કાગળની નાવડી
કાગળની નાવડી
'અરે કેટલી ભીડ છે અંહી ? શું થયું ?' બબડતાં બબડતાં જ સુમિત ગાડીનો હોર્ન વધુ જોરથી વગાડવા લાગ્યો, એને મિટિંગ માટે મોડુ થતું હતું એટલે સ્વાભાવિક એ પણ બીજીગાડીઓવાળાની જેમ ભીડના કારણને વગર જાણ્યે કોષવા લાગ્યો. ભીડને ચીરીને થોડો ગણગણાટ સંભળાયો એણે ફરી મોટેથી બૂમ પાડી
'અરે કોણે રસ્તો રોક્યો છે ? બીજાના સમયની થોડી તો ચિંતા કરો.'
એના સૂરમાં બધાય સૂર પરોવવા લાગ્યા. એટલામાં જ ત્યાં એક ટ્રાફિક પોલીસ એ આવીને રસ્તો ખોલવા પ્રયત્ન કર્યો એણે પેલી બાઈ, જેના લીધે રસ્તો બંધ હતો, ટ્રાફિક જામ હતું, એ બાઈને ડંડો બતાવી ધમકાવવાના પ્રયત્ન કરવા લાગ્યો.
પણ આ શું ? એ બાઈ તો વિફરેલી વાઘણની જેમ આ પોલીસને ફરી વળી, આ દ્રશ્ય એ બધાને થંભાવી દીધા. સુમિત પણ ઓફિસ, મિટિંગ બધુ ભુલીને એ શૂરવીર છોકરીનો ચહેરો જોવા ઉતાવળો થયો. એ છોકરીના અવાજનો રણકાર સાંભળી સુમિતને થયું, ચોક્કસ કોઈ સારા ઘરની અને સુંદર છોકરી હશે. જે કદાચ સ્કૂટી લઈ જતી હશેને કોઈએ ટક્કર મારી હશે. એ હવે એને જોવા વધુઉતાવળ કરવા લાગ્યો. એ ગાડીમાંથી નીચે ઉતર્યો. આગળ ભીડને ખસેડતાં ખસેડતાં એ પેલા મીઠા અવાજ પાછળ મનથી દોટ મુકી. જેનો અવાજ આટલો મીઠો એ કેવી રૂપાળી હશે ? એ વિચારે એને ટ્રાફિકનુ ભાન ભૂલાવ્યો.
જેવો સુમિત આગળ પહોંચ્યો, એ હેબતાઈ ગયો. એણે જે કલ્પના કરી હતી એના કરતાંય આતો રૂપાળી હતી. રંગ-રુપ જાણે કોઈ અપ્સરા. એના નાજુક અંગો જોઈ કોઈપણ મોહિત થઈ જાય.
'ઓ ભીખારણ ! ઉભી થા'... આ શબ્દો એ સુમિતની મોહનિન્દ્રા તોડી. જેના સ્વરુપ નુ એ પાન કરી રહ્યો હતો એ એકભિખારણ હતી. એ ઝડપથી પાછો ગયો અને બાકી લોકોની જેમજ ગાડીમાં જઈ પોતાની અમીરીનો રોફ જમાવવા લાગ્યો. એ છોકરી બાજુ એ ખસતા ખસતા બોલી રહી હતી. "ગાડીમાં બેઠા તો શું રસ્તો ય ખરીદી લીધો. અમારા જેવા ગરીબો બે ડગલા જમીન વાપરી પણ ના શકે ? આ તો મારી બેન સલામત છે નહી તો હું કોઈને ખસવા ય ના દેતી." સુમિત એ વાક્યો સાંભળીને આગળ નીકળી ગયો.
એ દિવસ ઓફિસમાં એનુ મન ન લાગ્યું. એ વહેલો ઘરે જવા રવાના થઈ ગયો. રસ્તામાં ફરી એ જગ્યા પર એ અટક્યો, એ છોકરી હજુ ત્યાં જ હતી, સુમિત થોડે દૂર ગાડી પાર્ક કરી ઊભો રહ્યો, એ છોકરી કંઈક કરી રહી હતી, એના હાથમાં માટી અને કાગળથી બનાવેલા રમકડા હતા, એની નાની બહેન ને એ કહી રહી હતી
"જો નાનકી, આ દુનિયા બહુ ખરાબ છે, આ મોટા ગાડીઓ વાળા આપણને ય એક રમકડું જ સમજે, એમને મન તો આપણા જીવની કોઈ કિંમત ના હોય".
નાનકી બોલી, "મા, આપણે તો એમને સરસ રમકડા આપીએ , તો પણ એ મોટા લોકો આપણને રમકડું સમજે ? આપણી આ કાગળની હોડીથી એ દરિયા કિનારે જાય તો પણ ?"
પેલી એક મીઠુ કટાક્ષ હાસ્ય હસી, ફરી કામમાં પરોવાઈ. સુમિત એ દ્રશ્ય જોઈ રહ્યો. એટલામાં ફરી નાનકી બોલી "બોલને જીજી, એ આપણી કાગળની હોડીથી ના રમે ?" પેલી છોકરી એ કહ્યું "જો નાનકી, આપણી કાગળની હોડીથી એ રમે પણ એનાથી એ દરિયો ના પાર કરી શકે, આપણે એમના રમકડા જ છે. "
અને સુમિતે એ છોકરી તરફ વળેલા પોતાના હ્રદય ને પાછુ વાળ્યું, એના મનમાં એ શબ્દો અથડાવા લાગ્યા,
"કાગળની હોડીથી દરિયો પાર ના થાય."
