STORYMIRROR

Sangita Dattani

Children Stories

4  

Sangita Dattani

Children Stories

ખાતરી

ખાતરી

2 mins
407

અયોધ્યાની એક શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી સર્વા પાછલી બેંચ પર માથું નાખી આરામથી સૂતી હતી. ક્લાસમાં ટીચર રામનવમીની વાર્તા કરી રહ્યા હતા. બધા વિદ્યાર્થીઓ શાંત ચિત્તે આ વાર્તા સાંભળી રહ્યાં હતાં. 

વાર્તામાં એક પ્રસંગ આવ્યો અને બાળકો રસપૂર્વક સાંભળતા હતા કે હવે શું થશે ? રામ વનવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છે અને .. 

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે...., ટીચર પણ રસપૂર્વક વાત આગળ વધારતા હતા. બે-ત્રણ બાળકો ઊંઘી ગયા હતા. ટીચરે કહ્યું કે, "દશરથ રાજાની ત્રણ રાણીઓમાંથી સુમિત્રાને બે વરદાન આપ્યાં હતાં. તે બે વરદાન આજે તેમણે દશરથ પાસે માંગીને રામનો રાજ્યાભિષેક અટકાવ્યો હતો." આ સાંભળી તરત જ સર્વાએ હાથ ઊંચો કર્યો અને ઊંઘમાં જ બબડી. 

 "ટીચર, સુમિત્રા નહીં પણ માતા કૈકેયીને દશરથ રાજાએ બે વરદાન આપ્યાં હતાં." ટીચર પૂછે તે પહેલાં તો બાજુમાં બેઠેલી સીમરને પૂછ્યું કે, "સર્વા તને કેવી રીતે ખબર છે કે માતા કૈકેયીને બે વરદાન આપ્યાં હતાં ?"

સર્વાએ કહ્યું કે, "એ તો મને પણ ખબર નથી." આ સાંભળી બધા આશ્ચર્ય ચકિત બની ગયા કે સર્વાને સાચા જવાબની ખબર કેવી રીતે પડી ? 

ટીચરને પણ એટલું જ આશ્ચર્ય થયું. ટીચરે સર્વાને બીજે દિવસે તેનાં મમ્મીને સ્કૂલે બોલાવી લાવવાનું કહ્યું.

બીજાં દિવસે સર્વાના મમ્મી સ્કૂલે આવ્યાં. ટીચરે ગઈકાલે પોતાથી બોલવામાં થયેલી ભૂલ વિશે વાત કરી. સાથે જ સર્વાને રામાયણની આ વાત ક્યાંથી ખબર તે પણ પૂછ્યું.

આ વાત સાંભળીને સર્વાના મમ્મી કૌષાબેનની આંખોમાં આંસુ આવી ગયાં. તેમણે અહોભાવથી આકાશ તરફ જોઈ બંને હાથ જોડયાં. પછી તેમણે રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું કે જ્યારે સર્વા પેટમાં હતી ત્યારે પોતે પોતાનાં, દાદી સાસુને રામાયણ વાંચી સંભળાવતા. બાકી સર્વાના જન્મ પછી તરત જ તેમને જમણાં હાથ અને પગમાં પેરાલીસીસ થઈ ગયું. એટલે તેમની સારવાર પાછળ રામાયણનો પાઠ કરવાનો સમય તેમને ક્યારેય મળ્યો જ ન હતો. તેમનાં સાસુની તબિયત પણ અવારનવાર ખરાબ થઈ જવા લાગી એટલે સર્વાને આવું કંઈ કહેવા-શીખવવાનો મોકો તેમને મળ્યો જ ન હતો. જો કે પ્રેગ્નન્સીનો બધો સમય તેમણે રામાયણ પઠનમાં પસાર કર્યો હતો. 

માતા સુભદ્રાનાં પેટમાં રહીને જેમ અભિમન્યુએ સાત કોઠા વીંધવાનું શીખેલું. તેવી જ રીતે સર્વાને પણ આ જ્ઞાન તેવી જ રીતે મળ્યું હોવું જોઈએ. 

તેમની આ વાત સાંભળીને ટીચરે પણ આસ્થાપૂર્વક પોતાનાં પર્સમાં રાખેલાં પોતાનાં ઇષ્ટદેવ રામની છબીને વન્દન કર્યાં. ત્યારબાદ સર્વાના મમ્મી અને સર્વાને પણ ધન્યવાદ આપ્યાં. સૌ બાળકો પણ પ્રેમપૂર્વક બોલી ઉઠ્યાં...."જય શ્રી રામ." સૌ બાળકોને ખાતરી થઈ ગઈ કે આજે પણ શ્રીરામ આપણી વચ્ચે જ છે.


Rate this content
Log in