લાલચ
લાલચ


એક ગામમાં એક રાજા હતો, એ એટલો બધો અમિર હતો કે સોનાની થાળીમાં દરરોજ બત્રીસ જાતનાં પકવાન જમતો હતો, એ રાજા પ્રજા માટે પણ ખુબ જ સારો હતો, તે હંમેશા ઇચ્છતો હતો કે પોતાના ગામમાં રહેતા બધાં જ લોકો રાજીખુશીથી અને શાંતિથી રહે....પરંતુ એ રાજામાં એક ખરાબ ગુણ હતો, તે રાજા લાલચી હતો.
એકવાર તે રાજાએ ભગવાનને મળવા માટે જંગલમાં જઈને ખૂબ જ આકરી તપસ્યા કરી, તેની તપસ્યાથી ખુશ થઈને ભગવાન રાજી થયાં, અને રાજાને દર્શન આપ્યાં અને એક વરદાન માંગવા માટે કહ્યું.
એ રાજા લાલચી તો હતો જ તે આથી તેણે ભગવાન પાસેથી એવું વરદાન માંગ્યું કે, "હું ! જે વસ્તુ કે પદાર્થનો સ્પર્શ કરું તો એ પદાર્થ કે વસ્તુ સોનાની થઈ જાય...!" ભગવાને કહ્યું કે હજુ એકવાર વિચારી લે, તારે આ જ વરદાન જોઇએ છે, આ સિવાય બીજું કોઈ વરદાન નથી જોઈતું ને...?
રાજાએ કહ્યું, "હા ! ભગવાન મારે માત્ર આ એક જ વરદાન જોઈએ છે...!" રાજાની ઝીદ્દ સામે ભગવાને ઝુકીને "તથાસ્તુ" કહીને વરદાન આપી દીધું, અને પળભરમાં ભગવાન અદ્રશ્ય થઈ ગયાં.
ત્યારબાદ રાજા ખુશ થતાં થતાં પોતાનાં મહેલમાં પરત ફર્યા, પરંતુ એ જાણતા ન હતાં કે આવનાર ભવિષ્યમાં તેને ભગવાન પાસેથી મેળવેલ વરદાનને લીધે કેટ-કેટલી આફતો કે મુશ્કેલીઓ વેઠવી પડશે.
રાજા મહેલે આવીને એક પછી એક બધી વસ્તુ સ્પર્શવા લાગ્યાં, અને જોતજોતામાં એ બધી વસ્તુઓ સોનાની બનવા લાગી, આથી એ રાજાની ખુશીઓનો પાર ના રહ્યો, સિંહાસન, રથ, તલવાર વગેરે પોતાના સ્પર્શ દ્વારા સોનાનું બનાવી દીધું.....
એ જ દિવસે રાજા બપોરે જમવા બેઠા, ટેબલ પર અલગ - અલગ બત્રીસ પ્રકારનાં ભોજન પીરસવામાં આવેલ હતા, આ જોઈ રાજાને એક તો કડકાયની ભૂખ લાગેલ હતી, અને મોઢામાં પાણી આવી ગયું....આથી રાજાએ એક મીઠાઈ ખાવા માટે ઉપાડી....પરંતુ એ મીઠાઈ આખી સોનાની બની ગઈ...આમ જે વસ્તુ રાજા ખાવા માટે ઉપાડે એ બધી જ વસ્તુઓ સોનાની બનાવ લાગી, આથી રાજા મનોમન મૂંઝાવા લાગ્યાં, આથી તેણે એક રસ્તો વિચાર્યો, તેણે પોતાની રાણીના હાથે જમ્યુ... આમ રાજાએ પેટ ભરીને જમ્યુ.
એક દિવસ રાજા શિકાર કરવાં માટે જંગલમાં જઇ રહ્યાં હતાં, હજુ તો મહેલની બહાર જ નીકળ્યા હતાં, એવામાં રાજાની પાંચ વર્ષની દીકરી એટલે રાજકુમારી દોડતાં - દોડતાં રાજા પાસે આવી, એ રાજાએ પોતાની દીકરીને તેની તરફ આવતી જોઈને પોતાનાં બને હાથ ફેલાવ્યાં, પરંતુ જેવો તેણે પોતાની દીકરીને સ્પર્શ કર્યો તો તેની દીકરી પણ આખે - આખી સોનાની મૂર્તિ બની ગઇ, આ દરમ્યાન રાજા પોતાને મળેલ વરદાન ભૂલી ગયેલ હતાં.
જ્યાં સુધી વસ્તુ કે પદાર્થ સોનાનાં બની જતાં હતાં ત્યાં સુધી તો બધું બરાબર હતું, પરંતુ હાલમાં તો પોતાની લાડકી દીકરી સોનાની બની ગઈ હતી....આથી રાજા ખુબ મૂંઝાયા, રાજાને ધીમે - ધીમે પોતાની ભૂલ સમજાઈ રહી હતી....અને તેણે મગજમાં આ પરિસ્થિતિનું હલ પણ વિચારી લીધેલ હતું.
