Shalini Thakkar

Others

4.7  

Shalini Thakkar

Others

જેક ઈન ધ બોકસ

જેક ઈન ધ બોકસ

4 mins
785


મનના માળિયા પર ચડીને ભૂતકાળની યાદોથી ભરેલા પટારા ને હૃદયની નીચે ઉતારીને જૂની યાદો તાજી કરવી અને એનો અહેસાસ ફરી ફરીને માણવો એ મારા નિવૃત્ત જીવનની મનપસંદ પ્રવૃત્તિ છે. અને જ્યારે જ્યારે એ ભૂતકાળની યાદોથી ભરેલો પટારો ખૂલતો મને મારા બે વર્ષના પૌત્ર શ્લોકનું'જેક ઈન ધ બોકસ્ 'નામનું રમકડું યાદ આવી જતું. શ્લોક જ્યારે પણ નાનકડો રમકડા નો ડબ્બો ખોલતો એની અંદરથી સ્પ્રિંગ દ્વારા દબાયેલો જોકર ઉછળીને બહાર નીકળતો અને શ્લોકના ચહેરા સાથે અથડાતો, શ્લોક એકદમ ઝબકી જતો અને પછી જોકર નો ચહેરો જોઈને ખડખડાટ હસી પડતો. બસ એ જ રીતે જ્યારે હું મારો 'જેક ઈન ધ બોકસ'જેવો ભૂતકાળની યાદોથી ભરેલો પટારો ખોલતી, એની અંદરથી ભૂતકાળના જૂના સંબંધો એક પછી એક બહાર ડોકિયું કરતા અને એમાંથી એક ખાસ ચહેરો જે પટારો ખૂલતાં જ બહાર આવવાની રાહ જોઈ રહ્યો હોય એમ ઊછળીને તરત જ બહાર આવી જતો. અને જેવો એ'દેવયાની'નામનો ચહેરો બહાર દેખાતો મારા હૃદયની વેદના આંસુ બનીને આંખમાં આવી જતી અને એની સાથે વિતાવેલ સુખદ પળો યાદ કરીને ચહેરા પર સ્મિત આવી જતું.

