Prashant Subhashchandra Salunke

Children Stories

5.0  

Prashant Subhashchandra Salunke

Children Stories

જાને કહા ગયે વો દિન ?

જાને કહા ગયે વો દિન ?

2 mins
706


મારો જન્મ વડોદરાના જે ઘરમાં હું હાલ રહું છું તેમાંજ થયો હતો. અમારા ઘરની પાછળ એક મોટું ખેતર આવેલું હતું. બાળપણમાં અમે એ ખેતરોમાં આમલીપીપલી કે ક્રિકેટ રમવા જતા. વરસાદ સમયે હું મારા દોસ્તો સાથે ત્યાં ગોકળગાય શોધવા જતો. ચણોઠી જેવી લાલ અને રેશમ જેવી મુલાયમ એ નાની અમથી ગોકળગાયને જોવાની ખૂબ મજા આવતી.


અમારી સોસાયટીના અડોશપડોશમાં આંબા, જાંબુ, જામફળ, દાડમ, સીતાફળ અને બદામ જેવા ફળ ફળાદીના વૃક્ષો આવેલા હતા. બપોરના સમયે અમે તે પરના ફળોને તોડીને ખાતા. કાચી કેરી પર મીઠું ચોળીને ખાવાની ખૂબ મજા આવતી. તે સમયે બજારમાંથી ફળો ખરીદીને લાવ્યા હોવાનું ભાગ્યે જ થતું. અમારા ખુદના ઘરના આંગણે સીતાફળ અને જામફળના ઝાડ આવેલા હતા. અમારી ગલીની માટોડીમાં રમી રમીને અમે મોટા થયા. સહુના મકાનો લગભગ ખુલ્લા હતા એટલે અમે એક મકાનમાંથી બીજા મકાનના વાડામાં આરામથી જઈ શકતા હોવાથી થપ્પો કે ડબ્બા ગુલ જેવી રમતો રમતી વખતે દાવ આપનારના માથે પસીનો આવી જતો. અમારા શોરગુલથી પરેશાન થઈને અડોશપડોશમાં રહેતા લોકો અકળાઈ ઉઠતા.


આજે જયારે અમારી સોસાયટીના બાળકોને જોઉં છું ત્યારે વિચાર આવે છે કે આમનું બાળપણ એ તો શું બાળપણ છે ? આખો દિવસ ઘરમાંને ઘરમાં રહી ટી.વી. જોવાનું કે વિડિયો ગેમ રમવાની ! તેમને એમ કહેવાનું મન થાય છે કે જાઓ જરા ખુલ્લા મેદાનમાં જઈને રમો પરંતુ બીજી જ ક્ષણે વિચાર આવે છે કે બિચારાઓ જશે તો ક્યાં જશે ? હવે ખુલ્લા મેદાનો રહ્યાજ ક્યાં છે !

ચાલીસ વર્ષ બાદ જે ઘરમાં મારો જન્મ થયો હતો તેની હવે પૂરી તાસીરજ બદલાઈ ગઈ છે. પૂર્વે અમે જે ખેતરોમાં રમતા ત્યાં હવે મોટી મોટી બિલ્ડીગો ઊભી થઇ ગઈ છે. ધૂળિયા રસ્તાના સ્થાને સિમેન્ટ કોન્ક્રીટની સડક બની ગઈ છે. સહુના આંગણમાં હવે પ્લાસ્ટર છે. ફળ ફળાદીના વૃક્ષોને સ્થાને મોટી મોટી દીવાલો બની ગઈ છે. સાદી ચકલી કે કાગડા જેવા પંખી દેખાવાના ફાંફા પડે છે ત્યારે ગોકળગાયની તો વાત જ ક્યાં કરવી ?


આજે જો હું એમ કહું કે પૂર્વે અમારા ઘરના આંગણે મોર અને વાંદરા આવતા હતા ત્યારે કોઈને વિશ્વાસ નહીં થાય. બાળપણમાં અમે જે ફળો કાચા કહીને ફેંકી દેતા હતા આજે તેવા ફળો બજારમાંથી ખરીદીને લાવવા પડે છે. આજે અમારું ઘર એકમાંથી ત્રણ માળનું બની ગયું છે. સાયકલની જગ્યા ગાડીએ લીધી છે. પરંતુ કુત્રિમ સુંદરતાની ઘેલછામાં અમે કુદરતી સૌન્દર્યને ગુમાવી બેઠા છીએ. આજે ગલીમાંથી આવતા બાળકોના શોરગુલને બદલે નીરવ શાંતતા અમને અકળામણ અપાવી રહી છે. ખરેખર બાળપણની એ યાદોને વાગોળતા આજે એ ગીત યાદ આવે છે કે, જાને કહા ગયે વો દિન ?



Rate this content
Log in