લાગણીનું મૃત્યુ
લાગણીનું મૃત્યુ
આજે સાંજે ફરીથી સિયા અને એની સાસુનો ઝગડો થયો હતો. વાત તો ક્યારે એવી અગત્યની હોતી નથી. પણ, એની સાસુ તો ઝગડવા માટે કઈ ને કઈ બહાનું શોધી જ લેતી. નાનીનાની વાતોમાં એ સિયાને ટોક્યા જ કરતી. આ નાની નાની વાતો ઘણી વખત મોટું સ્વરૂપ લઈ લેતી. આજે પણ આવી નાની વાતમાં મોટો ઝગડો થઈ ગયો.
સિયા રડતાં રડતાં રસોડામાં કામે લાગી. એનું બધું કામ પૂરું થઈ ગયું પણ એના આંસુ આજે અટકવાનું નામ નહોતાં લેતાં. મનમાં ને મનમાં પોતાના નસીબ પર રડયા કર્યું એણે. ખબર જ છે કે એના આંસુ લૂંછવાવાળું અહીં કોઈ નથી.
સિયા અને સાગરના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા. સાગરને એના કામમાંથી ફુરસદ જ નહોતી કે ઘરમાં શુ થાય છે. સિયા શું ઈચ્છે છે ? વિચારે છે ? બસ એ તો એના કામથી મતલબ રાખતો હતો.
સાગર રાત્રે ઘરે આવ્યો ત્યારે પણ સિયા રડતી જ હતી. એને રડતી જોઈને એને હંમેશાની જેમ આજે પણ પૂછ્યું જ નહીં કે શું થયું છે એને ?
આ જોઈને આજે સિયાએ મૌન તોડતા સાગર ને પૂછ્યુ, "કેમ રડે છે આટલું બધું ? શું થયું છે મને ? એ પૂછો તો ખરાં."
"તારી ઈચ્છા હોય તો જણાવ નહીં તો રહેવા દે." સાગરે એકદમ ભાવવિહીન શબ્દોમાં કહ્યું.
આવો ઠંડો લાગણી વગરનો જવાબ સાંભળીને સિયાના આંસુ અટકી ગયા. અને સાગર પ્રત્યેની લાગણીનું મૃત્યુ થઈ ગયું.