બે પુત્રોની માતા હોવા છતાં પણ હંમેશા એક પુત્રી માટેેે ઝંખતું મારું મન અને માવિહોણી છોકરી દેવયાનીનું મન ક્યારે એકબીજા સાથે મળી ગયા અને એકબીજામાં ગૂંથાઈને ગયા એની અમને બંનેને ખબર જ ના પડી. મને હજી યાદ છે એની એ કુતુહલતા પૂર્વક મને નિહાળી રહેલી નિર્દોષ નજર જ્યારે હું પહેલી વખત એના વર્ગમાં ગણિત વિષય ભણાવવા ગઈ હતી. મારી પ્રત્યેના એના ખેંચાણનું કારણ મને ત્યારે સમજાયું જ્યારે મે એની સ્કૂલ ડાયરીમાં એની સ્વર્ગસ્થ માતાનો ફોટો જોયો જેનો ચહેરો મારાથી મળતો આપતો હતો. મારી અંદર એના પ્રત્યે કરુણા જનમી અનેેે પછી અમારા બંનેેે વચ્ચે નામ વિનાના સંબંધની શરૂઆત થઈ ગઈ. ગણિત જેનો અપ્રિય વિષય હતો એવી દેવયાની મનેે પ્રિય લાગવા માંડી. એ રોજ રીસેસમાં કોઈને કોઈ બહાને મને મળવા આવી જતી. ક્યારેક કોઈ દાખલાનો ઉકેલ શોધવા ના બહાને આવતી તો ક્યારેક બેવડી જવાબદારી નિભાવી રહેલા એના પિતાની ફરિયાદ લઈને આવતી. ક્યારેક ઉતાવળે એના પિતા એ માથું બરાબર ન ઓળ્યું હોય તો ક્યારેક ટિફિન બોક્સમાં મનગમતો નાસ્તો ના મૂક્યો હોય અને ત્યારે હુંં એને મારી બાજુમાં બેસાડીને ને એનું માથું ઓળી આપતી તો ક્યારેક એનો મનગમતો નાસ્તો મંગાવી એનેેે ખવડાવતી. સમય જતા અમારા બંને વચ્ચે આ નામ વિનાનો સંબંધ ગાઢ થતો ગયો અનેે જોતજોતામાં તો દેવયાની દસમા ધોરણમાં આવી ગઈ. સ્કૂલમાં એનું આ છેલ્લું વર્ષ છે, એ વિચારમાત્રથી અમારા બંને પક્ષ ને જાણે જીવનમાં કંઈક બહુ જ અમૂલ્ય વસ્તુ ખોવાઈ જવાની હોય એવી ભીતિ થવા માંડી હતી. ધોરણ ૧૦ પાસ થતાં જ એના જુનવાણી વિચાર ધરાવતા પિતાએ એના લગ્ન નક્કી કરી દીધા અને પછી દેવયાની લગ્ન કરીને સાસરેે જતી રહી. અમે બંને પોતપોતાના સંસારમાં ખૂબ જ સુખી અને વ્યસ્ત હોવા છતાં પણ અમને બંનેને કોઈક કડી એ હંમેશા જોડીને રાખ્યા. સાસરામાં પણ દેવયાનીને ક્યારેક કોઈ મૂંઝવણ પડી જતી તો એ હંમેશા મને ફોન કરીને પોતાનું મન હળવું કરી લેતી. જેમ કોઈ પણ છોકરી લગ્ન કરીને સાસરેથી ક્યારેક રસોડાના કોઈ કામમાં મૂંઝાઈ જાય અથવા તો ક્યારેક સાસરી પક્ષ કોઈ સંબંધમાં ગૂંચવાઈ જાય અને પોતાની માને સલાહ માટે ફોન કરે,એ જ રીતે દેવયાની હંમેશાા મને ફોન કરતી અને હું ખૂબ જ પ્રેમથી એની એ મૂંઝવણ દૂર કરવામાં એની મદદ કરતી. અને આમ અમારા વચ્ચે સંબંધોનો સીલસીલો ચાલુ જ રહ્યો. થોડા દિવસ પહેલા મારા ઘરે બહારગામથી થોડા મહેમાનો રહેવા માટે આવ્યા હતા અનેેે હું કામમાં વ્યસ્ત હતી એવામાં દેવયાનીનો ફોન આવ્યો. મેં એનેે કહ્યું કે જો કોઈ જરૂરી કામ ના હોય તો હું એને બે-ત્રણ દિવસ પછી સામેથી ફોન કરીશ. સામે છેડે દેવયાનીએ એકદમ ઢીલા સ્વરમાંં કહ્યું કે એને મારું કોઈ કામ ન હતું પરંતુ માત્ર મારો અવાજ સાંભળવા જ એણે મને ફોન કર્યો હતો. મારી વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને એણે એકદમ ઢીલા અવાજમાં મને 'આવજો' કહીને ફોન મૂકી દીધો. એના અવાજમાં મને કોઈક વેદનાનો ભાસ થયો પરંતુ મહેમાન હોવાના કારણે હું ફરી મારા કામમાં પરોવાઈ ગઈ. અને એના ત્રણ ચાર દિવસ પછી દેવયાનીના કોરોના ના કારણે મૃત્યુના સમાચાર આવ્યા અને મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. દેવયાનીને કદાચ પોતાના મૃત્યુ નજીક હોવાનો ભાસ થઈ ગયો હતો અને એ છેલ્લી વાર મારી સાથે મન ભરીને વાતો કરવા માંગતી હતી. એના છેલ્લા 'આવજો'માં રહેલી વેદનાનું કારણ સમજાતા, મને એની સાથેે મન ભરીને વાતો ના કર્યાનો ખૂબ જ પસ્તાવો થયો.

દેવયાની સાથેના નામ વિનાના સંબંધ એ મને શીખવ્યું કે જીવનમાં કેટલાય સંબંધો એવા હોય છે જે ભલે તમારા અંગત ના હોય, પણ જ્યારે એની તમારા જીવનમાંથી બાદબાકી થઈ જાય છે ત્યારે એ હૃદયના કોઈ એક ખૂણામાં પોતાની ખાલી જગ્યા છોડી જાય છે અને જ્યારે પણ એ'જેક ઈન ધ બોકસ' સમો ભૂતકાળની મીઠી યાદોથી ભરેલો પટારો ખુલે છે, એ સંબંધ જાણે બહાર આવવાની રાહ જોઈ રહ્યો હોય એમ તરત જ ડોકિયું કરતો બહાર આવી જાય છે અને એના ના હોવા અહેસાસ કરાવી જાય છે....!


Rate this content
Log in