STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Children Stories Classics

3  

Rupal Sanghavi "ઋજુ"

Children Stories Classics

"માં મને છમ્મવડું"..ભાગ : ૧

"માં મને છમ્મવડું"..ભાગ : ૧

6 mins
148

આજે તો ઘણા દિવસે ફરી એકવાર દાદીમા ની વાર્તા લઈને આવી ગઈ છું.

એક ગામમા એક ગરીબ બ્રાહ્મણનું કુટુંબ રહે. એ બ્રાહ્મણને સાત દીકરીઓ હતી નાથી, જીવતી, ભીખલી, ધુળી, માગી, લખી, ને કુસી, એવાં દીકરીઓના નામ હતાં. બિચારો બ્રાહ્મણ એક ઘરે માગે તોય એટલો જ લોટ મળેને સાત ઘરે માગે તોય એટલો જ લોટ મળે, એવા એના નસીબ. એમ છતાંય એ ખૂબ પુરુષાર્થ કરતો પણ ભિક્ષા માગવી એ જ એનો ધર્મ કહો કે વ્યવસાય, એ સિવાય એને કશું આવડે નહીં. બીજું કરે પણ શું ?

આજે એને ભિક્ષામા સાત ઘરેથી સાત જુદાજુદા પ્રકારના લોટ મળ્યા એ તો જોળી મા બધા લોટ ભેગા કરીને લાવ્યો.

એની પત્ની કહે આનું કરવું શું..! રોટલી તો થાય નહિંને બધા મિક્સ લોટ છે તો એમ કરું ઘરમા થોડું તેલ પડ્યું છે તો વડા બનાવી દઉં છું.

બ્રાહ્મણને થયું કે આજ ઘણા દિવસે વડા જેવી સારી રસોઈ જમવા મળશે. એણે પત્નીને કહ્યું 'તું વડા બનાવ હું હાથ મોં ધોઈને આવું. અને એની પત્ની વડા બનાવવા લાગી છોકરીઓ બધી સુઈ ગઈ હતી. બ્રાહ્મણની પત્ની જેવા તાવડામા વડા મૂકે કે તરતજ તેલમા છમ્મ...એવો અવાજ આવ્યો. આ અવાજ સાંભળીને નાની દીકરી કુસી જાગી ગઈ અને ઉઠતાંવેંત બોલી "મા મને છમવડું..!! મા એ એક વડું કુસકડીના હાથમા આપીને કહ્યું "છાનીમાની ખાઈને સુઇ જા બીજી બહેનોને જગાડતી નહિં, આ વડા તારા બાપુ માટે બનાવ્યાં છે.

કુસકડી તો વડું ખાઈને સૂતી પણ એને થયું, મેં વડું ખાધું તો મારી બધી બહેનોને પણ એક એક વડું તો મળવું જ જોઈએ.

એણે પાસે સુતેલી લખીને કાનમા કીધું "બેન મા વડા બનાવે છે, ત્યાં તો તાવડામા ફરી છમ્મ કરતું વડું પડ્યું...અને લખી ઉભી થઇ...બોલી "મા મને છમવડું..!! મા એ એક વડું લખીને આપી કહ્યું "ખાઈને છાનીમાની સુઈ જા બીજી બહેનોને જગાડતી નહિં. લખી એ વડું ખાઈને માગીને કાનમા કહ્યું "બેન મા વડા બનાવે છે. આમ એક પછી એક બધી છોકરીઓ એકબીજીને જગાડે છે. અને બન્યું એવું કે જે લોટ બ્રાહ્મણ લાવ્યો હતો એમાથી સાત જ વડાં બન્યા અને એ સાત વડા તો છોકરીઓ ખાઈ ગઈ. હવે બ્રાહ્મણ અને એની પત્નીને આજે પણ ભૂખ્યા પેટે જ સુઈ જવું પડશે.

બ્રાહ્મણના ગુસ્સાનો પાર નથી, ક્રોધમા જ એ એક નિર્ણય કરે છે. બીજે દિવસે ગામમા રહેતા પોતાના મિત્ર પાસેથી ગાડું લઈ આવે છે, અને બધી દીકરીઓને ગાડામા બેસાડીને કહ્યું કે આજે તો હું તમને બધીને મેળો જોવા લઈ જાઉં છું. છોકરીઓ બહુજ ખુશ થઈ ગઈ અને મા એ આંખોમા આંસુ સાથે વિદાય આપી. બ્રાહ્મણ તો ગાડુ લઈ જંગલના રસ્તે ચાલ્યો નાથી બોલી બાપુ આ બાજુ તો જંગલ આવે આપણે તો મેળે જાવું ગાડું આ બાજુ કેમ વાળ્યું..? બ્રાહ્મણ બોલ્યો બેટા અહીં ટૂંકો રસ્તો છે તે આપણે આમ થી જઈએ તો જલ્દીથી પહોંચી જવાય.

