મૃત્યુની મર્યાદા
મૃત્યુની મર્યાદા
"બા, સંધ્યા ટાણું થવા આવ્યું છે. તો ચાલો આપણે મંદિરમાં જતાં આવીએ અને માતાજીના દીવામાં તેલ પૂરતાં આવીએ." રાધાબેને પોતાના સાસુને કહ્યું.
"ચાલ, તું તૈયાર થઈ જા અને તેલની શીશી આખી જ ભરી લેજે. શ્વેતાને પણ તૈયાર કરજે. એને પણ ખબર તો પડે કે આપણી સંસ્કૃતિમાં શું શું કરવાનું હોય." પુષ્પાબાએ કહ્યું.
પુષ્પાબા, રાધાબેન અને શ્વેતા તૈયાર થઈ મંદિરે જવા નીકળ્યાં. રસ્તે પુષ્પાબા નાની શ્વેતાને તેના મનમાં ઉદભવતા પ્રશ્નોના એને સમજાય તેવા જવાબ આપી રહ્યાં હતાં. હજી ત્રણે ગામના પાદરે મંદિર સુધી પહોંચ્યા ત્યાં તેમનું ધ્યાન નજીકની ઝૂંપડી પર પડ્યું. જ્યાં દિવાળીના સપરમા દિવસોમાં પણ ઘોર અંધારું હતું અને કોઈનો રડવાનો ધીમો અવાજ આવી રહ્યો હતો. દયાળુ પુષ્પાબાથી રહેવાયું નહિ તેઓ ત્યાં પહોંચી ગયા.
"અરે ! અંદર કોણ છે ? કેમ આવા સપરમા દિવસોમાં રડો છો ?"
ત્યાં જ ઝૂંપડીમાંથી દસ બાર વર્ષની એક છોકરી બહાર આવી. "બા, આજે સાંજુકના મારા બાપા મરી ગ્યા છ. તેમના શબ પાંહે દીવો મેલવો જોવે પણ ઘરમાં એક ટીપું તેલ નથ. અમારા સગાં આવહે તાં હુધી ઘરમાં અજવાળું કેમનું કરહું. એની ચંત્યામાં અમ મા દીકરી રડીએ છ્ય."
"અરરર ! બચાડાને કેવું મોત આવ્યું છે ? રાધા, તેલની બાટલી આપ તો. અલી છોડી, જા કંઈ વાસણ લાવ તને તેલ આપું."
"પણ બા, આ તેલ તો માતાજીની દીવા માટે છે ને ? પછી ત્યાં મંદિરમાં અજવાળું કેવી રીતે થશે ?" નાની શ્વેતાએ પૂછ્યું.
"બેટા, ત્યાં મંદિરમાં જો, ત્યાં તો કેટલા બધાં દીવા પ્રગટેલાં છે અને આ ગરીબની ઝૂંપડીમાં મૃત્ય દેહ પાસે મૂકવા માટે એક દીવો પણ નથી. દીવાના પ્રકાશની વધુ જરૂર ક્યાં છે, કહે જો ? થોડું તેલ આને આપવાથી આપણને કે માતાજીને કંઈ ફરક નહિ પડે પણ આ ઝૂંપડીમાં 'મૃત્યુની મર્યાદા' સચવાય જશે." પુષ્પાબાએ શ્વેતાને સમજાવ્યું.
"બા, આપણે આ મરણવાળા ઘરેથી મંદિરમાં જઈશું તો સૂતક કે આભડછેટ નહિ લાગે ?" રાધાબેને સાસુને પૂછ્યું.
"બેટા, માતાજી તો દયાળુ છે, એ પોતાના સંતાનોની તકલીફ સમજે એટલે તો આપણને આજે મંદિરમાં આવવાનો અને મને આખી બાટલી ભરીને તેલ લેવાનો વિચાર આવ્યો. ગરીબની મદદ કરનારને કોઈ આભડછેટ ન લાગે. ચાલો, હવે આપણે મંદિરમાં દીવામાં તેલ પૂરી આવીએ."
"બા, જુઓ માતાજી આપણી સામે જોઈને હસે છે."
"હા, બેટા શ્વેતા, માતાજી આપણાં કામથી ખુશ થયાં છે એટલે તો એ આપણી સામે જોઈ હસે છે. એમના મુખ પર કેટલો ઉજાસ છે. માતાજી કહે છે કે મારા મંદિર કરતાં એ ગરીબની ઝૂંપડીમાં અજવાળું વધારે જરૂરી છે."
પુષ્પાબાએ અજાણતાં જ શ્વેતાને જીવનમાં જરૂરી એક પાઠ શીખવ્યો.
