STORYMIRROR

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

મને તું બસ છે

મને તું બસ છે

6 mins
14.5K


હરણી જેવી ફફડતી, ગભરૂ ચીર જ્યારે મંડપમાં બેઠી હતી ત્યારે ગોરમહારાજ પણ શ્લોક બોલવામાં ભૂલ કરતા હતાં. લાજ કાઢીને બેઠેલી ચીરનો હાથ વસ્ત્રના હાથમાં મૂકાયો. હસ્ત મેળાપની મંગલ ઘડીની શુભ શરૂઆત થઈ રહી. હાથનું કંપન અનુભવી વસ્ત્ર ચોંક્યો. તેના હાથમાં મૂકેલા ચોખા ક્યારે સરી પડ્યા તેની પણ તેને ખબર ન રહી. ચીરનો હાથ જોરથી પકડી દબાવ્યો. ચીરના હૈયે શીતળતાનો સંચાર થયો. તેનો ડર સંપૂર્ણ દૂર ન થયો. માત્ર તેની ધ્રુજારી થોડી હળવી થઈ. તેનું મસ્તક વધારે ઝુક્યું. વસ્ત્રના હસ્તની ઉષ્મા તેના હૈયાને સ્પર્શી ગઈ.

ચીરમાં હિંમત ન હતી કે ઘુંઘટની આડમાંથી વસ્ત્રનું મુખ નિહાળે. ચીરે આગ્રહ સેવ્યો હતો કે લગ્ન વખતે તે ઘુંઘટ રાખશે. સાડી શીફોનની પારદર્શક હતી. વસ્ત્ર બધું નિહાળી રહ્યો હતો. ચીરની જીંદગીથી વાકેફ હતો. તેના પ્રેમાળ સ્વભાવને કારણે ચીર પર તેણે સંમતિની મહોર મારી હતી. ચીર ખૂબ સુંદર હતી. સર્જનહારે તેને ફુરસદના સમયે ઘડી હતી. વસ્ત્રના નયનોમાંથી નિતરતા પ્યારની ધારામાં તે વહી જતી. વસ્ત્ર તેના દિલ પર રાજ કરતો.

ચીરનું એ રૂપ એનું વેરી હતું. ચીર આબેહૂબ તેની મા જેવી દેખાતી જે તેના પિતાથી ખમાતું નહી. ચીરને જન્મ આપીને ડોક્ટરની ભૂલને કારણે માતાએ ઓપરેશનના ટેબલ ઉપર આખરી શ્વાસ લીધા હતાં. ચીર દાદીની દેખભાળ અને પ્યાર પામી ઉછરી હતી. પિતાજીને મનમાં ડંખ હતો કે ચીરના આગમનથી તેમણે વહાલસોયી પત્નીનો સાથ ભર જુવાનીમાં ગુમાવ્યો હતો. ખેર હવે આ માહોલમાંથી ચીર, વિદાય લેવાની હતી. હોંશભેર પતિને ત્યાં જવાનો મંગલ દિવસ આવી પહોંચ્યો હતો.

ચીરની દાદીએ તેને વહાલથી ગોદમાં સુવડાવી. આવી સુંદર બાળાનો શું વાંક? પરી જેવી ચીર આખી જીંદગી પિતાની ગોદમાં રમવા તરસી. તેની એ આશા સફળ ન થઈ.

પિતાજીએ બીજા લગ્ન પછી ચીર તરફ દુર્લક્ષ્ય સેવ્યું હતું. નવીમા પ્રેમ ન આપતી પણ તિરસ્કાર પણ ન કરતી તેથી ચીર માનસિક સમતુલા ગુમાવી બેઠી ન હતી. દેખાવે સુંદર અને ભણવામાં હોંશિયાર ચીર આજે પિતાનું ઘર છોડી સાસરે જવાની હતી.

તે જાણતી હતી, લગ્ન પછી દરેક સ્ત્રી માતા બને છે. અપવાદ સિવાય. જેને કારણે તે ખૂબ ભયભિત હતી. ચીરે માતાને જોઈ હતી, માત્ર તસ્વીરમાં. તેની નજર સમક્ષ હમેશા રહેનારી માતા નાની ઉમરે પોતાને કારણે વિદાય થઈ હતી. એ સત્ય તેને કોરી ખાતું. ગોરમહારાજે ત્રણ વખત સાવધાન શબ્દનું  ઉચ્ચારણ કર્યું. તેનો હાથ વસ્ત્રએ એવો સજ્જડ પકડ્યો હતો કે તેને મંડપમંથી ઉઠીને ભાગી જવું હતું છતાં આચરણમાં ન મૂકી શકી. જ્યારે મહારાજ, સાવધાન શબ્દ બોલે ત્યારે વસ્ત્ર તેના હાથની પકડ વધારે મજબૂત બનાવે.

