Mariyam Dhupli

Children Stories

2  

Mariyam Dhupli

Children Stories

મજાનું વેકેશન

મજાનું વેકેશન

1 min
12.1K


જડબેસલાક કોવીડ-૧૯ કર્ફ્યુના સન્નાટા વચ્ચે શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારની ગગનચુંબી ઇમારતની સંપૂર્ણ સુરક્ષિત અને કાચની કેબીન સમી બે આસ -પાસની બાલ્કનીઓ ઉપર બે બાળમિત્રો, પોતપોતાના ફ્લેટમાંથી એકમેક જોડે વાત કરવાની તક ઝડપી રહ્યા હતા.

"આવું વેકેશન દરરોજ જ મળે તો કેવું સારું !"

"કેમ ?"

"મમ્મી પપ્પા આખું અઠવાડિયું ઘરેજ છે, મારી પાસે. મમ્મી દરરોજ મને ગમતી વાનગી બનાવે છે. પપ્પા અને હું મળીને ઘરના કામોમાં મમ્મીની મદદ કરીએ છીએ. સાંજે દાદા, મમ્મી , પપ્પાને હું કેરમ, લુડો, સાપસીડી કેટલી બધી ગેમ્સ રમીએ છીએ ! કાશ આ મજાનું વેકેશન કદી પૂરું જ ન થાય."

ઘરની અંદરથી પડાયેલી પોતાના નામની સાદ જોડેજ ખુશીની લહેર સમેટી એક બાળકે ફ્લેટની અંદર તરફ દોટ મૂકી .

"ઓકે બાય, પછી વાત કરીશું."

બીજું બાળક પણ ધીમે રહી ફ્લેટની અંદર તરફ પ્રવેશ્યું. શાંત ફ્લેટના શયન ખંડનું બારણું ધીમેથી ખોલી એ પલંગ ઉપર લંબાયું. ઘેરી ઊંઘમાંથી પડખું ફેરવતા દાદીએ એને આલિંગનમાં લઇ લીધું. ઉદાસ આંખો દ્વારા શયનખંડની વચોવચ ગોઠવાયેલી વિશાળ ફોટો ફ્રેમમાં પોતાના મમ્મી -પપ્પા જોડેની તસ્વીર નિહાળતા નીરવ ડૂસકું ભરાઈ આવ્યું. દાદીના આલિંગનમાં સમાઈ,પડખું ફેરવી ધીરે ધીરે આખરે આંખો મિંચાયજ ગઈ. શયનખંડની વિશાળ ફોટો ફ્રેમની બન્ને તરફ સમાંતરે શણગારાયેલ મમ્મી અને પપ્પાના તબીબી સર્ટિફિકેટ એ ખાનગી ડૂસકાંના એકમાત્ર મૌન સાક્ષી બની રહ્યા.


Rate this content
Log in