Nirali Shah

Children Stories Inspirational

4  

Nirali Shah

Children Stories Inspirational

માતૃભાષાનું ગૌરવ

માતૃભાષાનું ગૌરવ

2 mins
405


 "ઓહ માય ગોડ ! તને ઇંગ્લિશ બોલતા નથી ફાવતું ? વેરી સ્ટ્રેંજ ! તું અહીં સ્ટે કેવી રીતે કરીશ ? યુ વિલેજ એનિમલ !" આટલું કહીને ગોલ્ડી અને તેનું આખું ગ્રુપ જોરથી ખિખિયાટા કરતું હસી પડ્યું. બિચારો શ્યામ ! અપમાનિત થવાથી નીચું જોઈ ગયો.

રાધનપુર પાસેના એક નાનકડાં ગામનો શ્યામ બારમા ધોરણમાં ૮૦% સાથે પાસ થયો એટલે ગામલોકો તથા તેની શાળાના શિક્ષકોના આગ્રહને વશ થઈ શ્યામના પિતાજી નંદલાલભાઈએ શ્યામનું એડમિશન અમદાવાદની ખૂબ પ્રખ્યાત કોલેજમાં લીધું. શ્યામને અંગ્રેજીમાં લખતાં - વાંચતા આવડતું હતું પણ બોલતાં નહોતું ફાવતું અને જાણેકે તેની આજ નબળાઈ બીજા બધા વિદ્યાર્થીઓ માટે મજાકનું અને રેગિંગનું કારણ બની ગઈ.

થોડા જ સમયમાં યુનિવર્સિટીનો "યુવક મહોત્સવ" આવ્યો, જેમાં જુદી જુદી હરીફાઈમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને "આંતર રાજ્ય યુવક મહોત્સવ" માં ભાગ લેવા માટે ગુજરાત તરફથી મોકલવામાં આવ્યા. વિજેતા વિદ્યાર્થીઓના ગ્રુપમાં શ્યામ પણ હતો. તે નિબંધ - લેખન, વાર્તા - લેખન, સુવિચાર - લેખન એમ અલગ - અલગ ત્રણ - ચાર હરીફાઈમાં વિજેતા થયો હતો.

આંતર રાજ્ય યુવક મહોત્સવમાં છેલ્લા દિવસે ઈનામોની જાહેરાત અને વિતરણ પહેલા એક અજબ પ્રકારની પ્રતિયોગિતા રાખવામાં આવી. જેમાં દરેક રાજ્યમાંથી આવેલા વિજેતા વિદ્યાર્થીઓના ગ્રૂપમાંથી કોઈ એક વિદ્યાર્થીએ પોટમાં રાખેલી ચીઠીઓમાંથી કોઈ એક ચિઠ્ઠી ઉપાડી, એ ખોલી, એમાં જે શબ્દ નીકળે તે શબ્દ પર ઓછામાં ઓછી ત્રણ મિનિટ સુધી અસ્ખલિત બોલવાનું હતું અને એ પણ પોતાના રાજ્યની શુદ્ધ ભાષામાં. હવે શ્યામના ગ્રૂપના બધાજ વિદ્યાર્થીઓ મૂંઝાઈને એકબીજા સામે જોવા માંડ્યા, કારણકે એ બધા હતા તો ગુજરાતી પણ હંમેશા અંગ્રેજી કે અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલવાને કારણે શુદ્ધ ગુજરાતી બોલતા કોઈને ફાવતું નહોતું. આ જોઈને શ્યામ આગળ આવ્યો ને પોટમાંથી એક ચિઠ્ઠી ઉપાડીને ખોલી, શબ્દ હતો," ગૌરવ".

શ્યામે પોતાની શુદ્ધ ગુજરાતી ભાષામાં પોતાની માતૃભાષા પ્રત્યેના ગૌરવ વિશે અસ્ખલિત બોલવાનું શરૂ કર્યું અને આખો હોલ મંત્રમુગ્ધ થઈ ને શ્યામને સાંભળવામાં એટલો મશગુલ થઈ ગયો કે કોઈને સમયનું પણ ભાન ન રહ્યું અને જ્યારે શ્યામે અંતમાં "જય જય ગરવી ગુજરાત" બોલીને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું ત્યારે તો પાંચ મિનિટ પૂરી થઈ ગઈ હતી. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો ને બધાએ ઊભા થઈ ને શ્યામની સાથે "જય જય ગરવી ગુજરાત"નો નારો લગાવ્યો.

ચેમ્પિયન ટ્રોફી લઈને શ્યામનું ગ્રુપ જ્યારે પાછું આવ્યું ત્યારે રાજ્ય સરકાર અને કોલેજ તરફથી શ્યામનું ખાસ સન્માન કરવામાં આવ્યું.


Rate this content
Log in