કદર
કદર
કૃપા પતિની છબી સામે ઊભીને ક્યારની જોઈ રહી હતી. ફોટામાંની આંખો જાણે હજુએ તેની સામે મીટ માંડી કંઈક કહેવા માગતી હોય એવું તેને લાગ્યું. કૃપા આમતો સાવ ગરીબ ઘરની અને નાના ગામમાં ઉછરેલી હતી. પરંતુ ભણવામાં થોડી હોંશિયાર હતી. કોલેજ પુરી થતાજ એના મા-બાપે સબંધીની ઓળખાણથી એક એન.આર.આઈ.છોકરા સાથે લગ્ન ગોઠવી દીધા.
કલ્પેશ કેનેડા હતો. સાવ સીધો અને દુનિયાદારીથી બેખબર એવો સરળ સ્વભાવનો હતો. નાનપણમાંજ માતા-પિતાની છત્રછયા ગુમાવી દીધી હતી. આથી બાળપણમાંજ ઘણું દુ:ખ વેઠ્યું હતું. કુટુંબનો તિરસ્કાર સહન કરતા-કરતા મોટો થયો હતો. જીવનના કડવા ઘુંટ પીને જીવતો હતો. તેના એક કાકા કેનેડા રહેતા હતા. આથી કલ્પેશને ત્યાં લઈ ગયા. કલ્પેશ ત્યાં પણ ઘરકામ કરતો અને જોબ પર જતો.
લગ્નબાદ કૃપાને પણ ત્યાંના વીઝા મળી ગયા. કલ્પેશ અને કૃપા ત્યાં રહેવા લાગ્યા. બંને જોબ કરતા. કલ્પેશ ખપ પૂરતુંજ બોલે. પરંતુ કૃપાનું ખુબજ ધ્યાન રાખે. કૃપાને સારી જોબ મળી ગઈ હતી. તે પતિના સરળ સ્વભાવનો પૂરો લાભ ઉઠાવતી. તેના પર રોફ જમાવી અને તેની કોઈ વાતને ગણકારે નહિ.ઘરનું તમામ કામકાજ તેની પાસે કરવડાવે. કલ્પેશ ચૂપચાપ બધું સહન કર્યે રાખે. મા-બાપનો પ્રેમ તો ક્યારેય મળ્યો ન હતો. પત્નિએ પણ ક્યારેય પ્રેમથી ન બોલાવ્યો.
આમને આમ વર્ષો વિતવા લાગ્યા. બે બાળકો પણ થયા. કલ્પેશનું કામ વધી ગયું. બાળકોની તમામ જવાબદારી, ઘરનું કામ અને જોબ આમ ત્રણ-ત્રણ જવાબદારી તેના શિરે હતી. ઘણીવાર ખૂબ થાકી જાય. આંખમાં આંસુ આવી જાય પણ દિલની વાત કોને કહે ? નસીબને દોષ દઈ ચૂપચાપ સહન કરી લે. પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે આથી જીવન જીવવાની શક્તિ મળી રહે.
કૃપાનો ત્રાસ વધવા લાગ્યો. પતિ આગળ તમામ કામ કરાવે અને હૂકમ છોડે. કોઈ દિવસ સરખી વાત પણ ન કરે. કલ્પેશ માટે રસોઈ પણ ન બનાવે. ઘણીવાર કલ્પેશ રાત્રે જોબ પરથી આવેતો તેના માટે જમવાનું કંઈજ ન રાખ્યું હોય. પાણી પી તે સૂઈ જાય તો ક્યારેક તૈયાર પેકેટ લાવી પેટ ભરે.
કલ્પેશ જીવનભર પ્રેમના બે બોલ સાંભળવા માટે તલસતો રહ્યો. પણ એની આશા ક્યારેય પૂરી ન થઈ. મનમાં ને મનમાં તે રીબાતો ધીમે-ધીમે તેની અસર તેના શરીર પર થવા લાગી. તે દિવસે-દિવસે સૂકાવા લાગ્યો અંદરની પીડા એ તેને બીમારીથી ઘેરી લીધો.
છોકરાઓ થોડા મોટા અને સમજણા થવા લાગ્યા હતા. પરંતુ હજુ તેને સંભાળી શકે એટલા મોટા ન હતા. કલ્પેશનું શરીર ક્ષીણ થવા લાગ્યું જોબ કરી શકે તેવી હાલત પણ ન રહી. તેને હોસ્પિટલમાં એડમીટ કર્યો. થોડા દિવસોમાંજ તે મૃત્યુ પામ્યો.
કૃપાને હવે તેની ગેરહાજરીમાં ધીમે-ધીમે ખબર પડવા લાગી કે કેટલી જવાબદારીનો ભાર વંઢોરી કલ્પેશ જીવ્યો હતો. હવે તમામ જવાબદારી તેના શિરે આવી.ત્યારે તેને ક્લ્પેશની યાદ આવવા માંડી. તેની આજીજી ભરે વાતો, યાચના ભરી આંખો, પત્નિ અને બાળકો માટેની ફિકર વગેરે વાતો હવે સમજાણી. જીવતા કદી કદર ન કરી. બે મીઠા શબ્દ સાંભળવા તેનું હદય ઝૂરતું રહ્યું. કદરના બે શબ્દ એ કદાચ તેનું આયુષ્ય લંબાયું હોત. પણ હવે શુ કામનું ? સમય સરી ગયા પછીની સમજણ શું કામની? તેને હવે ડર પણ લાગ્યો. તેનું વર્તન તેના બાળકો રોજ જોતાજ હતા. ભલે અણસમજુ હતા. પણ બે ખબર ન હતા. તેને હવે સમજાયું. કલ્પેશને કદરના બે શબ્દ કહેવા જેટલી ઉદારતા પણ તે દાખવી શકી ન હતી, તેની આંખમાંથી દડ દડ આંસુ સરી રહ્યા હતા.
