Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

કેમ નહીં...?!

કેમ નહીં...?!

3 mins
275


હાર્ટની ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ, હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને અખિલ ઘરે આરામ કરી રહ્યો હતો. ડોક્ટરે બેડ રેસ્ટ કરવા કહ્યું હતું. બહાર લિવિંગ રૂમમાં પલંગ પર સૂતેલા અખિલની નજર સામે દીવાલ પર લગાવેલી કાકાની તસ્વીર પર પડી. અખિલની નજર સામે એના ભૂતકાળના પાના ખૂલવા માંડ્યા.

એ જ્યારે માત્ર ૭ વર્ષનો હતો ત્યારેે એકવાર સાયકલ ચલાવતા જોરથી નીચે પડી ગયો અને રડવા માંડ્યો. એનો જોરથી રડવાનો અવાજ સાંભળીને બરાબર એના ઘરની બાજુમાં રહેતા કાકા બહાર આવી ગયા અને એને ઊભો કર્યો અનેેે એની પીઠ થાબડીને બોલ્યા,"અરેેેે ગાંડા, આમ શું છોકરીની જેમ રડે છે ? તું તો છોકરો છે છોકરો... આમ નાની નાની વાતમાં રડતો રહીશ તો તારી વિધવા મા અનેે નાના ભાઈ બેનનું ધ્યાન કોણ રાખશે ? તારા માથે તો આખા ઘરની જવાબદારી છે. તુંં તો વાઘ છે વાઘ... ચાલુ ઊભો થા અને ભાગ. તારાથી આમ ના રોવાય.

અખિલ ને કાકાની વાતમાં બહુ વધુ સમજ ના પડી પરંતુ એના નાનકડા કુમળા મગજમાં એક વાત હંમેશ માટેે કોતરાઈ ગઈ કે," તું તો છોકરો છેે. તારાથી એમ ના રોવાય". એણે ગાલ સુધી આવી ગયેલા આંસુ ફટાફટ લૂછી નાખ્યા. ગળામાં ડૂમો ભરાઈ ગયો પણ આંખમાં આંસુ ના આવવા દીધા. દુઃખની લાગણી ક્યાંક અંદર જ બ્લોક થઈ ગઈ અને બહાર જાણે કશું થયું જ ના હોય એ વ્યક્ત કરતા કદાચ ત્યારથી જ એણે શીખી લીધું. અખિલ એ જ્યારે મુગ્ધા અવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે પડોશમાંં નવી રહેવા આવેલી સપના સાથે એની નજર મળી. પહેલી નજરમાં પહેલો પ્રેમ થઈ ગયો. પરંતુ સપનાની આંખમાંં ડૂબેલા અખિલ ને ક્યાંકથી એની મા એ શોધી કાઢ્યો અને ખૂબ ધમકાવ્યો,"અરે ગાંડા, બીજી જ્ઞાતિની છે. આપણામાં ના ચાલે. અને તું તો ઘરમાં સૌથી મોટો છે. તું જ જો આવું કરીશ તો તારા નાના ભાઈ બેનનો હાથ કોણ ઝાલશે ? ભૂલી જા એને નહીતો તને તારી વિધવા માના સમ ! થોડા દિવસો પછી ઘરની બંધ બારીઓ અને દીવાલોમાંથી પણ પડોશમાંથી આવતા શરણાઈના સૂર એ અખિલનું હૃદય ચીરી નાખ્યું. સપનાની યાદ એણે દિલમાં દફન કરી દીધી અને એ કુણી લાગણી ક્યાંક અંદર જ બ્લોક થઈ ગઈ.

અખિલ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો, આગળ ભણવા માગતો હતો પરંતુ નાની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું હતું અને બધી જવાબદારી એના ઉપર હતી માટે નાનપણથી જ કાકા સાથે ઘરના ધંધામાં જોડાઈ ગયો. આગળ ભણવાની મહત્વકાંક્ષા જવાબદારીના બોજ નીચે દબાઈ ગઈ... ક્યાંક બ્લોક થઈ ગઈ.

વર્ષો વીતતા ગયા લગ્ન થયા અને સંસાર પણ વસ્યો. અખિલ ક્યાંક આર્થિક પરિસ્થિતિના કારણે તો ક્યાંક સામાજિક જવાબદારીઓના બોજના કારણે, કેટલીયે ઈચ્છાઓ દબાવતો, તો ક્યાંક હૃદયમાં પોતાની લાગણીઓ બ્લોક કરતા કરતા આજે ઘડાઈને એક મજબૂત વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યો.

અખિલ, પરિવારનો જવાબદાર પુત્ર, જેની પાસે દરેક પ્રશ્નોના હલ છેે જે ક્યારે કોઈ પણ પરિસ્થિતિમાં ઢીલો નથી પડતો અને ન તો ક્યારે રડે છે. ઘરનો આધાર સ્તંભ, વડીલોનો સહારો અને બાળકો માટે એક પ્રેરણા. એની અંદર શું ચાલે છે એની કોઈને ક્યારે ખબર જ ના પડી કારણકે એની અંદરની લાગણીઓ તો એ બહાર ઉભરતા પહેલા જ એના દિલમાં ક્યાંક બ્લોક કરી દે છે...જ્યારેેે ૫૦ વર્ષનો થયો, ત્યારે હૃદયમાં દુખાવો થયો અરે ડૉક્ટરે કહ્યું કે હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ છે અનેે એની ટ્રીટમેન્ટ કરવી પડશે.

આજેે પથારીમાં આરામ કરી રહેલો અખિલ આજુબાજુ પોતાના સગાઓથી ઘેરાયેલો છે. બધા એને પોતપોતાની રીતે સલાહ સૂચન કરી રહ્યા છે. આ ખાવું જોઈએ અનેેે આ ના ખાવું જોઈએ. હૃદય માટે આ સારુ અનેે આ નહીં સારુ. રોજ ચાલવુંં તો પડે જ... વગેરે વગેરે. બધાના બોલાયેલા શબ્દો અખિલની ઉપરથી જ પસાર થઈ જતા અને એની નજર તો દીવાલ પર લગાવેલા કાકાની તસ્વીર પર જ હતી. એ ફોટાને તાકી તાકીને જોઈ રહ્યો હતો અને જાણેે એની અંદરનો સાત વર્ષનો અખિલ બાળ સહજ ભાવથી કાકા ને પૂછી રહ્યો હતો કે હે ..કાકા મારાથી કેમ ના રોવાય ?... મને દુઃખ ના થાય..!


Rate this content
Log in