Shalini Thakkar

Others

4.8  

Shalini Thakkar

Others

મોકળાશ

મોકળાશ

5 mins
328


પોતાના નવા સ્માર્ટ ફોનમાં વોટસઅપ પર ગ્રુપ ચેટિંગમાં વ્યસ્ત અનિતા પાસે એની સોળ વર્ષની પુત્રી ઈશાની અને ૧૪ વર્ષના પુત્ર કરણ એ આવીને પોતપોતાના મિત્ર મંડળ સાથેના સાંજના અંગત કાર્યક્રમ વિશે માહિતી આપી. સાંજે ઈશાની ની બહેનપણીઓ એમના ઘરે આવવાની હતી. બધી બહેનપણીઓનો સાથે મળીને એમના સ્માર્ટ ટીવીમાં કોઈ લેટેસ્ટ મૂવી જોવાનો પ્લાન હતો અને કરણના ફ્રેન્ડની આજે એમના ઘરે ’પ્લે ડેટ'ફિક્સ થઈ હતી. અનિતાના બંને બાળકોને પોતપોતાના મિત્રો સાથે પૂર્વનિશ્ચિત કાર્યક્રમ ને એમના ઘરે મેનેજ કરવામાં અનિતાની જરૂર હતી. અનિતા પોતાના નવા ઘરના ક્લબ હાઉસમાં સાંજે યોજાનારી પાર્ટીમાં ડ્રેસ કોડની થીમ વિશે ચાલી રહેલી ગ્રુપ ચેટિંગમાં મગ્ન હતી.'હું તો કહું છું કે લેડીઝ માટે બ્લેક ઇવનિંગ ગાઉન અને જેન્ટ્સ માટે જીન્સ સાથે બ્લેઝર રાખીએ. આજકાલ એ ખૂબ જ ' ટ્રેન્ડી' છે.'અનિતા એ બાળકોની વાત સાંભળતા સાંભળતા જ મોબાઇલમાં થઈ રહેલ ચેટિંગમાં પોતાનું ડપકું મૂક્યું અને પછી નજર ઊંચી કર્યા વગર જ બાળકોને જવાબ આપ્યો,"બેટા હું અમારી સાંજની પાર્ટીના ડ્રેસ કોડના થીમ વિશે થઈ રહેલી ચર્ચામાં વ્યસ્ત છું. થોડી જ વારમાં ઘરકામ કરવાવાળા કલાબેન અને રસોઈવાળા મધુબેન આવી જાય એટલે એમની મદદ લઈને તમે જાતે જ બધું મેનેજ કરી લો. હું આજે ખૂબ જ બીઝી છું."અનિતા ની વાત સાંભળીને થોડા નિરાશ થયેલા બાળકો પોતપોતાના રૂમમાં જઈને પોતપોતાના સાંજના કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયા.

વીર નગર હાઉસિંગ સોસાયટી ના વન બેડરૂમ હોલ કિચનવાળા નાનકડા ફ્લેટમાંથી નિલાંબર સોસાયટીના ફોર બેડરૂમ હોલ કિચનવાળા મોટા બંગલામા શિફ્ટ થયેલું અનિતા અને એનું પરિવાર જાણે સાતમા આસમાનમાં ઊડી રહ્યું હતું. એક સામાન્ય વિસ્તારમાંથી શિફ્ટ થઈ ને એક પોર્શ વિસ્તારમાં મોડર્ન એમિનીટીઝ ધરાવતી સોસાયટીના બંગલામાં સ્થળાંતર થયા પછી એમના પગ જાણે જમીન પર ટકતા જ નહતા. ઘરના બધા જ સભ્યોની જીવનશૈલી બદલાઈ ગઈ હતી. દરેક સભ્યોના પોતાના વેલ ફર્નિશ્ડ બેડરૂમમાં અલગ ટીવી અને અન્ય સુવિધાઓ હતી. બધા પોતાના બેડરૂમમાં બેસીને એક જ સમયે પોતાના અલગ-અલગ મનપસંદ કાર્યક્રમ જોવાનો લાભ મળતો. એક નાના અને સાંકડા ઘરમાંથી એક વિશાળ બંગલામાં આવીને બધાને પોતાનો એક "સ્પેસ' મળી ગયો હતો, અંગત જીવન જીવવાની એક મોકળાશ મળી ગઈ હતી.

