જીવન મૂલ્યો
જીવન મૂલ્યો


આમ તો મારા વર્ગ માં ૨-૩ ને બાદ કરતાં બધાં જ વિદ્યાર્થીઓ હોશિયાર, એટલે પરિણામ પણ સારું જ આવતું છતાં હું એ ૨-૩ વિદ્યાર્થીઓને બધાંની હરોળમાં લાવવા હંમેશા પ્રયત્નશીલ રહેતી.
અવનવી વાર્તાઓ, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા એમને બધાંની હરોળમાં લાવવા મથતી. એવામાં શિક્ષક દિન આવ્યો એટલે હોશિયાર વિદ્યાર્થીઓ શિક્ષક બનવા તૈયાર થઈ ગયા અને એ પેલા ૨-૪ વિદ્યાર્થીઓ ને પટાવાળા બનવા કહી રહ્યા હતાં.
આમ તો ધોરણ ૯ થી એ લોકો મારી જ શાળામાં હતાંં એટલે એમને વ્યક્તિગત હું ઓળખતી, મારા ઘણાં પ્રયત્નો છતાં પણ એ ૨-૩ વિદ્યાર્થીઓ ક્યારેય વર્ગમાં પોતાનું કોઈ હકારાત્મક છાપ છોડી ન હતી એટલે મને પણ હતું જ કે આ લોકો ભાગ નહીં લે. એટલે મેં પણ અન્ય વિદ્યાર્થીઓ ને કહ્યું કે, "એમને ચીડવશો નહીં એ ભલે ભાગ ન લે, વિદ્યાર્થીઓ ય જોઈશે ને વર્ગ માં.""
એટલામાં જ એ ૨-૩ વિદ્યાર્થીમાંથી એક ઊભો થયો. એનું નામ કિરણ, શ્યામ રંગ, ઊંચાઈ પણ ખાસ નહીં, અને મોઢા ઉપરથી તો સાવ ભોટ, એટલે બધાં હસવા લાગ્યા.
" જોયું મૅડમ, આ ૨ વરસે જાતે ઊભો થયો, અત્યાર સુધી તમે બધાં ઊભો કરો તો જ થતો,,." એમ કહી સૌ એનું મજાક ઉડાવવા લાગ્યા.
એની આંખો માં દુઃખ ના બદલે એના ચહેરા ઉપર એક આછું સ્મિત ઝળકી ઉઠ્યું.
"બોલ કિરણ, તું ચિંતા ના કરીશ કોઈ તને પટાવાળા તરીકે નહીં રાખે, તું બેસી જા."
મારી આજ્ઞા નું હંમેશા પાલન કરનાર આજે ઊભો જ રહ્યો, હું એના મનમાં ચાલતી ગડમથલ ને સમજવા પ્રયત્ન કરતી હતી એ જાણે એ સમજી ગયો. એટલે તરત બોલ્યો,
" મૅડમ, હું પટાવાળા તરીકે ભાગ લેવા માંગુ છું".
ને આખો વર્ગ ખડખડાટ હસવા લાગ્યો, મેં બધાં ને શાંત કરી કિરણ ને બોલવા કહ્યું,
એણે એ જ સ્મિત સાથે કહ્યું,
"મૅડમ, સાચું તો કહે છે આ લોકો, હું ભણવામાં હોશિયાર નથી એટલે બરોબર છે પટાવાળા તરીકે. એવું આ બધાં સમજે છે પણ સાચું કહું મને પટાવાળા બનવું ગમે છે એટલે હું કહું છું કદાચ આગળ ભણ્યા પછી પણ આ નોકરી મળે તો હું ખુશીથી સ્વીકારીશ."
"કેમ?" મારાથી પૂછાઇ ગયું.
"કેમ કે મારી માં કે છે, મારે બાપા નથી પણ માં બધાં ના ઘરે કામ કરે છે અને એ એમ કહે છે કે ઘર, મંદિર અને શાળા આ જગ્યા પર સ્વચ્છતા હોય તો ભગવાન હંમેશા ત્યાં રહે. એટલે મૅડમ અત્યારે આપણી શાળાનાં પટાવાળા કાકા બહુ ઘરડા થયા અને બીમાર પણ રહે છે જેથી થોડી ચોખ્ખાઈ ઓછી છે, આ થોડી ગંડકી ના લીધે સરસ્વતી માતા અહી રહેતાં નથી અને અમને ૨-૩ જણને કંઈ નથી આવડતું. હું પટાવાળા તરીકે શાળા ને એકદમ સ્વચ્છ બનાવવા માગું છું જેથી સરસ્વતી માતા હંમેશા બધાને વિદ્યા આપે."
થોડીવાર હું સ્તબ્ધ થઈ ગઈ આ વિદ્યાર્થીને અમે ભોટ કહેતાં. પછી મેં તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો. અન્ય વિદ્યાર્થીઓ ને પણ એની આ વાતથી ગર્વ થયો.
બીજા દિવસે એ વિદ્યાર્થી ખુબ ઉત્સાહથી પટાવાળો બન્યો અને ખુબ મહેનતથી આખો દિવસ શાળાની સફાઈ કરી. સાંજે અમે શિક્ષકો વિચારતાં કે નંબર કોને આપવો. એવામાં વિદ્યાર્થીઓનું ટોળું આવ્યું.
" મૅડમ, આજનો નંબર કિરણ ને જ આપજો. એની વાત અને મહેનત બંને સાચાં છે". મને બહુ જ ગર્વ થયો મારા આ બાળકો માટે.
ઈનામ વિતરણ સમારોહમાં કિરણનુ નામ આવતાં જ એ ઊભો થઇ આગળ આવ્યો અને મને પગે લાગ્યો પછી તમામ શિક્ષકો ને પણ પગે લાગ્યો. આજે વર્ગ જ નહીં શાળા ના બધાં એને પહેલીવાર સાંભળવાના હતાંં એટલે એ થોડો શરમાયો, એણે મારી તરફ જોયું, મેં માથું હલાવી બોલવા કહ્યું,
" આદરણીય શ્રી આચાર્ય મૅડમ, અન્ય શિક્ષકો, તથા આજના દિવસે બનેલ મારા શિક્ષક મિત્રો, આજે મને બહુ જ આનંદ થયો મારી મનગમતી પ્રવૃત્તિ કરીને. મારી મા ઘણી વાર કહેતી કે શાળામાં ભગવાન વસે, આજે મને બધાં શિક્ષક બનેલા વિદ્યાર્થીમિત્રો આને મારા આ ગુરુજનો એ નંબર એક પટાવાળાને આપીને સાબિત કરી દીધું. જ્યારે તમે નાના પદ ઉપર રહેતા માણસની કદર કરો ત્યારે આપોઆપ ભગવાન તમારી મદદ કરે એવું આપણા મૅડમ વારંવાર કહે છે, એ પોતે આચાર્ય હોવા છતાં ક્યારેક શાળામાં કચરો સાફ કરે ત્યારે ખરેખર ભગવાન અહીં હાજર છે એમ લાગે. અને એટલે જ હું આજે બધાંની હાજરીમાં કહું છું કે હું આ શાળામાં જ પટાવાળા તરીકે આવીશ અને મૅડમની સેવા કરીશ."
તાળીઓના ગડગડાટથી સૌએ વધાવી લીધો પણ મારી આંખમાં હરખનાં આંસુ આવી ગયાં.
મેં મારા વિદ્યાર્થીઓને પુસ્તકિયું જ નહીં પણ જીવનના સાચાં મૂલ્યોનું જ્ઞાન આપ્યું છે એ વાતનો મને હંમેશા ગર્વ રહેશે.