જંગલની વચ્ચોવચ પહોંચ્યા પછી ત્યાં એક મોટું વડનું ઝાડ બ્રાહ્મણે જોયું અને દીકરીઓને કહ્યું બેટા તમે બધીઓ અહીં વડ નીચે થોડીવાર બેસો તો હું કંઈક ખાવા માટે લઈ આવું આ પીવાનું પાણી છે એ તમારી પાસે રાખો અને અહીં બેસો.

આમ કહીને બ્રાહ્મણે બધી દીકરીઓને ત્યાં ઉતારી દીધી, અને પોતે ગાડું લઈને ગામમા ચાલ્યો ગયો.

બ્રાહ્મણ તો દીકરીઓને ઘોર જંગલમા ભાગ્ય ભરોસે છોડીને ચાલ્યો ગયો. આંખોમા આંસુ હતા પણ ગરીબી, સમય સંજોગો, પેટમા ભૂખ, એના લીધે આવેલો ક્રોધ, અને ક્રોધમા લીધેલો નિર્ણય... જે પણ હોય અંતે તો આ બધું કર્મને આધીન જ બન્યું હતું. 

સવારની બપોર થઈ સૂરજ માથે આવ્યો પણ હજી બાપુનો કોઈ પત્તો નથી..! નાથી એ કહ્યું, લખી બોલી હા બેન આ જંગલમા બાપુ ભુલા તો નહીં પડ્યા હોયને..!! હવે આપણે શું કરીશું.? બધી બહેનોને ભૂખ પણ લાગી હતી, અને પાણી પણ હવે ખલાસ થઈ ગયું હતું. 

બપોરની સાંજ થઈ, મોટી બે છોકરીઓ આસપાસ જઈ પોતાના પિતા વિશે તપાસ પણ કરી આવી પણ કોઈ પરિણામ ન મળ્યું. આખા દિવસની ભૂખ તરસ અને હવે સાંજ પણ ઢળવા લાગી હતી. ચોપાસ અંધારા ઉતરી આવ્યા હતા. જંગલી પ્રાણીઓના ભયાનક અવાજો ડરથી હૈયું હચમચાવી મૂકતા હતા.નાની કૂસી તો રડવા લાગી હતી. નાથી બોલી જલ્દી બધીઓ ઝાડ પર ચડી જાઓ નહિંતર આ જંગલી પશુઓ આપણો કોળીયો કરી જશે.

બધી છોકરીઓ ઝાડ ઉપર ચડી ગઈ. મોટી જાડી ડાળ પર બધીઓ બેસી ગઈ, પણ કૂસી નાનકડી હતી તે બહુ ઊંચે ચડી ન શકી. અને મોટીએ કહ્યું તું ત્યાં જ રહે તારૂ બહુ વજન ન હોય એટલે નાની ડાળ પર પણ બેસી શકીશ... કૂસી થોડી નીચેની તરફ નાની ડાળ પર બેઠી.

રાત પડી અંધારૂ વધુ ઘેરાતું હતું અને છોકરીઓ ડરથી ધ્રુજતા અને રડતાં રડતાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. કે હે ભગવાન અમારા બાપુ રસ્તો ભૂલ્યા હોય તો એને રસ્તો 

બતાવો અને જલ્દી અમને લેવા મોકલો..! 

જંગલ,ગાઢ અંધકાર અને જંગલી પ્રાણીઓના ડરામણા અવાજોથી કૂસકડીના પેટમા ફાળ પડી ખૂબ ડરના લીધે એણે કહ્યું બેન મને હાજતે જવું છે તું મારી સાથે નીચે આવ..!

મોટી બહેનોએ કહ્યું ના બાપા અમે ન આવી શકીએ માડ માડ આ ઝાડ ઉપર ચડ્યા છીએ. હવે ઉતરવું કઈ રીતે અને પછી પાછું ચડવાનું, આ અંધારામા કંઈ દેખાતું પણ નથી અને તું તો નીચી ડાળ પર બેઠી છો એટલે જલ્દીથી પાછી ચડી જઈશ. તું નીચે ઉતરીને ઝાડ નીચે જ બેસી જા અને અમે અહીંથી તારી સાથે વાતો કરતા રહેશું. કૂસકડી ઝાડ નીચે જ હાજતે બેઠી અને પાસે પડેલી નાનકડી સૂકી ડાળ લઈને જમીનમા ખોતરવા લાગી એ તો બહેનો સાથે વાતો કરતી જાયને જમીનમા સૂકી ડાળ ભરાવીને ખોદતી જાય એને આ એક રમત થઈ ગઈ હતી. થોડીવાર ત્યાં ખોદયા પછી કૂસકડી બહેનોને કહે મોટીબેન, જીવતી બેન, લખી, ધુળી, ભીખી, માગી બેનું અહીં આવો તો..! અહીં આ જમીનમા નીચે કંઇક

ચમકે છે, જુઓ અહીં તો અજવાળું છે, અરે બેનું અહીં તો પગથિયાં હોય એવું લાગે છે.

