લીલો અને કેસરી શર્ટ
લીલો અને કેસરી શર્ટ


સાગો અને બબુકા બંને પડોશી મિત્ર હતાં. તેમની મિત્રતા એટલી ગાઢ હતી કે આજદિન સુધી તેમની વચ્ચે કોઈ લડાઈ ઝગડો થયો નહોતો. તે બન્નેના ઘરોની વચ્ચેથી એક સાંકડી ગલી પસાર થતી હતી. આ ગલીની ડાબી બાજુ સાગોના અને જમણી બાજુ બબુકાના ઘરનું બારણું આવ્યું હતું.
એકદિવસ એમના ગામમાં જ રહેતા જીનાન્દ્રો નામના વ્યક્તિએ એમની મિત્રતાની પરીક્ષા લેવાનું વિચાર્યું. આ માટે જીનાન્દ્રોએ એક ખાસ પ્રકારનું શર્ટ સીવડાવ્યું. આ શર્ટ જમણી બાજુથી અડધું લીલા અને ડાબી બાજુથી અડધું કેસરી રંગનું હતું. સાગો અને બબુકા જયારે પોતપોતાના ઘરના બારણાં પાસે ઊભા હતાં ત્યારે જીનાન્દ્રો એ વિચિત્ર શર્ટને પહેરી બન્નેના ઘરની વચ્ચે આવેલી સાંકડી ગલીમાંથી પસાર થયો. બારણા પાસે આવતા જ જીનાન્દ્રોએ સાગો અને બબુકાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા મોટેથી સીટી વગાડવાનું શરૂ કર્યું. આમ સીટી વગાડતા વગાડતા જીનાન્દ્રો જાણીજોઈને તે બન્નેના ઘર નજીકથી પસાર થઈ ગયો.
આ જોઈ સાગોએ બબુકાને પૂછ્યું કે “તને જીનાન્દ્રોએ પહેરેલું લીલા રંગનું શર્ટ ગમ્યું?”
બબુકાએ નવાઈ પામતા પૂછ્યું, “લીલા રંગનું શર્ટ!!!”
સાગો બોલ્યો, “કેમ તેં અહીંથી હમણાંજ પસાર થયેલા જીનાન્દ્રોને જોયો નહીં? કેવું વિચિત્ર લીલા રંગનું શર્ટ તેણે પહેર્યું હતું.”
બબુકા બોલ્યો, “ના મિત્ર તારી કોઈ ભૂલ થાય છે જીનાન્દ્રોએ લીલું નહીં પરંતુ કેસરી રંગનું શર્ટ પહેર્યું હતું.”
સાગો : “ના... રે...ના.... ભૂલ મારી નહીં પણ તારી થાય છે. મેં બરાબર જોયું હતું તે લીલા રંગનું જ શર્ટ હતું. “
બબુકા બોલ્યો, “ના.. ના.. તને બરાબર દેખાયું નહી હોય... શર્ટ કેસરી રંગનું જ હતું.”
સાગો ગુસ્સામાં બોલ્યો, “તારી વાત સાવ ખોટી છે... અરે! મેં મારી સગી આંખે જોયું હતું કે જીનાન્દ્રોએ પહેરેલું શર્ટ લીલા રંગનું જ હતું.”
બબુકા બોલ્યો, “તું ઊંઘમાં હોઈશ... શર્ટ કેસરી રંગનું જ હતું.”
સાગો બોલ્યો, “તારા જેવો જિદ્દી અને મુરખ મેં આજદીન સુધી જોયો નથી. અરે! તને લીલા અને કેસરી રંગમાં ફરક જ દેખાતો નથી?”
સાગો ગુસ્સામાં બોલ્યો, “તને હું મુરખ લાગુ છું? મુરખ હું નહી પરંતુ તું જ છું. એ શર્ટ લીલા રંગનું જ હતું.”
બન્ને વચ્ચે તકરાર વધી વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ.
તેઓ એકબીજા પર હાથ ઉગામવા જઈ જ રહ્યા હતા ત્યાં સીટીનો અવાજ સાંભળી બંને ચોંક્યા.
તેઓએ અવાજની દિશા તરફ જોયું તો ત્યાં ખડખડાટ હસતો જીનાન્દ્રો ઉભો હતો!
જીનાન્દ્રોને સામેથી જોતા બંનેને ધ્યાનમાં આવ્યું કે તેણે અડધું લીલું અને અડધું કેસરી રંગનું શર્ટ પહેર્યું હતું.
જીનાન્દ્રોને હસતા જોઈ સાગો ગુસ્સામાં બોલ્યો, “અરે નીચ! તેં આ શું કર્યું? તારા કારણે આજે અમારા બન્ને વચ્ચે ઝગડો થયો.”
જીનાન્દ્રો શાંતિથી બોલ્યો, “મને દોષ ન આપો. તમારા વચ્ચે ઝગડો મારા લીધે નથી થયો.”
સાગો અને બબુકા બંને એકસાથે બોલ્યા, “તારા લીધે નહીં થયો તો કોના લીધે થયો?”
જીનાન્દ્રોએ કહ્યું, “તમારા ઝગડાનું મૂળ કારણ તમારી જીદ છે... તમે બન્ને સાચા હતા પરંતુ તમે જ સાચા છો એ સાબિત કરવાની જીદને લીધે તમારો ઝઘડો થયો.”
(સમાપ્ત)