જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
"મમ્મી, તમને ખબર છે આજે અમને ટીચરે અલાઉદ્દીન કા જાદુઈ ચિરાગની વાર્તા કહી." ચિન્ટુએ સ્કુલથી આવતા વેંત બિનીતાને કહ્યું.
"અચ્છા, વાર્તામાં શું હતું ?" બિનીતાએ ચિન્ટુને પૂછ્યું. ચિન્ટુ તો એને જેટલી અને જેવી વાર્તા યાદ હતી એ પ્રમાણે રસપૂર્વક મમ્મીને વાર્તા કહેવા લાગ્યો. બિનીતા પણ જાણે પહેલી વખત જ આવી સરસ વાર્તા સાંભળતી હોય તેમ દીકરાને પ્રોત્સાહિત કરતી જતી હતી. વાર્તા પૂરી થઈ એટલે ચિન્ટુએ પોતાના મનમાં ઊઠતાં પ્રશ્નો મમ્મી પાસે રજૂ કર્યા.
"હેં મમ્મી ! આવો જાદુઈ ચિરાગ ખરેખર હોય ? મને જો આવો જાદુઈ ચિરાગ મળી જાય તો કેટલી મજા પડે. મારે પછી સ્કુલનું લેસન પણ જાતે ન કરવું પડે. હું તો પછી આ જીની પાસે જ બધું લેસન કરાવી દઉં. એની પાસે ઘરનું બધું કામ પણ કરાવી દઉં. એટલે તને પણ આરામ મળે. એની પાસે આપણાં માટે ગાડી, સરસ કપડાં, ખાવાનું બધું પણ માંગી લઉં. પછી એ જ જીનીને કહીને આપણાં શહેરના આ બધાં તૂટેલાં રસ્તા રિપેર કરાવી દઉં. બોલ કેટલી મજા આવે."
દીકરાની વાતનો એને સમજાય એ ભાષામાં જવાબ આપતાં બિનીતાએ કહ્યું, "બેટા, આ બધું વાર્તામાં સારું લાગે. ખરેખર આવો કોઈ ચિરાગ ન હોય. પણ આવો ચિરાગ એટલે આપણાં હાથની મહેનત. જેમ વાર્તામાં ચિરાગ પર હાથ ઘસો એટલે એમાંથી જીની બહાર નીકળે. તેમ આપણે મહેનત કરવા આપણા હાથ ઘસીએ તો એમાંથી આપણે કરવા માંગીએ તે બધાં કામ થાય. તારે મહેનત કરી તારી જાતે જ તારું લેસન કરવું જોઈએ. તો જ તને આવડે. બાકી જીની લેસન કરે તો તને ક્યાંથી આવડે ? આપણે જીની પાસે તૈયાર બધું માંગી લઈએ તો એમાં શું આનંદ મળે. આપણે મહેનત કરીએ અને પછી આપણને વસ્તુ મળે તો એનો આનંદ અનેરો હોય."
આવી રીતે જુદા જુદા ઉદાહરણ દ્વારા એણે ચિન્ટુને પારકી આશ સદા નિરાશ અને મહેનતનું ફળ મીઠું હોય તે સરસ રીતે સમજાવ્યું. ચિન્ટુ પણ સમજી ગયો. "હં, મમ્મી ! હવે મને ખબર પડી કે અમારા ટીચરે છેલ્લે એવું શા માટે કહ્યું કે આવું ખરેખર ન હોય. આ તો વાર્તા છે."
બિનીતાએ વહાલથી ચિન્ટુને ગળે વળગાડી દીધો.
