જિરાફના ઘૂંટણ સુધી
જિરાફના ઘૂંટણ સુધી
એક જંગલમાં રહેતો વાંદરો પાણીથી ખૂબ ડર હતો કારણ તેને તરતા આવડતું નહોતું. એકવાર એ વાંદરા બીજા જંગલમાં રહેતા તેના દોસ્તને મળવા ઉપડ્યો. રસ્તામાં એક તળાવ આવતા તે રોકાઈ ગયો. તળાવનું પાણી વધારે ઊંડું લાગતું નહોતું. વાંદરો તળાવમાં ઉતરવું કે નહીં એ વિષે વિચારતો જ હતો કે ત્યાં તેની નજર તળાવને કિનારે પાણી પીતા જિરાફ પર ગઈ. વાંદરાએ તેને પૂછ્યું, “જિરાફભાઈ, તળાવનું પાણી કેટલું ઊંડું છે?”
જિરાફે જવાબ આપ્યો, “મારા ઘૂંટણ સુધી!”
તળાવમાં ઘૂંટણ સુધી જ પાણી છે એ સાંભળી વાંદરો હરખાયો અને ઝડપથી સામે કિનારે પહોંચવા તેણે તળાવમાં છલાંગ લગાવી. પરંતુ આ શું? તળાવનું પાણી ઊંડું હતું
! બિચારો વાંદરો તેમાં ગોથા ખાવા માંડ્યો. વાંદરાએ જીવ બચાવવા પાણીમાં હાથપગ પછાડવાના શરૂ કર્યા. સદભાગ્યે એ વધારે દૂર પહોંચ્યો ન હોવાથી જેમતેમ કરીને કિનારે આવ્યો. તળાવમાંથી બહાર નીકળેલો એ વાંદરો હાંફી રહ્યો હતો. તેણે ગુસ્સાથી જિરાફને કહ્યું, “અરે! દુષ્ટ, તું કેમ મારાથી જુઠું બોલ્યો કે તળાવનું પાણી ઊંડું નથી!”
જિરાફ બોલ્યો, “ભાઈ, તારી સમજવામાં કોઈ ભૂલ થાય છે. મેં તને માત્ર એટલું જ કહ્યું હતું કે તળાવનું પાણી મારા ઘૂંટણ સુધી છે. મને એમ કે મારી ઊંચાઈ જોઇને તું સમજી જઈશ કે તારા માટે તળાવનું પાણી ઊંડું છે પરંતુ તું મારી વાતને સમજ્યો નહીં એમાં મારી ભૂલ?”
(સમાપ્ત)