માર્કશીટ
માર્કશીટ


રાજેશ પોતાનાં બારમાં ધોરણની પરીક્ષામાં સારૂ એવું પરિણામ આવવાથી જમીનથી બે ફૂટ અધ્ધર ચાલી રહ્યો હતો, મનમાં ખુશી, આનંદ અને ઉત્સાહ હતો, હાથમાં માર્કશીટ હતી, તેને હતું કે મારૂ આ પરિણામ જોઈને મારા પિતાની છાતી ગર્વથી ગદગદ થઈને ફૂલી જશે.
જેવો રાજેશ પોતાનાં ઘરે પહોંચ્યો તો તેની વિસ્મયતાનો કોઈ પાર ના રહ્યો, કારણ કે તેના ઘરની અંદરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો, અને ઘરની બહાર બધા સફેદ કપડાં, અને ખભે ટુવાલ કે પનિયુ નાખીને ઉભા હતાં, ઘરની બહારની તરફ મૃતદેહને લઈ જવા માટેની ઠાઠડી પડેલ હતી, આ જોઈ રાજેશને એકદમથી આઘાત લાગ્યો, આથી તે બેબાકળો થતાં ઘરની અંદરની તરફ દોડવા લાગ્યો, અંદર જઈને જોયું તો રાજેશના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું, કારણ કે રાજેશનાં ભગવાન એટલે કે તેના પિતા હવે આ દુનિયામાં રહ્યાં ન હતાં. રાજેશ દોડીને તેના પિતાના નિષ્પ્રાણ દેહ પાસે જઈને ગોઠણિયા ભરીને રડવા લાગ્યો, અને પોતાની માર્કશીટ બતાવતા કહ્યું કે
"પપ્પા ! મને એમ હતું કે મારી માર્કશીટ જોઈને તમારી છાતી ગર્વથી ગદ-ગદ ફૂલી જશે, પરંતુ તમે તો તમારો શ્વાસ જ છોડી દીધો, હવે અમારું કોણ ? કોણ હવે મારા માથાં પર હાથ ફેરવીને કહેશે કે, " બેટા ! ચિંતા ના કર ! તારો બાપ બેઠો છે…
રાજેશ બારમાં ધોરણની પરીક્ષામાં તો પાસ થઈ ગયો પણ કુદરત તેની જે પરીક્ષા લઈ રહ્યું હતું તેમાં તે હિંમત હારી ગયો, અને કદાચ નિષ્ફળ પણ રહ્યો. હાલમાં તેને પોતાના બારમાં ધોરણની માર્કશીટ પણ એક કાગળનાં ટુકડા સમાન જ લાગી રહી હતી.