આજે શનિવાર હતો એટલે બધા જ પોતાના 'વિકેન્ડ 'ની સાંજ ને સ્પેશિયલ બનાવવા માટે ઉત્સાહિત થઈને અલગ-અલગ દિશામાં પોતાના રૂમમાં જઈને તૈયારીમાં મશગુલ થઈ ગયા. અનિતાનો પતિ આશિષ સવારથી જ પોતાના મિત્રો સાથે ક્લબ હાઉસમાં જઈને સાંજે યોજાનાર પાર્ટીની તૈયારીઓમાં લાગી ગયો હતો. અનિતાએ પોતાના રૂમમાં જઈને પોતાનો વોર્ડરોબ ખોલ્યું અને એમાંથી બ્લેક કલર નો ઈવનિંગ ગાઉન બહાર કાઢી ને પહેરી જોયો. એના ઉપર એના બ્લેક કલરના પેન્સિલ હિલના સેન્ડલ પહેરીને અરીસામાં જોયું. આજની સાંજની પાર્ટીમાં આ કપડામાં કેટલી સુંદર લાગશે એ વિચારથી એનું મન રોમાંચિત થઇ ઉઠ્યું. એ પોતાના સાંજના પાર્ટીના લૂક નું રિહર્સલ કરી રહી હોય એમ લહેકાથી ચાલી રહી હતી ત્યાં તો અચાનક ફોનની ઘંટડી વાગી અને એ ઝડપથી ફોન લેવા જતી હતી અને પગમાં પહરેલી પેન્સિલ હીલના સેન્ડલ ના કારણે એના એક પગનું સંતુલન હલી ગયું અને એનો પગ મચકોડાઈ ગયો અને એ જમીન પર પડી ગઈ. અસહ્ય વેદના ને કારણે મોઢામાંથી ચીસ નીકળી ગઈ જે પોતાના બંધ એસીવાળા રૂમમાં જ દબાઈ ગઈ અને બાજુમાં પોતાના બાળકોના બંધ રૂમ સુધી ના પહોંચી શકી. અસહ્ય વેદના કારણે અનિતા આંખમાં આંસુ આવી ગયા. એ જેમ તેમ કરીને ત્યાંથી ઊભી થઈ અને બાજુમાં કબાટના ડ્રોવરમાંથી સ્પ્રે કાઢીને પોતાના પર જાતે જ લગાડ્યું. સહેજ રાહતનો અનુભવ થયો એટલે અનીતા ને સાંજની પાર્ટી માં પહોંચતા પહેલા સમેટવા ના કામો યાદ આવી ગયા."હજી સુધી કલાબેન કેમ નથી આવ્યા ? આજે એમને ખૂબ જ મોડું થઈ ગયું."ઘરકામ કરવાવાળા કલાબેન ને યાદ કરતા અનિતા વિચાર્યું. કલાબેન નિલાંબર સોસાયટી ના પાછળના વિસ્તારમાં જ રહેતા હતા. અનિતા થયું કે બાળકોને કલાબેનના ઘરે મોકલાવીને બોલાવી લઉં જેથી એની હાજરીમાં જ ઘરના બધા કામ સમયસર થઈ જાય, એ જેમ તેમ કરીને ત્યાંથી ઊભી થઈ અને પોતાના ફોન સુધી પહોંચી અને ઈશાનીને ફોન લગાડ્યો. રૂમમાં ચાલી રહેલા લાઉડ મ્યુઝિકના કારણે ઈશાનીને ફોન ના સંભળાયો. નિરાશ થઈને એને કરણ ને ફોન જોડ્યો. જેવો કરણે ફોન ઊંચક્યો અનિતા રાહતનો શ્વાસ લીધો. એણે જેવું કરણ ને કલા બેન ના ઘરે જઈને એમને બોલાવી આવવા માટે કહ્યું કરણે ઉતાવળા અવાજમાં જવાબ આપ્યો,"મમ્મી હું મારી ફ્રેન્ડ સાથેની' પ્લેડેટ'ની તૈયારીમાં ખૂબ જ બીઝી છું. પ્લીઝ તું જાતે જ મેનેજ કરી લે". થોડીવાર પહેલા જ પોતાના બાળકોને "જાતે જ મેનેજ કરી લ્યો" કહેનાર અનિતાને પોતાનું બોલેલું વાક્ય જ પાછું ફરીને પોતાના ગાલ પર તમાચાની જેમ પડ્યું.

