મેળો
મેળો
આ ભાગતી જીંદગીમાં જો થોડી મોકળાશ મળે તો કોને ના ગમે? અને આ તો શાળા..ભણતરના ભારને ખંખેરવા મળતી રજા એટલે તો જંગ જીત્યા ની ખુશી. "હાશ, આ સાતમ-આઠમની રજાઓમાં ખૂબ મજા આવશે".એમ કહી ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ અંદરોઅંદર મળનારી રજાઓની ખુશી વહેંચવા લાગ્યા. તો કોઈ-કોઈ ઘરે ગમતું ન હોવાથી દુઃખી હતા, આ દુઃખી વિદ્યાર્થીઓની ટોળકીમાં એક જ છોકરો ખુબ ખુશ હતો, એનું નામ અજય.
' કેમ અજય, તને શેનો આનંદ આવશે આ રજાઓમાં.. તું ભણવામાં હોશિયાર છે એટલે તારું કંઈ બગડે નહીં, પણ અમને ન ગમે' કહી સુરેશે ઠપકો આપ્યો. અજય વઘુ કંઈ બોલ્યો નહિ ફક્ત એટલું જ કહ્યું' મેળા માં જવાનું એટલે'.
સુરેશ અને બીજા મિત્રોને અજયની ઈર્ષા થઈ, એમને કોઈ વાર મેળાનો આનંદ માણ્યો જ ન હતો.
શાળા છુટયા પછી સુરેશે એના બીજા મિત્રોને વૉલીબૉલ રમવા બોલાવ્યા હતા, સૌ આવી ગયા પણ અજય ન આવ્યો, એટલે બધા મિત્રો ને વધુ ઈર્ષા થઈ.
સુરેશ : આ અજલો એકલો મેળા માણે અને આપણને જોડે આવવા પણ કહેતો નથી, આ વખતે તો આપણે પણ જશું, જોઈએ એ એકલો વધુ મજા કરે કે આપણે બધાં'.
સચિન : હા, પછી એ આવે તો ય આપણો દોસ્ત નહીં.
જીગર : હા સાચી વાત છે.
બીજા દિવસે બધા મિત્રોએ ઘરેથી મેળામાં જવાની રજા લીધી. મેળો બાજુના ગામમાં જ ભરાય એટલે સૌ ઉપડ્યા. ત્યાં પહોંચ્યા મેળાનું દ્રશ્ય એટલું રોચક હતું કે સૌ ખુબ જ ખુશ થઈ ગયા. આંખો ને જાણે મેઘધનુષ જોવા મળે એમ અલગ અલગ ચકડોળ, દુકાનો, અનેક ખેલ ....
સૌ એક પછી એક ખેલની અને બધી રાઈડસની મજા લેવા લાગ્યા..પણ સાથે સાથે અજય ક્યાં મજા કરી રહ્યો એ જાણવા બધાંની નજર ફરી રહી હતી...ચ
ાર પાંચ કલાક ફર્યા, ખાધુ,ખુબ મજા કરી પણ ક્યાંય અજય મજા માણતો દેખાયો નહીં, સૌ એ નક્કી કર્યું કે ભલે અહી મળ્યો નથી પણ આપણે કરેલી મોજ મસ્તી ની વાતો કરી એને ચીડવીશુ..આખરે એણે એકલાએ શું મજા કરી હશે..એમ કહી હવે બધા છેલ્લે નાના ભાઈ બહેનો માટે ખરીદી કરવા લાગ્યા.
સુરેશ પોતાની નાની બહેન માટે કંઈક એને ગમે એવી વસ્તુ શોધી રહ્યો હતો, દૂર થી એની નજર એક ઢીંગલી ઉપર પડી. એને જોઈ બહેન ઉછળી પડશે એમ એને લાગ્યું, એ ઝડપથી ત્યાં ગયો આખી દુકાન ખાલી હતી બસ આ એક જ ઢીંગલી બચી હતી, એણે ઝડપથી એ ઢીંગલી આપવા રમકડાંવાળા ને કહ્યું, રમકડાંવાળો ઊંધો ઊભો હતો એણે ફર્યા વિના જ' કહ્યું," આ નથી વેચવાની.. એ મારી બહેન માટે છે.."
સુરેશ : અરે ભાઈ આપોને, મારી બહેન માટે..એ બહુ ખુશ થઈ જશે"
અવાજ સાંભળી રમકડાંવાળો એ દિશામાં ફર્યો, એ બીજું કોઈ નહિ પણ અજય હતો, જેને સુરેશ મેળામાં મોજ કરતો શોધી રહ્યો હતો એ તો અહી રમકડાં વેચતો હતો.
સુરેશને પોતાના વિચારો પર શરમ આવી, પણ એ સમજી ન શક્યો કે આ ઢીંગલી કોના માટે?
સુરેશ: અજય, તું અહી આટલી મહેનત કરીને પરિવારને મદદ કરે એ હું સમજ્યો..પણ કેમ આ ઢીંગલી કોના માટે?
અજય : કેમ તારા ઘરે છે એ મારી બહેન નથી? એ મને કહેતી હતી કે અજય તું મારા માટે કંઈક લાવજે.
સુરેશની આંખમાં આંસુ આવી ગયાં. જેને એણે દોસ્ત ગણવાની પણ ના પાડી એ ભાઈ જેવો નીકળ્યો. એની બહેન માટે પણ એણે ભેટ રાખી. ત્યાં ઉભેલા બધા મિત્રો આ દ્રશ્ય જોઈ રહ્યા. સૌની આંખોમાં ખુશીના આંસુ આવી ગયાં. સૌ અજયને ભેટી પડ્યા. બધાં એ નિર્ણય કર્યો કે હવે જ્યારે રજા આવશે એટલે અમે બધાં ખુશ..!