rupal sanghavi

Children Stories Fantasy Inspirational

3.0  

rupal sanghavi

Children Stories Fantasy Inspirational

મા મને છમ્મવડું - ૨

મા મને છમ્મવડું - ૨

5 mins
165


(આપણે આગળના ભાગ (1) માં જોયું, કે સાત દીકરીઓની પળોજણમાંથી છૂટવા માટે બ્રાહ્મણ દીકરીઓને જંગલમાં મૂકી આવે છે. પણ દીકરીઓ નસીબજોગે કુસકડીએ ખોદીકાઢેલા ભોંયરામાં પહોંચી ગઈ અને ત્યાં અન્ન, વસ્ત્રાલંકાર,અને દ્રવ્ય, સંપત્તિના ભંડાર ભર્યા હોય છે. એ ભોંયરૂ અંદરથી વિશાળ મહેલ હોય છે. ત્યાં દીકરીઓ સુખરૂપ રહે છે.)

આ તરફ બીજા દિવસે ક્રોધ શાંત થતા બ્રાહ્મણ અને એની પત્ની ખુબજ પસ્તાય છે, અને પત્નીના ખૂબ આગ્રહ અને પોતે પણ મનમાં પસ્તાવો અને ગ્લાનિ અનુભવતો હોવાથી દીકરીઓની ભાળ કાઢવા જંગલમાં જાય છે.

જ્યાં દીકરીઓને છોડી દીધી હતી એ જગ્યાએ અને આસપાસના વિસ્તારમાં બધે જ તપાસ કરી, પણ ક્યાંય દીકરીઓનો પત્તો ન લાગ્યો. બ્રાહ્મણ નિરાશ થઈ પાછો ફર્યો અને બન્ને પતિ પત્ની ખુબજ વિલાપ કરે છે. પણ હવે શું ? જ્યારે કુમળી દીકરીઓને ત્યજી દીધી ત્યારે કંઈ વિચાર્યું નહોતું એ વખતે ભૂખ અને ક્રોધમાં એક પિતા ભાન ભુલ્યો હતો અને... કંઈક તો પોતે દીકરીઓને પણ પોતાની ગરીબીને લીધે સતત અભાવમાં જ દુઃખી કરવા કરતાં એના ભાગ્ય પર છોડી દેવી એવું વિચાર્યું હતું. 

ત્યાર પછી બ્રાહ્મણે ભિક્ષા માગવી છોડીને કંઈક ઉદ્યમ કરવો એવું વિચાર્યું અને જંગલમાંથી વાંસ લાવીને સાવરણી બનાવી વહેંચવાનું કામ શરૂ કર્યું. થોડા દિવસ લોકોએ વાતો કરી "ગોર થઈને આવા કામ કરાય.? બ્રહ્મણનો તો ધર્મ છે કથા કરે, કીર્તન કરે,ઘેર ઘેર જઈ ભિક્ષા માંગે દક્ષિણા મળે એમાં જ ગુજરાન ચલાવે." વગેરે વગેરે.. પણ આ બધું થોડા દિવસ પછી શમી ગયું. અને એ જ લોકો કહેવા લાગ્યા કે "આ બહુ સારૂ કર્યું મારાજ..! રોજ માંગી ખાવું એ કરતા કામ કરવામાં શું શરમ એકેય કામ નાનું નથી.."વગેરે વગેરે...પણ બ્રાહ્મણને તો આ કામ કરવાનું કારણ જુદું જ હતું. એ વાંસ કાપવાના બહાને રોજ જંગલમાં જઈને પોતાની દીકરીઓને શોધવાનો પ્રયત્ન કરતો હતો. એને ખાતરી હતી કે એનો સાચા દિલનો પસ્તાવો અને પ્રાર્થના એક દિવસ જરૂર ફળશે અને એક દિવસ જરૂર એને દીકરીઓની ભાળ મળશે..આમને આમ રોજ બ્રાહ્મણ જંગલમાં નવી આશા સાથે આવે અને નિરાશ થઈને પાછો ફરે. આમને આમ વરસો વીત્યા પાંચેક વરસ થઈ ગયા...

એક દિવસ બ્રાહ્મણની એકેય સાવરણી વહેંચાઈ નહિ અને બ્રાહ્મણ "સાવરણી લો...સાવરણી.." એવું બોલતો બોલતો જંગલના રસ્તે પસાર થાય છે. એનો અવાજ નાનકડી કુસકડી સાંભળી જાયછે અને મોટીને કહે છે "બેન જો તો આ બાપુનો જ સાદ છે. તે હેં નાથી બેન આપણા બાપુ અહીં આવ્યા હશે.?" નાથી : "બેસ બેસ મોટી બાપુ વાળી ન જોઈ હોય તો બાપુને આવવું હોતને તો તે દિ આપણને અહીં મૂકીને ન જાત હવે આટલા વરસે બાપુ અહીં શું કામ આવે.?"

કુસકડી : "બેન જો ફરીને અવાજ આવ્યો હા એ બાપુ જ છે...મારા બાપુ" કહેતી કુસકડી ભોંયરામાંથી બહાર આવીને જોયું તો એણે પોતાના બાપુને જોયા એણે બૂમ પાડી "ઓ સાવરણીવાળા બાપા.."  અને બ્રાહ્મણને થયું કે એની દીકરી જ બોલાવે છે એણે પાછું વળીને જોયું પણ આ તો કોઈ રૂપ રૂપના અંબાર જેવી રાજ કુમારી હોય એવું એને લાગ્યું.

