. નાની વયે વિધવા થતી સ્ત્રીઓ અને એને લગતી સમસ્યાઓ પર પ્રકાશ પાડીને સમાજને જાગૃત કરવાના હેતુથી બનાવેલ આ ફિલ્મને બનાવવા માટે મિસ્ટર મેહરા ખૂબ જ પ્રશંસાને પાત્ર બન્યા હતા. ખાસ કરીને સમાજના સ્ત્રી વર્ગમાં એમની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ હતી. કેટલીક મહિલા સશક્તિકરણ અને મહિલા મુક્તિની સંસ્થાઓ એ તો એમની આ ફિલ્મને સમર્થન આપતા પ્રચાર માધ્યમ દ્વારા એ ફિલ્મ ને પુરસ્કાર આપવા માટે નામાંકિત કરવાનું સૂચન પણ કર્યું હતું. શહેરના નામાંકિત વ્યક્તિઓથી ઝગમગી રહેલી આ પાર્ટીની શાન બનેલા મિસ્ટર મહેરાના ચહેરા પર અભૂતપૂર્વ સફળતાનો નશો સ્પષ્ટ ઝલકી રહ્યો હતો.

એક પછી એક આવતા શહેરના મોઘેરા મહેમાનોને સંપૂર્ણ માન સન્માનથી આવકારી રહેલા સમાજમાં સુસંસ્કૃત વ્યક્તિત્વની છાપ ધરાવતા મિસ્ટર મહેરાની બાજ નજર અચાનક જ બંગલાની બહાર ગેટ પર પડતા, વધારે તીક્ષ્ણ બની અને એ દિશામાં ત્રાટકી. એમણે એમની ભૂરી પાણીદાર આંખોને વધુ ઝીણી કરીને બરાબર ચકાસીને જોયું. બંગલાની બહાર મુખ્ય દરવાજા પાસે ઊભાં રહીને અંદર આવવાની પરવાનગી લેવા આજીજી કરી રહેલી અશક્ત વૃદ્ધ મહિલા એ જ તો ન હતી ? હા એ જ હતી, ચંદા ! વર્ષો સુધી જેણે મિસ્ટર મેહરાના બાળકોની આયા તરીકેની ફરજ બજાવી હતી, જેના જીવનનો એક વિશેષ સમય એ બંગલાને સમર્પિત રહ્યો. શૂટિંગ દરમિયાન અતિવ્યસ્ત રહેતા મિસ્ટર મહેરા અનેેે એના કામમાંં હંમેશા એમની સહાયક બનીને રહેતી તેમની અર્ધાંગિનીની ગેરહાજરીમાં સમગ્ર ઘરની અને બાળકોની તમામ જવાબદારી ચંદાના ખભા પર જ રહેતી જેનેે એ સકુશળ નિભાવતી. આ તમામ જવાબદારીઓની સાથે સાથે ખૂબ જ નાની વયે વિધવા થયેેલી ચંદા પર એકલા હાથે પોતાના બાળકોના ભણતર અને ભરણપોષણની જવાબદારી તો હતી જ. કામમાં જેટલી હોશિયાર અને નિપુણ એટલી જ દેખાવે આકર્ષક લાગતી ચંદા પોતાના નિષ્ઠાવાન અને સ્વમાની સ્વભાવ ને કારણે થોડા જ સમયમાં એ બંગલાનો અહમ ભાગ બની ગઈ હતી. મિસ્ટર મહેરાની નજરમાંં ચંદા તરફનું એક ખાસ આકર્ષણ, કંઈ ચંદાથી છૂપું ન હતું અને એ જ રીતે ચંદાની આર્થિક ભીંસથી વિવશ આંખોના ભાવથી મિસ્ટર મેહરાનુંં મન માહિતગાર હતું. અને એટલે જ તો એમણે ચંદાની એ પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. બાળકોની જવાબદારીઓ, આર્થિક ભીંસ અને અન્ય પારિવારિક જવાબદારીઓ વચ્ચે પિસાતું ચંદા નું મન જ્યારે ત્રાજવું લઈનેે બેસતું ત્યારે સ્વભાવિક રીતે સ્વાભિમાન કરતા મમતાનું પલડુ ભારી થઈ જતું જેનેે વશ થઈને એ પોતાની ઈચ્છાની વિરુદ્ધ મિસ્ટર બહેરાની અનુચિત માંગણીઓનો સ્વીકાર કરી લેતી. હા, એ જ તો હતી એ ચંદા, જે દરવાજાની બહાર આજે પણ આર્થિક સહાય માટે બંગલાની તરફ આશાભરી નજરે મીટ માંડીને ઊભી હતી. જેના સંઘર્ષમય જીવન ફળસ્વરૂપે અકાળે વૃદ્ધ અને અશક્ત થયેલા શરીરની હવે ના તો મિસ્ટર મહેરાને જરૂર હતી કે ના તો એમના બંગલાને.

ચંદા, જેની જીવન યાત્રા પરથી પ્રભાવિત થયેલા મિસ્ટર મહેરાની અંદર રહેલાા પ્રતિભાસંપન્ન લેખકને વાર્તા લખવાની પ્રેરણા મળી હતી, એ જ ચંદા, એમની ફિલ્મ સંઘર્ષનું મુખ્ય પાત્ર !

દૂરથી જ મિસ્ટર મહેરાએ ચંદા ને અવગણતા પોતાની દ્રષ્ટિનું લક્ષ્ય તરત જ બદલી ને મોંઘેરા મહેમાનો તરફ તાકી દીધુંં જેની નોંધ દૂર ઊભેલી ચંદાની અશક્ત છતાં પણ અનુભવી આંખોએ તરત જ લઈ લીધી. બંગલાના ગેટ તરફ પીઠ કરીને મિસ્ટર મહેરા ફરી પોતાની ખોખલી ગ્લેમરની દુનિયાના મહેમાનોની ભીડમાં જઈને એકરૂપ થઈ ગયા અનેેેે નિરાશ ચંદા ત્યાંથી ખસી ગઈ,એ ગ્લેમરની ખોખલી દુનિયાના દંભી સમાજની મૂક સાક્ષી બનીને.


Rate this content
Log in