મારી નવી સાયકલ
મારી નવી સાયકલ


એકવાર શાળાના પ્રાંગણમાં ઉભો રહી હું મારા સહપાઠીઓ જોડે અલક મલકની વાતો કરી રહ્યો હતો. શાળા શરૂ થવાનો ઘંટ વાગવામાં હજુ ઘણીવાર હતી. અમે ત્યાં ઉભા રહીને અમારા બીજા મિત્રોની આવવાની રાહ જોઈ રહ્યા હતા. ઓચિંતા મારી નજર ગેટ પર ગઈ તો હું ઈર્ષાથી બળી ઉઠ્યો. અમારા વર્ગનો એક વિદ્યાર્થી મયુર શાળામાં નવી સાયકલ લઈને આવ્યો હતો. મયુર અને મારું ખાસ બનતું નહોતું તેથી તેની પાસે નવી સાયકલ જોઈ મને ઈર્ષા થવી સ્વાભાવિક હતી. મયુરે પણ મને જોઈ “ટ્રીંગ... ટ્રીંગ...” કરીને તેની સાયકલની ઘંટડી વગાડી. મારી હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઈ.
મારી નજીક ઉભેલો મારો મિત્ર હેંમત બોલ્યો, “મયુરે મસ્ત સાયકલ લીધી છે નહીં!”
તેની વાત સાંભળીને હું અકળાઈ ગયો. તે સમયે ટી.વી. કંપનીની જાહેરાતમાં એક સૂત્ર વપરાતું હતું: ‘નેબર્સ એન્વી, ઓનર્સ પ્રાઈડ’ એ આજે સાચું પડી ગયું હતું! હું હેમંતને કંઈ કહેવા જઉં ત્યાં તો હાથમાં ગર્વભેર સાયકલની ચાવીને રમાડતો મયુર આવતો દેખાયો. તેને આમ નખરાળા અંદાજમાં અમારી પાસે આવતો જોઈ મને ખૂબ ગુસ્સો આવ્યો. હવે તેની બડાઈ સાંભળવા કરતા મને વર્ગખંડમાં જઈને બેસવામાં વધારે સમજદારી લાગી. શાળામાં તમામ પિરિયડ દરમ્યાન મારો મિજાજ ખૂબ ખરાબ રહ્યો. સાંજે જયારે શાળાએથી ઘરે પાછો આવ્યો ત્યારે પણ મારું મન ખૂબ વ્યથિત હતું. મયુરે લીધેલી નવી સાયકલ પ્રત્યેની ઈર્ષાની આગ મને અંદરોઅંદર સળગાવી રહી હતી. વિલે મોઢે હું અમારા ઘરના પગથિયાં પર વિચારમગ્ન બેઠો હતો.
“શું થયું ભાઈ?” મધુર ઘંટડી જેવો સ્વર સાંભળી મેં નજર ઉઠાવી જોયું તો સામે નાનકી ઉભી હતી. નાનકી અમારા પડોશમાં રહેતી છોકરી હતી. એ નાનકડી ઢીંગલી જેવી છોકરી મને ભાઈ કહીને સંબોધતી અને દર રક્ષાબંધને મને રક્ષા પણ બાંધતી. તેનું સાચું નામ શું હતું તે હજુસુધી હું જાણી શક્યો નથી પરંતુ ત્યારે હું તેને વહાલથી નાનકી જ કહીને બોલાવતો હતો. નાનકીએ મને ઉદાસ બેઠેલો જોઈ ફરી પૂછ્યું, “ભાઈ, કેમ ઉદાસ બેઠા છો?”
મેં તેને દુઃખી વદને મયુર અને તેની નવી સાયકલની વાત કહી સંભળાવી. મારી વાત સાંભળી નાનકી ખડખડાટ હસી પડી. તેને આમ હસતા જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું, “શું થયું નાનકી, કેમ આમ હસી રહી છું?”