આથી રાજા શિકાર પર જવાનું પડતું મૂકીને, ગાઢ જંગલમાં જઈને ફરીથી ભગવાનની તપસ્યા કરવાં ગયાં, ફરીવાર ભગવાન પ્રગટ થયાં અને કહ્યું.
"શું ! થયું ! વત્સ ?"
"ભગવાન ! મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, મારામાં લાલચ જાગી હતી, આથી મેં તમારી પાસેથી જે વરદાન માંગેલ હતું...તે વરદાન મારે હવે નથી જોઈતું, તમે એ વરદાન પાછું ખેંચી લો..!" - રાજાએ પોતાની વ્યથા જણાવતાં કહ્યું.
"કેમ ! શું ઘટના ઘટી તારી સાથે... મેં તને જ્યારે વરદાન આપ્યું હતું ત્યારે જ મેં તને કહ્યું હતું કે એકવાર વિચારીને વરદાન માંગજે...!"
"હા ! પ્રભુ ! પરંતુ એ સમયે મારી આંખો આડે લાલચના પડદા છવાઈ ગયાં હતાં, હું જે વસ્તુનો સ્પર્શ કરું એ સોનાની બની જતી હતી, આથી હું શરૂઆતમાં ખૂબ જ ખુશ થયો હતો, પરંતુ હું જ્યારે જમવા માટે બેસતો તો બધુ જ ભોજન સોનાનું બની જતું હતું, અને હું વ્યવસ્થિત જમી પણ નહોતો શકતો.... પરંતુ હદ ત્યારે થઈ કે જ્યારે હું એકવાર મારા મહેલેથી શિકાર કરવાં માટે જંગલમાં જઇ રહ્યો હતો, તેવામાં મારી દીકરી આવી, મેં તેને બાથ ભરવા માટે મારા બંને હાથ ફેલાવ્યાં, જેવી મેં મારી દીકરીને પ્રેમથી બાથ ભરી, તો જોત-જોતામાં આખે-આખી સોનાની મૂર્તિ બની ગઈ...જે હાલમાં પણ મારા મહેલની બહાર એમ જ ઉભી છે....જે વરદાન મને મારી દિકરીથી દૂર કરે એવાં વરદાનની મારે કઈ જરૂર નથી.... પ્રભુ ! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હવેથી અને આજ પછીથી હું ક્યારેય પણ લાલચ નહીં રાખીશ.!"
ભગવાને "તથાસ્તુ" એવું કહીને રાજાને એક કમંડળ (પાણી ભરવા માટેનું વાસણ) આપ્યું અને કહ્યું કે, "વત્સ ! તને તારી ભૂલ સમજાઈ ગઈ એ ખરેખર સારી બાબત છે, તું આ પાણીનું કમંડળ લઈને તારા મહેલે જા, અને આમાં રહેલ પાણીનો તારી લાડકી દીકરી પર અભિષેક કરજે, આથી તારી દીકરી પહેલાની માફક હસતી - રમતી થઈ જશે....!" - આટલું બોલી ભગવાન ફરી પાછા અદ્રશ્ય થઈ ગયાં.
આ બાજુ રાજા ભગવાને આપેલ કમંડળ લઈને પોતાનાં મહેલ પરત ફરે છે, અને ભગવાને જણાવ્યા પ્રમાણે કમંડળમાં રહેલ પાણીનો પોતાની લાડકી દીકરી પર જળાભિષેક કરે છે અને જોત-જોતામાં રાજાની દિકરી જે સોનાની મૂર્તિ બની ગયેલ હતી, તેમાં જાણે ફરીથી જીવ આવી રહ્યો હોય તેમ સજીવન થવા લાગી,
આથી રાજાએ મનોમન ભગવાનનો આભાર માન્યો, અને ભવિષ્યમાં પણ ક્યારેય લાલચ ન કરવા માટેનું વચન લીધું.
પછી રાજા, એની દીકરીઓ, બધી રાણીઓ પહેલાની માફક રાજી-ખુશીથી રહેવા લાગ્યાં.
મિત્રો કદાચ, તમેં પણ જ્યારે નાના હતાં, ત્યારે તમારા દાદા - દાદી તમને અલગ - અલગ વાર્તાઓ સંભળાવતા હશે,કદાચ એવું પણ બની શકે કે આ વાર્તા તમે ક્યાંક, સાંભળી પણ હશે....પરંતુ હું જ્યારે નાનો હતો, ત્યારે મારા દાદી મને અલગ - અલગ વાર્તાઓ સંભળાવતા હતાં, જેમાંથી આ મારી પસંદગીની વાર્તા હતી...જેનો એકમાત્ર બોધ એ હતો કે મનુષ્યે લોભ ક્યારે કરવો નહીં...આપણી પાસે જે કંઈ, જેવું પણ છે, એટલામાં જ ખુશ રહેવું જોઈએ, અને ક્યારેક એવું પણ વાની શકે કે આપણને ભગવાને જે કંઈપણ આપેલ છે, તે બીજાને ન પણ આપેલ હોય, માટે આપણી પાસે જેટલું છે, એટલામાં જ ખુશ રહેવું અને વધારે લાલચ ન કરવી જોઈએ.