ક્યાં પોતાની ગરીબ ભૂખી દુબળી અને મ્લાન મુખ વાળી દીકરીઓ અને ક્યાં આ સુખી સંપન્ન અને સુંદર વસ્ત્રાલંકાર થી શોભતી કન્યા એ દીકરીને ઓળખી ના શક્યો વળી આટલા વરસે તો હવે દીકરીઓ મળવાની આશા પણ ગુમાવી ચુક્યો હતો. એ હજુ વિચારમાં જ હતો ને કુસકડી પાસે આવીને કહે "મારે સાવરણી લેવી છે હું મારી બહેનને બોલાવી લાવું ઉભા રહો.." ત્યાંજ જીવી,નાથી લખી, માંગી, ધુળી, ને ભીખલી બધીય બેનું આવી પહોંચી અને બ્રાહ્મણ ને ઓળખી ગઈ, પણ બ્રાહ્મણ દીકરીઓનો આ બધો વૈભવ જોઈને ઓળખી નથી શકતો..અથવા એ પોતાની દીકરીઓ હશે એવું માની નથી શકતો.

કુસકડી બોલી જુઓ બેનું અપણા બાપુ આટલું સાંભળીને બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો મારી દીકરી મારી કુસી..કહીને સાવરણીનો ભારો મૂકીને બન્ને હાથ લંબાવ્યા અને કુસકડી બાપુને ભેટી પડી..

બધી બેનું મોં ફુલાવીને એક તરફ ઊભી રહે છે. અને બાપુ તરફની રીસ બતાવે છે. મોટી કહે "બાપુને પૂછ કે તું બહુ વહાલી હતી તો જંગલમાં શા માટે મૂકી.? બાપુને પૂછ કુસી કે દીકરીઓની જરાય ચિંતા ના થઇ.? કુસી બાપુને પૂછ કે દીકરીઓ જીવે છે કે જંગલી જાનવરએ ફાડી ખાધી એ જોવા પણ ન આવ્યા.? આટલા વરસે હવે આ વહાલ કેમ ઉભરાય છે.? બાપુને પૂછ કુસી"  આ સાંભળીને બ્રાહ્મણ : "બસ બસ માર દીકરીઓ મને માફ કરો મારી જોગમાયા મારી માવડીયું મને માફ કરો બેટા હું ગરીબી અને ભૂખથી કંટાળેલો ક્રોધમાં આવો અજુગતો નિર્ણય કર્યો અને એનો મને પારાવાર પસ્તાવો છે. અને પરિણામ પણ ભોગવી રહ્યો છું આટલા વરસ મારી દીકરીઓથી દૂર રહ્યો હવે ચાલો આપણે આપણા ઘરે જઈએ..

બધી દીકરીઓનો ગુસ્સો ઓગળી ગયો અને બધાની આંખોમાં હરખના આંસુ હતા...ત્યાં કુસકડી બોલી "બાપુ અમે આમ આ રીતે નહિ આવીએ, તમે જેમ ગાડું લઈને મૂકવા આવ્યા હતા એમ ગાડાં લઈને તેડવા પણ આવવું પડશે."

મોટી બોલી બાપુ મારા માટે એક ગાડું લાવજો હું એકલી એમાં આવીશ મારો એટલો સામાન છે. બીજીએ બે,ત્રીજીએ ત્રણ, ચોથીએ ચાર, પાંચમીએ પાંચ, છઠીએ છ, અને કુસકડીએ સાત ગાડાં મંગાવ્યા બધી બેનું હસવા લાગી મોટી કુસકડીને કહે "અમારો સામાન તો ઠીક અમારા ઓરડામાં સમાય એટલો હોય, તે અમે વધુ ગાડાં ભરશું. તું સાત ગાડામાં ભરીશ શું.? તારી આવડીક અમથી ઓરડીમાં એવું છે શું ..?" ત્યાં જ બીજી બેનું મજાકમાં બોલી "અરે બીજું શું હોય સાવરણીના સુઠિયા..હ..હ..હ.હ" કરતી બધી હસવા લાગી.

કુસકડી કહે "હા બેનું મારેતો સાત ગાડાં જોશે. તમ તમારે ભરાય એટલે જોઈ લેજો..સાવરણીના સુઠિયા..!"

બીજે દિવસે બ્રાહ્મણ બધા ગાડાં લઈ, ગામના માણસો સહિત બધા સામૈયું લઈને દીકરીઓને તેડવા આવ્યા. એક પછી એક બધા ગાડાં ભરાય છે. સૌ સૌનો સામાન, બધી દીકરીઓ કહ્યા પ્રમાણે મહેલની બધી સંપત્તિ લઈને ગાડામાં બેઠી. હવે કુસકડીએ પોતાની ઓરડીનો સામાન ભરવા માંડ્યો. એક પછી એક ગાડાં ભરાવા લાગ્યા પણ અક્ષયખજાના જેવી ઓરડી ખાલી નથી થતી. અને અમૂલ્ય રત્નો, હીરા, માણેક, મોતી ઝર,ઝવેરાતના સાત ગાડાં છલોછલ ભરાય ગયા. એમાંથી જાણે સૂરજનાં તેજ રેલાયા. જોનારની તો આંખો અંજાઈ ગઈ. અને બધી બેનુંને તો મોંઢે જાણે તાળા દેવાઈ ગયા. બ્રાહ્મણ દીકરીઓને લઈને ઘરે આવ્યો. અને ખાધું પીધુને રાજ કીધું.


Rate this content
Log in