વસ્ત્રને ચીર ખૂબ પસંદ હતી. મનોમન તો ચીર પણ વસ્ત્ર પાછળ ઘેલી હતી. જેને કારણે આજનો સુનહરો દિવસ ઉગ્યો હતો. વસ્ત્ર જાણતો હતો ચીરના દિલ અને મનની વાત. વાત એટલી બધી નાજુક હતી કે જે ન ઉચ્ચારવામાં આવે તો જ મજા હતી. ચીરની વિદાયનો સમય આવી ગયો. સખત કાળજાના બાપની આંખમાં પણ નીર ઉભરાઈ ગયા. પ્રેમથી ચીરના મસ્તક પર હાથ મૂકી આશિર્વાદ આપ્યા. તેને આલિંગન આપવાનું મન ન હતું પણ આ ઘડી એવી છે કે પાષણને પણ પિગળવું પડે. જીવનમાં પહેલીવાર પિતાએ પુત્રીને આલિંગન આપ્યું.

આવા ઉષ્મા ભર્યા આલિંગન માટે ચીર આખી જીંદગી તડપતી રહી હતી. જે અંતે પામવા સફળ રહી. ‘મા’એ પણ અંતરના આશિર્વાદ આપ્યા. નવીમાને નસીબ જોગે કોઈ બાળક થયું ન હતું. ચીરના પિતાને તેનો જરા પણ અફસોસ ન હતો.  એક અનુભવ આખી જીંદગી માટે પૂરતો હતો. ઘર ખાલી થઈ ગયું. દિલમાં તેની અસર પહોંચી હતી. આજની રાત પછી હવે કાલથી ઘરમાં ચીરના અલપઝલપ પણ  દર્શન તેમને થવાના ન હતાં.

દીકરીને વિદાય કરી. વસ્ત્ર, ચીરનો હાથ ઝાલી મંડપમાંથી તેને લઈને વિદાય થયો. ચીરની ધડકન ખૂબ તેજ હતી. તે અસંમજસમાં હતી. પ્રતિક્રિયાની તેને પહેચાન ન હતી. પિતાનું ઘર છોડી કદી ક્યાંય ગઈ ન હતી. દાદી હતી ત્યાં સુધી તો તેને કોઈ ચિંંતા સતાવતી ન હતી. દાદીના ગયા પછી ખૂબ નરમ થઈ ગઈ હતી. વસ્રએ તેના હાથ થામી ઉગારી. હવે આજે જાણે બન્ને એકબીજા માટે સર્વસ્વ હોય એવો અનુભવ થયો. જાન ઘર તરફ પાછી ફરી. કોડીલી વધુ અને દીકરો આંગણે આવી ઉભા.

વરઘોડિયાને પોંખી ઘરમાં લાવ્યા. વસ્ત્રના મમ્મી અને પપ્પા ખૂબ ખુશ હતા. વસ્ત્રની બહેન રેશમ, ભાભીની આજુબાજુ આંટા મારતી. ચીરને રેશમ ખૂબ વહાલી હતી. તે બટકબોલી અને પ્રેમાળ હતી. હવે વાતાવરણ શાંત થયું. સહુ ઝંપી ગયા. ચીર અને વસ્ત્ર બન્ને રૂમમાં એકલા થયા. રેશમે ભાઈ અને ભાભીનો રૂમ  સુંદર રીતે શણગારી પોતાની કલામયતા દર્શાવી હતી. ચીર ખૂબ ખુશ થઈ. સહુએ તેને ખુલ્લે દિલે આવકારી હતી. તેના દિલની ધડકન થોડી શાંત થઈ અને લજ્જાએ તેનું સ્થાન ગ્રહણ કર્યું. આવીને સીધી સજાવેલી શૈયા પર બેઠી.

વસ્ત્રએ આવીને તેને બાહોંમા જકડી લીધી.

“ચીર આજથી તું મારી, હું તારો. કોઈ ડર કે સંદેહને સ્થાન નથી.”

ચીર વધારે લજવાઈ તેની ખૂબ નજદીક સરી.

”વસ્ત્ર, તેં મારા પર મૂકેલો મૂકેલો વિશ્વાસ કદી ટૂટવા નહી દંઉ."