અનિતા હજી તો પોતાનામાં પગમાં થઈ રહેલી પીડા વિશે કરણ ને કશું કહે એ પહેલા તો સામે છેડેથી ફોન કપાઈ ગયો. પોતાની મસ્તીમાં મસ્ત બાળકો પાસે હૂંફ ઝંખતી અનિતાના દિલમાં ઊઠેલું દર્દ પગમાં થઈ રહેલી વેદના કરતા વધુ અસહ્ય બની ગયું. પોતપોતાની તૈયારીઓમાં પડેલા બાળકો અત્યારે એને દાદ નહી આપે એ ખાતરી સાથે અનિતાએ ધીમે ધીમે પોતાના કપડા અને સેન્ડલ બદલ્યા અને દર્દના મારે કાપતા પગે ધીરે ધીરે ચાલતા ઘરની બહાર નીકળી અને સોસાયટીના પાછળના વિસ્તારમાં કલાબેનના ઘરે એમને બોલાવવા માટે પહોંચી ગઈ. કલાબેનના ઘરનો આજુબાજુનો વિસ્તાર અને ગલીઓ ખૂબ જ સાંકડી હતી. અનિતા જેવી એમના ઘરે પહોંચી અને દરવાજો ખખડાવ્યો અંદરથી બારણું ખૂલ્યું. તદ્દન નાના અને સાંકડા એક જ રૂમમાં રહેતા કલાબેન અને એમનો પરિવાર બધા સાથે બેઠા હતા. ખૂણામાં પડેલી સગડી પર કલાબેનનો પતિ રસોઈ બનાવી રહ્યો હતો. થોડી દૂર એક ગોદડી પાથરીને સૂતેલા કલાબેનના પગ પર એમની લગભગ ૧૬ વર્ષની દીકરી માલિશ કરી રહી હતી અને લગભગ કરણની જ ઉંમરનો લાગતો એમનો દીકરો એના પિતાને રસોઈમાં મદદ કરી રહ્યો હતો. બધા સાથે બેસીને એ નાનકડી ખોલીમાં સામે પડેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં ચાલી રહેલા કાર્યક્રમની મજા લઈ રહ્યા હતા. બધાના ચહેરા પર અનેરો આનંદ છવાયો હતો. જેવી અનીતા ને જોઈ બધાનું ધ્યાન ટીવી તરફથી હટી ને અનિતા તરફ કેન્દ્રિત થઈ ગયું. અનિતા કંઈ કહે એ પહેલાં કલાબેન પતિએ અનીતા ને જોઈને કહ્યું કે કલાબેનના પગમાં મોચ આવી ગઈ હોવાના કારણે ડોક્ટરે એને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. જ્યાં સુધી એનો પગ એકદમ ઠીક નહીં થાય ત્યાં સુધી એ કામ પર નહીં આવે. અનિતાએ કલાબેન સામે જોયું એના ચહેરા પર પગમાં થયેલી વેદના કરતા પોતાના પરિવાર તરફથી મળતા પ્રેમ અને કાળજીનો સંતોષ વધુ હતો. સાંકડા ઘરમાં રહેતા કલાબેન અને એના પરિવારમાં બધાના મનમાં અને હૃદયમાં એકબીજા પ્રત્યેની લાગણીની મોકળાશ એમના ચહેરા પર ઝલકી રહી હતી.

'મકાનમાં મોકળાશ તો થઈ ગઈ પરંતુ એકબીજાના હૃદય સુધી પહોંચવાના રસ્તાઓ ક્યારે સાંકડા થઈ ગયા એ તો ખબર જ ના પડી,' અનિતાના દુઃખી થયેલા હૃદયમાં અનાયાસે જ વિચાર આવી ગયો.


Rate this content
Log in