Sharad Trivedi

Others

1.7  

Sharad Trivedi

Others

કોઈને કહેતી નહી

કોઈને કહેતી નહી

4 mins
518


કામવાળી તરીકે કામ કરતાં કરતાં તમને ઘણા સારા-નરસા અનુભવો થયા છે, ભીખી. કામ કરવા માટે જાવ ત્યાં પુરૂષની નજર સારી ન પણ હોય. પણ જ્યારે તમને એવું લાગ્યું છે ત્યારે તમે કામની કે પૈસાની પરવા નથી કરી. કામ છોડી દીધું છે. તમારે મન ચારિત્ર્ય એક મોટી મૂડી છે. એના બદલામાં તમને કોઈપણ પ્રકારનો વૈભવ સ્વીકાર્ય નથી. નહી તો તમારો સુંદર દેહ તમને ગરીબીમાં સબડવા ન દેત ભીખી. હુસ્નના ખરીદદારોનો તોટો નથી. હુસ્નને પ્રેમ કરવાવાળા પણ મળી રહે છે.

કામવાળી તરીકે કામ કરવાનું, ભૂખ્યાં સૂવું પડે તો ભૂખ્યાં સુવાનું તમને મંજૂર છે. તમારો દારુડીયો પતિ તમને મારે-ઝુડે,કયારેક તો તમે મજૂરી કરીને કમાયેલા પૈસા દારૂ પીવા ખરચી કાઢે. આમ ગણો તો દામ્પત્યજીવનનું સુખ શું કહેવાય એ તમને ખબર જ નથી. તો પણ તમે આ બઘુ સહન કરીને તમારા સ્ત્રીત્વને બેદાગ રાખ્યું છે ભીખી.

તમને ઘણીવાર વિચાર આવે છે કે માણસને આખરે જોઈએ છે શું ? પ્રેમ, પૈસો, માન-સન્માન, આનંદ,શાંતિ. . . મોક્ષ ?એની દોટ શેના પાછળની છે ? એ સમજાતું નથી. જે છે એને છોડીને એ હંમેશા બીજું કંઈક મેળવીને ખુશ થવાની કોશિશ કરતો હોય છે, એ મળી ગયાં પછી વળી નવું મેળવવાની ઈચ્છા.

ભીખી,તમે શહેરના પોશ વિસ્તારનાં એક બંગલામાં કામ કરવા જાવ છો. પૈસે ટકે ખૂબ જ સુખી પરિવાર છે. પ્રતિષ્ઠિત પણ ખરો. પતિ-પત્ની અને એક દીકરીનો આ પરિવાર આમ તો લોકોને ઈર્ષા આવે એવો છે. બહારથી બરફાચ્છિદિત લાગતો આખો પહાડ અંદરથી તો સળગે છે. આમ તો પતિ-પત્નીએ પ્રેમ લગ્ન કરેલાં છે. એકબીજાને એટલો પ્રેમ છે કે લોકો એમને સારસ બેલડી તરીકે ઓળખે છે. ફેસબુક પર પણ એમના ફોટો, વૉટ્સેપ પરના એમના સ્ટેટસ પરથી તો આપણને એમ લાગે કે આમના જેવું કોઈનું દામ્પત્યજીવન કોઈનું હોય જ ના. પણ હકીકત કંઈક જુદી છે. એ તમે જ જાણો છો પણ તમારે કોઈને કહેવાનું નથી.

તમે એ બંગલામાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરો છો એટલે પરિવારના દરેક સભ્યને રજેરજની વિગત તમે જાણો છો. શરુઆતમાં તો તમને પણ બધાને લાગે છે એમ બધુ સરસ જ, આદર્શ લાગેલું. કામ કરતાં કરતાં તમે આમ તો પરિવારના સભ્ય જેવા થઈ ગયા છો, એટલે પરિવારની સામૂહિક બાબત વિશે તમે જાણકારી ધરાવતાંજ હશો પરંતુ વ્યક્તિગત બાબત વિશે પણ તમે જાણકારી ધરાવો છો. એ વાત અલગ છે કે પરિવારની દરેક વ્યક્તિએ એ વ્યકતિગત જાણકારી કોઈને કહેવાની ના પાડી છે, પરિવારના સભ્યને પણ નહી.