ચીર, વસ્ત્રને વેલની માફક વિંંટળાઈ ગઈ. વસ્ત્રને પ્રેમથી ચીરનું વિંંટળાઈ વળવું પસંદ આવ્યું. વસ્ત્ર જાણતો હતો ચીરને કોઈ પણ ભોગે માતા નથી બનવું. તેણે મનોમન નિશ્ચય કર્યો હતો જ્યાં સુધી ચીર તૈયારી ન બતાવે ત્યાં સુધી આગ્રહ ન રાખવો. મધુરજની મનાવવા નૈનીતાલ ગયા, આગ્રાનો તાજમહાલ જોયો અને રાજધાની દિલ્હીની સૈર કરી વીસ દિવસે બન્ને પાછાં ફર્યા.

ચીરને નવા વાતાવરણમાં ગોઠવાતા વાર ન લાગી. લગ્ન પછી જ્યારે નવી આવનાર વધુ ખુલ્લા દિલે પતિના કુટુંબનો સ્વીકાર કરે છે ત્યારે તેને નવું ઘર પોતાનું લાગે છે. દિલથી ચાહનાર પતિની અનુકૂળતામાં તે ગોઠવાઈ આનંદ અને ઉલ્લાસ વેચે છે. પિતાના ઘરનો આડંબર કે અહંકાર ન રાખતા નવા વાતાવરણમાં તેને પોતીકાપણાનો અહેસાસ થાય છે.

લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા. વસ્ત્રના મમ્મીએ પૂછ્યું,’બેટા હવે અમને દાદી અને દાદા ક્યારે બનાવવાના?’

ચીર દોડીને પોતાના રૂમમાં જતી રહી. આખરે વસ્ત્રએ હકિકત જણાવી. પહેલાં તો તેના મમ્મીએ આંચકો અનુભવ્યો. પિતાજી પોતાના રૂમમાં જતા રહ્યા. વસ્ત્રના મમ્મી વીણાબહેન વિચારમાં પડી ગયા. તેમનું હ્રદય ચીરે જીતી લીધું હતું અરે રેશમના લગ્ન વખતે તેમની સાથે ખભે ખભો મિલાવી બધા પ્રસંગ ખૂબ સુંદર રીતે ઉજવ્યા હતા.

ત્રણેક દિવસ પછી ચીરને પ્રેમથી પોતાની પાસે બોલાવી. ચીરને વીણાબહેનમાં પોતાની માના દર્શન થતાં. સ્નેહના તાંતણે બંધાયેલી ચીર મમ્મી પાસે દિલ ખોલીને  વાત કરી રહી. વીણા બહેને સાંત્વના આપી. જરા પણ આગ્રહ ન સેવતાં માતા થવાનો લહાવો એ તો સ્ત્રીનું સૌભાગ્ય છે. પતિ અને પત્નીના પ્રેમનું તો એ પ્રતીક છે. ચીરે, વસ્ત્રના મમ્મીના મુખેથી જાણે તેની મમ્મી તેને શીખામણ ન આપી રહી હોય તેમ અનુભવ્યું. તેના દિમાગમાં જે ગ્રંથી હતી તે એક એક તાંતણે ટૂટવા લાગી. આવા પ્રેમથી તેણે કોઈની સાથે વાત કરી ન હતી.

ચીર ખૂબ શાંતિથી બધી વાત સાંભળી રહી. પિતાએ તેના તરફ દાખવેલો અણગમો વિસરાઈ ગયો. પિતા તરફ કરૂણાની ગંગા વહેવા લાગી. મનોમન કાંઈ નક્કી કરી પોતાના રૂમમાં ગઈ.

‘ચાલને બહુ દિવસ થયા આપણે મહાબળેશ્વર જઈએ. લેકમાં બોટિંગ કરીશું. સનસેટ પોઈન્ટ જોઈ બે દિવસમાં પાછા ફરીશું.’

ચીરનો પ્રસ્તાવ સાંભળી વસ્ત્ર આનંદથી ઉછળી રહ્યો. ડ્રાઈવરે સવારે વહેલાં આવવાનું નક્કી થયું. શનીવારે સવારના પહોરમાં બન્ને જણા રવાના થયા. ‘લેક પેલેસ’માં તેમને ઓળખાણ હતી. ફોન કરી ડીલક્ષ રુમ બુક કરાવ્યો.

‘વસ્ત્ર હું તૈયાર છું,’ વસ્ત્ર ન સમજે તેવો નાદાન ન હતો.

‘મને તું બસ છે. તારી નાની શી આવૃત્તિ—- એ શબ્દો હવામાં વિલીન થઈ ગયા. શુભ સમાચારે ચીરના પિતાજીની આંખો ખોલી. હાથમાંથી સરી ગયેલા સમયને પાછો આવતો ભાળી રાજી થયા. ચીરની દિમાગી હાલત માટે તેઓ જવાબદાર હતા, તે જાણી ખેદ અનુભવ્યો.


Rate this content
Log in