નાથી બોલી રહેવા દે એવી ખોટી ખોટી વાતું કરીને અમને નીચે ઉતારવી છે તારે, અમે તારી વાત સાંભળીને નીચે નહિં આવીએ. તું તારૂં જલ્દી પતાવીને ઝાડ ઉપર ચડ નહિતર વાઘ, દીપડો આવશે તો તને ખાઈ જશે.

કૂસકડી બોલી ના બેન હું ખોટું નથી બોલતી તમે જુઓ તો ખબર પડેને..! બધી છોકરીઓ નીચે આવી જ્યાં કૂસકડીએ ખોધ્યુંતું ત્યાં જોયું તો ખરેખરમા ત્યાં જમીનમા પગથિયાં હતાં અને પગથિયાં નીચેની તરફ જતા હતાં. અને નીચેથી પગથિયાં તરફ અજવાળું ફેલાયેલું હતું બધી બહેનો હિંમત કરીને નીચે પગથિયાં ઉતરે છે, 

નીચે જઈને જ્યાં જુએ છે તો ત્યાં એક મોટો મહેલ હતો. એક ઓસરીએ સાત ઓરડા અને એક એક ઓરડાની બહાર ગોખમા દિવા બળતા હતા. ઓરડાના દરવાજા બંધ હતા. બધી બહેનોએ મોટા ઓરડા ખોલીને જોયું ત્યાં કોઈ નહતું. હા દરેક ઓરડો સુખ સામગ્રીઓ થી ભરેલો હતો. કોઈમા ધન, તો કોઈમા ધાન્ય, કોઈમા ઢગલાબંધ સુંદર વસ્ત્રો, રાજસી પોશાક તો કોઈમા ખાધે ન ખૂટે એવી મિષ્ટ ભોજન સામગ્રી, અને અન્નકૂટ ભર્યા હતા. છોકરીઓ તો આ બધું જોઈને ખુશ થઈ ગઈ પણ મોટી બહેનો પોતપોતાની બુદ્ધિ ચાતુરી અનુસાર સાધન સંપન્ન ઓરડાઓ પોતાના માટે પસંદ કરી લીધાં. અને કૂસકડીને છેલ્લી નાની ઓરડી આપી કહ્યું કે તું નાની છો એટલે તને આ નાની ઓરડી ચાલશે. બાકી તો તું ગમેત્યારે કોઈપણ બહેનની સાથે રહી શકીશ. 

કૂસકડીએ કહ્યું ભલે બેન તમે જેમ કહો એમ.

કૂસકડીએ પોતાની ઓરડી ખોલી ત્યાં તો ઓ...હો...હો...આ શું..!! એકદમ એની આંખો અંજાઈ ગઈ. ખૂબ તેજ અને પ્રકાશ થી ઓરડાની બહારનો ભાગ પણ ઝળહળી ઉઠ્યો. એણે ધીમેથી આંખો ખોલીને જોયું તો આખી ઓરડી હીરા,મોતી, માણેક અને સોનુ ચાંદી અને જવેરાતથી ભરેલી હતી અમૂલ્ય અને અલભ્ય ઘરેણાંઓના મોટા મોટા પટારાઓ ભરેલાં હતા. કૂસકડીએ વિચાર્યું કે જો મોટી બેનુંને ખબર પડશે તો ઓરડી મારા હાથમાથી પડાવી લેશે એ કરતા હું કંઈ વાતજ ના કરૂં. કૂસકડીએ તો બહેનોને કંઈ કીધું નહીં અને ઓરડી બંધ કરીને મોટીબેન પાસે ગઈ અને કહ્યું બેન હું તારી પાસે સુઈ જાઉં? નાથીએ પ્રેમથી કૂસકડીને ખોળામા બેસાડી કહ્યું આ બધું તારા લીધેજ તો આપણને મળ્યું છે મારી વ્હાલી બેન તું અહીં જ રહે મારી પાસે.ત્યાં જ બધી બહેનો આવીને બોલી હાલો બેનું કંઈક થોડું ખાઈ લઈએ બહુજ ભૂખ લાગીછે..! 

બધી છોકરીઓએ મનભરીને ખાધું,ને ત્યાંજ હવે બધીઓને ઊંઘ આવવા લાગી. મોટીબેનના ઓરડામા બધી સાથે જ સુઈ ગઈ હે'ય...ને વ્હેલી પડે સવાર.

આ રીતે દિવસો વીતવા લાગ્યા અને એમ કરતાં ધીરે ધીરે વરસો પણ વીતવા લાગ્યા...

(ક્રમશઃ)

પછી શું થયું ? બ્રાહ્મણ દીકરીઓને ભૂલી ગયો ? કે પછી એ દીકરીઓની ભાળ કાઢવા જશે ? શું ક્યારેય બાપ દીકરીઓનો મેળાપ થશે? જાણવા માટે વાંચતા રહો...મા મને છમ્મવડું.


Rate this content
Log in