Vrajlal Sapovadia

Children Stories Inspirational

3  

Vrajlal Sapovadia

Children Stories Inspirational

લાડલા ચાંદામામા

લાડલા ચાંદામામા

4 mins
579


બ્રહ્માંડ અને સૂર્યમાળામાં ચાંદાઓની મોટી જમાત છે પણ આપણા ચાંદામામા એમાં અજોડ છે. પૃથ્વીએ ચંદ્રનો ઉછેર લાડલા દીકરાની જેમ કર્યો છે, કારણ કે તે સાત ખોટનો એકનો એક દીકરો છે. પૃથ્વી પણ ચીનની જેમ એક બાળકની નીતિ અખત્યાર કરે છે એટલે પૃથ્વીને એક જ સુપુત્ર છે જેને આપણે ચાંદામામા તરીકે ઓળખીયે છીએ.


ગુરુ અને શનિની વાડી ખુબ લીલી છે કેમ કે ગુરુને લગભગ 79 અને શનિને 82 કપાતર ચંદ્ર (ઉપગ્રહ) છે.  પૃથ્વી ભણેલી ગણેલી છે એટલે એમને પોતાના સુપુત્રનો જન્મનો દાખલો કઢવેલો છે અને ચંદ્ર નામ પણ પાડી દીધું છે. ગુરુ અને શનિએ પોતાના સંતાનોનો રેકોર્ડ તેમની પંચાયતમાં નોંધાવેલ નથી એટલે તેમની સંખ્યાનો પાક્કો અત્તોપત્તો નથી. ગુરુ અને શનિ વચ્ચે કોણ મોટો બચ્ચરવાળ તેની સ્પર્ધા ચાલે છે, વૈજ્ઞાનિકો બંનેના નવા નવા ઉપગ્રહ શોધતા જાય તેમ તેમની સંખ્યા વધતી જાય છે અને ક્યારેક એકને પછાડી બીજો તો ક્યારેક બીજો એકને પછાડી આગળ નીકળી જાય છે. શનિને હજુ 31 ઉપગ્રહના તો નામ પાડવાના પણ બાકી છે. એક બાજુ ગરીબીનો ભરડો અને આટલી બધી સુવાવડોને કારણે ગુરુના 63 ઉપગ્રહ અને શનિના 34 ઉપગ્રહ તો કુપોષણનો શિકાર બનેલા છે, તેમની માપ સાઈઝ 10 કિલોમીટરથી પણ ઓછી છે. તેમની સરખામણીએ આપણા ચાંદામામા તો મસમોટા 1735 કિલોમીટરના છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. એ હિસાબે તમે ત્યાં ચાલવા જાઓ તો કૂદકો જ લાગી જાય.


સાહિત્યકાર, કવિ અને સીને જગતમાં ચાંદામામા બહુ લોકપ્રિય છે. કેટલીક કવિતા અને કહેવતમાં ચંદ્રને જોડી લેવામાં આવેલ છે. વિવિધ ધર્મ અને ધર્મ ચિહ્નોમાં ચંદ્રનો ઉપયોગ વ્યાપક છે. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ છે. તેમના કહેવા પ્રમાણે ત્યાં નથી ડોસી રેંટિયો કાંતતી કે નથી ચંદ્ર રૂપાળો. જોકે આ બધી કલ્પનાઓને અને વૈજ્ઞાનિક હકીકતને બારમો ચંદ્રમા છે. દેશ અને દુનિયા ચંદ્ર પર પહોચી ગઈ અને હજુ લોકો અંધશ્રધામાં માને છે. ચંદ્ર ઉપર ભલે કાંઈ ખાવા પીવાનું ના હોય પણ ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી છે.


ચાંદામામા ભલે સૂર્યમંડળમાં બહુ નાના હોય પણ ક્યારેક અમાસે ખંડગ્રાસ ગ્રહણ વખતે મસમોટા સૂર્યને પણ ઢાંકી દે છે અને 2-3 વર્ષે તો સૂર્ય ચાંદામામાના નાના કે દાદા થાય તો પણ પુરા સૂર્યને ઢાંકી દે છે જેને આપણે ખગ્રાસ સૂર્યગ્રહણ કહીએ છીએ. આવું કેમ બને છે? તમે નાની એવી આંગળી તમારી આંખ આગળ રાખો તો વિશાળકાય પર્વત પણ ઢંકાય જાય છે ને ? તેવું જ કૈંક ખગ્રાસ સૂર્ય ગ્રહણમાં થાય છે. ચંદ્ર સૂર્ય કરતાં લગભગ 400 ગણો નાનો છે, પરંતુ સૂર્ય ચંદ્ર કરતાં પૃથ્વીથી લગભગ 400 ગણો દૂર છે.


સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જયારે એક લાઈનમાં એટલે કે સીધી લીટીમાં આવે ત્યારે પૂનમ કે અમાસ થાય. પણ દરેક પૂનમે ચંદ્ર ગ્રહણ કે દરેક અમાસે સૂર્ય ગ્રહણ નથી થતું કેમકે ચંદ્ર પૃથ્વી આસપાસ અને પૃથ્વી સૂર્ય આસપાસ ગોળ ફરવાને બદલે અંડાકાર આકારમાં ફરે છે. આમેય પૃથ્વી પોતાની ધરીથી 66 ડિગ્રી નમેલી છે એટલે ક્યારેક જ અને કોઈક અમાસે જ ચંદ્રનો પડછાયો સૂર્ય ઉપર પડે કે ક્યારેક જ અને કોઈક પૂનમે જ પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે ત્યારે ગ્રહણ થાય. પૂનમે ચંદ્ર પૂર્ણ રૂપે ખીલે છે પણ પૃથ્વી પણ કઈ સીધી સટ નથી. કોઈક કોઈક પૂનમે પૃથ્વી સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચવા નહીં દઈ ચંદ્ર ગ્રહણ કરી દે છે.


અમે નાના હતા ત્યારે મીઠાઈ ખાવા મળે અને મેળામાં ફરવા જવા મળે એટલે જન્માષ્ટમીની ઇંતેજારી પૂર્વક રાહ જોતા. એમાં લેઉવા પટેલની સાતમ આઠમ અમારાથી 15 દિવસ વહેલી આવી જતી, મોટા થઇ અમદાવાદ રહેવા આવ્યા ત્યારે મારવાડીની સાતમ અમારાથી 15 દિવસ વહેલી આવતી એટલે તેમની ઈર્ષ્યા થતી. પછી એનાથી પણ મોટા થયા ત્યારે ખબર પડી કે ગુજરાત અને તેનાથી દક્ષિણના પ્રદેશોનો દેશી મહિનો અમાસે પૂરો થાય છે અને ઉત્તરમાં મહિનો પૂનમે પૂરો થાય છે. આમ બંનેના કેલેન્ડર જુદા છે, ઉત્તરનું કેલેન્ડર 15 દિવસ આગળ ચાલે છે.  


ચંદ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે. અમેરિકાના ઍપોલો કાર્યક્રમ અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન ચંદ્ર પર છ વખત ઉતરાણ થયું હતું અને છેલ્લા સમાનવ ઉતરાણ સાથે ઍપોલો કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી. હમણાં પૃથ્વી ઉપરથી ચંદ્રયાન ચંદ્રની સફરે ગયું ત્યારે તમે સાંભળ્યું હશે કે તે ચંદ્રના અંધારિયા દક્ષિણ ધ્રુવ ઉપર ઉતારવાનું હતું. ચંદ્ર ઉપ અંધારિયો ખંડ કેમ બન્યો હશે? અરે ભાઈ ચંદ્ર પોતાની ધરી ઉપર એક આંટો ફરવામાં જેટલો સમય લે છે તેટલો જ સમય પૃથ્વી આસપાસ એક આંટો મારવામાં લે છે એટલે ચંદ્રનો એક ભાગ કાયમ સૂર્ય સામે જ રહે છે અને બીજો ભાગ ક્યારેય સૂર્ય સામે આવતો નથી. એમ આપણે પૃથ્વીવાસીઓ નસીબદાર છીએ કે પૃથ્વી પોતાની ધરી આસપાસ લગભગ 24 કલાકમાં આંટો ફરે છે અને સૂર્ય આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો મારે છે. તેથી આપણે દિવસ, રાત, મહિનો અને વરસ બદલાતા જોઈએ છીએ.


સૂર્યમાળામાં અસંખ્ય ઉપગ્રહ છે, પણ ચંદ્ર સૌરમંડળનો પાંચમો સૌથી મોટો ઉપગ્રહ છે, અને ગ્રહના કદને ગણતરીમાં લો તો સૌથી મોટો ઉપગ્રહ છે. માનવામાં આવે છે કે ચંદ્ર પૃથ્વીના જન્મ પછી થોડા જ વર્ષોમાં, આજથી લગભગ 4.51 અબજ વર્ષો પહેલા રચાયો છે. આમતો તમને આ ઉમર બહુ લગતી હશે, પણ બ્રહ્માંડમાં આટલી ઉંમરને તો ઘોડિયામાં સુવે તેવડુ બચ્ચું જ કહેવાય.


દર પૂનમે પૂર્ણ ચંદ્ર હોય તે આપણને ગમે તેમ સમુદ્રને પણ ગમે એટલે સમુદ્રનું પાણી ચંદ્રને મળવા ઉપર દોડી જાય અને પૂનમે ભરતી આવે. એટલે જ તો 'સાગર અને શશી' માં કવિરાજ ‘કાન્ત’(મણિશંકર રત્નજી ભટ્ટ) કહે છે; આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે. અને છેલ્લે; સુન્દરમ્ ના શબ્દોમાં મેરો ચાંદ ગગનમેં આયો, મટકી ભર અમરત લાયો. મેરો ચાંદ...જમુનાજી કે શ્યામ નીર તટ, શ્યામ કદંબ કી છાયા.


Rate this content
Log in