એક દિવસની વાત છે એ દિવસે વરસાદી વાતાવરણ હતું. બંગલાના માલિક દિલિપભાઈ ધંધાર્થે બે-ત્રણ દિવસ બહાર ગયેલા હતા દીકરી માનસી પણ ત્રણ દિવસના પ્રવાસે હતી. ઘરે દીલિપભાઈના પત્ની વિશાખા મેડમ એકલાંજ હતાં. તમે એ દિવસે કામ કરવા બંગલે રોજ કરતાં કલાક વહેલા પહોંચેલા ત્યારે વિશાખા મેડમ સિવાય ઘરમાં કોઈ એક પુરુષ હાજર હતો. વિશાખા મેડમ તેની સાથે જે રીતે વર્તી રહ્યાં હતાં એ અસામાન્ય હતું. એક સ્ત્રી તરીકે તમે એની તરતજ નોંધ લીધેલી. તમે આવી ગયા હતાં પણ એ પુરુષ સાથેના વિશાખા મેડમના વર્તનમાં કોઈ પરિવર્તન નહી આવેલું. વિશાખા મેડમ અને એ પુરુષ કલાકો સુધી એકબીજા ના થઈ ગયેલા. તમે કામ પતાવીને જ્યારે બંગલેથી નીકળ્યાં ત્યારે ભીખી, વિશાખા મેડમે તમને બે હજારની નોટ આપી કહેલું કાલે સમયસર આવી જજે. તમે શેના બે હજાર આપ્યા એમ પૂછ્યું ત્યારે તેમણે હસીને કહેલું 'રાખને' તમે પછી કારણ સમજી ગયેલાં.

બીજા દિવસે તમે આવ્યા ત્યારે વિશાખા મેડમ એકલાજ હતા. તેમણે તમને બોલાવીને કહેલું, 'જો ભીખી, કાલે તેં જે જોયું એ મારા અને તારા સિવાય ત્રીજું કોઈ જાણે નહી, મને તારા પર વિશ્વાસ છે એટલે તારી હાજરીમાંજ એને બોલાવેલો. તું હાજર હોય અને આવે તો આજુબાજુવાળાને કોઈ શક ન જાય. હું એ પુરુષને પ્રેમ કરું છું. દિલીપ સાથે તો મેં આર્થિક રીતે સુખી રહેવા માટે પ્રેમ લગ્ન કર્યા છે પણ મને શારીરિક સુખ તો આ પુરુષજ આપી શકે એમ છે. દિલીપ તો ધંધામાં વ્યસ્ત છે. એના પાસે આ પુરુષની જેમ મારા માટે સમય નથી અને એનું શરીર સૌષ્ઠવ પણ નથી કે તે મને સુખી રાખી શકે. કાલે તે જોયું એ કોઈને કહીશ નહિ. એટલામાં દિલીપભાઈનો ફોન આવેલો ત્યારે વિશાખા મેડમ કહેલા શબ્દો તમને હજુ પણ યાદ છે 'હાય ડાર્લિંગ કેમ છે તારા વગર ફાવતું નથી તરત આવી જા ને' તમે તો શું થઈ રહ્યું છે એ ન સમજી શકેલાં.

વિશાખા મેડમની વાત સાંભળીને તમારું ચારિત્ર્યવાન હૈયુ ખૂબ નારાજ થયેલું, પરંતુ તમારા બાળકોને નજર સમક્ષ રાખીને તમે શહેરના પોશ વિસ્તારમાં આવેલ આ બંગલાનું કામ છોડ્યું ન હતું. વિશાખા મેડમે બીજાજ મહિનાથી તમારો પગાર ત્રણ હજારથી વધારીને પાંચ હજાર કરેલ! મોટા ભાગે બંગલાવાળાઓ મજૂરો સાથે પણ ભાવમાં ખેંચતાણ કરતાં હોય છે ત્યાં તમારો પગાર વધી ગયેલો !

તમને દિલીપભાઈ પર દયા આવેલી પરંતુ એ થોડો સમય માટે જ ટકી. એક વખત શહેરની એક હોટેલમાં સાફ-સફાઈના કામકાજ માટે રવિવારના દિવસે તમે ગયેલા. વધારાના પૈસા મળે તો તમારા દારુડિયા પતિ માટે એક સ્વેટર લઈ શકો. વિશાખા મેડમ એ દિવસે પિયર ગયેલા હતા દીકરી સાથે. દીલિપભાઈને તમે એ હૉટલમાં એક સ્ત્રી સાથે બ્રેક ફાસ્ટ કરતાં જોયેલાં. તમને એમ કે કોઈ ધંધાની મીટીંગ માટે તેઓ અહીં આવેલા હશે, પરંતુ તમને જોતા જ દિલીપભાઈના કપાળ પર બાઝી ગયેલા પરસેવાના જોઈને તમે સમજી ગયેલાં. બીજા દિવસે તમારા સ્લમ વિસ્તારમાં કે જ્યાં તમે રહો છો ત્યાં આવીને દિલીપભાઈ તમારા બાળકો માટે કપડાં, મીઠાઈ વગેરે આપી ગયેલાં. તમે ના પાડેલી કશું પણ લેવાની. પણ તમારા દારૂડિયા પતિએ તમને કહેલું કે 'સાહેબ આટલા પ્રેમથી આપે છે તો ના કેમ પાડે છે' એણે તરત જ દિલીપભાઈનો આભાર માનીને બધુ લઈ લીધું. જતી વખતે દિલીપભાઈએ વિશાખા મેડમની જેમ જ તમને 'કોઈને કહેતી નહી' એ તો કીધેલું જ.

તમે પણ આજ સુધી કોઈને કશું કહ્યું નથી,ભીખી, 'એક ચહેરે પર કઈ ચહેરે લગા લેતે હૈ લોગ'


Rate this content
Log in