કીડીસીયાનું ઘડતર અને ચણતર
કીડીસીયાનું ઘડતર અને ચણતર
2016 માં પાંચ બાળકોથી છાત્રાલય શરૂ કર્યું તેનો પહેલો વિદ્યાર્થી કીડીસીયા.
કીડીસીયા તેનાં માતા પિતાનું આઠમું સંતાન.
ગામ : આમતા, તા.નસવાડી, જી.છોટાઉદેપુર
( ડુંગર વિસ્તારનું અત્યંત અંતરિયાળ ગામ )
કીડીસીયાએ 2014માં ભણવાનું બંધ કરી દીધેલું, બે વર્ષ પછી છાત્રાલયમાં રહી ભણવાની તક મળતાં તે પોતે જ છાત્રાલયમાં આવેલો.
કીડીસીયાએ અમને શરૂઆતથી જ ખૂબ પ્રેમ આપ્યો. આ કામમાં ટકી શક્યો એમ કીડીસીયાની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે.
અહીંયાં બોલાતી ડુંગરભીલ બોલી તેનાં શબ્દોનો અર્થ સમજાવવાથી લઈ સ્થાનિક કક્ષાએ વડીલોએ નહીં સમજાવ્યું હોય તેવી સમજ તેની પાસેથી મળી.
ડગલે ને પગલે અમારી સાથે જ રહ્યો, ખાસ તો વેકેશનમાં પણ અમારું એકાંત તોડવા, રજાના દિવસોમાં પણ નીતનવું વાંચવા સમજવા સતત મથ્યા કરે.
લોકડાઉનમાં તો અમને સૌથી મોટો સથવારો તેણે જ આપેલો.
સંસ્થાની શરૂઆતથી અત્યાર સુધી સૌથી વધુ સમય તેણે આપ્યો એમ કહું તો જરાય ખોટું નથી. સતત અમારી સાથે રહ્યાં. સમયને સમજી સતત કંઈ ને કંઈ કર્યા કરે...
તેનાં માતાપિતા આખો દિવસ દારૂ પીવે,ભાઈ પણ એ જ દિશામાં આવી સ્થિતિમાંથી તેમને બહાર લાવવા એ એનેક વાર પડકાર જનક બન્યું પણ તેમની સંકલ્પશશક્તિને લઈને સારા વના થઈ રહ્યાં છે.
નાની નાની બાબતમાં ચિવટતા, નવું નવું શીખવાની દ્રષ્ટિ સાથે નેતૃત્વ સાથે અનેક ગુણોનાં દર્શન તેમનામાં જોવા મળે.
ડુંગર વિસ્તારોમાં સાવ છૂટા છવાયા રહેતાં પરિવારોનાં બાળકો ખૂબ જ ઓછું બોલે તેમાંનાં કીડીસીયા સંસ્થાની મુલાકાતે આવનાર સહુને પ્રેમથી સાચવે અને સંસ્થાની વિગતો પણ આપી શકે તેવા તૈયાર થયા.
કીડીસીયા, વિકેશ, ભુદરિયા સાથે ગઈ કાલે ગ્રામભારતીમાં ધોરણ 11 માં ભણવા પહોંચ્યા.
મારુ ઘડતર થયું એ ગ્રામભારતીમાં બે વર્ષથી ચાર દીકરીઓ ભણતી થઈ છે ત્યાં બીજા ત્રણ વિદ્યાર્થી પહોંચ્યા એનો અત્યંત ગૌરવ અનુભવું છું.
કીડીસીયા વાલીએ આજ સુધી ક્યારેય ફી ભરી નથી.ધોરણ 8-9 માં હતા ત્યારે અમને જાણ ન કરે અને દિવાળીની રજાઓમાં તેમનાં બેન-બનેવી સૌરાષ્ટ્રમાં ખેતીમાં મજૂરી કરે ત્યાં જાતે પહોંચી કપાસ વીણી પૈસા બચાવી ફી ભરતાં. જ્યારે ખબર પડી પછી છેલ્લા બે વર્ષથી તો તેમનાં માટે એક દાતા પાસે વ્યવસ્થા કરી જેથી તેઓ ભણવામાં જ ધ્યાન આપી શકે.
આ વરસે ધોરણ 10 માં માસ પ્રમોશનમાં બધી જ શાળાનાં બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા, એટલે ધોરણ 11માં પ્રવેશ માટે મોટો પ્રશ્ન બધે જ ઊભો થયો.
આ સ્થિતિમાં પણ ગ્રામભારતીમાં વિશેષ વિન્નતી કરી સહયોગ છાત્રાલયનાં ત્રણ વિદ્યાર્થીને પ્રવેશ અપાવ્યો.
પ્રવેશ મળ્યો એટલે વાત તેમની ફી અને વાર્ષિક ખર્ચની આવી.
આ સમયે વડોદરાના આ.વૈશાલીબેન શાહ અને સી.આર.કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટનાં ચિરાયુભાઈ દ્વારા ત્રણ વિદ્યાર્થી માટે ત્રીસ હજારની મદદ મળી.
ત્રણેય વિદ્યાર્થીઓ ઉઘાડી આંખે સપનાં જોતાં થાય અને એ સપનાં કેવી રીતે પુરા કરી શકાય તેની તેમને દ્રષ્ટિ મળે તે માટે ઈશ્વરને પ્રાર્થના...
( રીંકુએ પ્રાર્થનામાં કીડીસીયા સાથેનો અમારો પાંચ વર્ષનો અનુભવ કહ્યો ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડી, આગળ કંઈ જ બોલી ન શકી. રડતાં રડતાં છેલ્લે એટલું જ બોલી કે અમે કીડીસીયાનું નહીં કીડીસીયાએ અમારું ઘડતર કર્યું )
સાચે જ કહેવાય ઘડતર અને ચણતર કર્યુ.