નાનકીએ ત્યારે જે કહ્યું તે મારા જીવનનું સૂત્ર બની ગયું, “ભાઈ, તમે પણ ખરા છો! મયુરે આજે નવી સાયકલ લીધી એ તમારા માટે સારું જ છે ને... કાલે તમારી સાયકલ નવી હશે!”
હું બોલ્યો, “મને કશું સમજાયું નહીં.”
નાનકી બોલી, “જુઓ ભાઈ, તમારા દોસ્ત મયુરે...”
હું ગુસ્સાથી તેને ઠપકારતા બોલ્યો, “મયુર મારો દોસ્ત નથી...”
નાનકી બોલી, “હા... ભાઈ... હા... તમારા દુશ્મન મયુરે આજે જે નવી સાયકલ લીધી છે તે થોડાક મહિનાઓમાં જ જૂની થઇ જશે... જયારે તમે જે સાયકલ ખરીદશો એ ફક્ત નવી જ નહીં હોય પરંતુ તેના કરતા અદ્યતન પણ હશે! આજે કોઈની પાસે નવી વસ્તુ છે તો કાલે બીજા પાસે તેના કરતા વધુ સારી વસ્તુ આવશે! કોઈ વાતથી જલદી નારાજ થવું ન જોઈએ કે હરખાવું પણ ન જોઈએ... સમજ્યા?’
મેં વિસ્મયતાથી પૂછ્યું, “બરાબર છે... પરંતુ જો થોડાક મહિનાઓ બાદ મયુર પણ નવી સાયકલ ખરીદશે તો?”
નાનકી ખિલખિલાટ હસતા બોલી, “તો ભાઈ, ત્યારે તમે એ વિચારીને ખુશ થજો કે તમારા દુશ્મન મયુરના રૂપિયા તમારા કરતા વધુ બગડ્યા છે.”
આમ બોલી નાનકી મારી માતાને મળવા અંદર દોડી ગઈ પરંતુ તેની વાતોએ મારા મન પર ઊંડી અસર કરી હતી. નાનકીએ કેટલી મોટી વાત કહી હતી! કોઈની ઈર્ષા કરીને જીવ બાળવા કરતા આપણે આપણા મનને જ સમજાવીને ટાઢક કેમ મેળવી લેતા નથી! કોઈને વહેલા મળે તો કોઈને મોડું! તેમાં ઈર્ષા કરીને જીવ બાળવાની શી જરૂર છે! આજેપણ જયારે મને કોઈની ઈર્ષા થાય છે ત્યારે હું નાનકીની એ જ વાતોને યાદ કરી લઉં છું.
આ પ્રસંગના બે મહિના બાદ નાનકીના પિતાની બીજા શહેરમાં બદલી થઇ જતા તેઓનું આખુય પરિવાર ત્યાં રહેવા જતું રહ્યું. જોકે નાનકીએ કહેલી વાત સાચી પડી હતી... એક દિવસ મારા પિતાજી મારા માટે નવી સાયકલ લઇ આવ્યા હતા. હું મારી નવી સાયકલ લઈને જયારે વટભેર શાળામાં ગયો ત્યારે મને જોઈ મયુર અવાચક થઇ ગયો હતો. મને સાયકલની ઘંટડી વગાડી તેને ચિડવવાનું મન થયું. પરંતુ ત્યાંજ મારી આંખ સામે નાનકી આવી, “ભાઈ, આજે કોઈની પાસે નવી વસ્તુ છે તો કાલે બીજા પાસે તેના કરતા વધુ સારી વસ્તુ આવશે! કોઈ વાતથી જલદી નારાજ થવું ન જોઈએ કે હરખાવું પણ ન જોઈએ... સમજ્યા?”
નાનકીની આ વાત યાદ આવતા જ ઘંટડી વગાડવા જઈ રહેલી મારી આંગળીઓ થંભી ગઈ. હું ચુપચાપ ત્યાંથી આગળ વધી ગયો, લઈને મારી નવી સાયકલ !
(સમાપ્ત)