જાદુઈ છડી
જાદુઈ છડી
એકવાર એક રાજકુમાર શિકારે નીકળ્યો. શિકારની પાછળ દોડતા દોડતા તે ઘણો આગળ નીકળી ગયો અને સૈનિકો પાછળ રહી ગયા. રાજકુમાર એક ઝાડ નીચે આરામ કરવા રોકાયો. બેઠા બેઠા થાકને કારણે તે સૂઈ ગયો. આંખ ખુલી તો અંધારું થવા આવ્યું હતું. સૈનિકો ક્યાંય દેખાતા નહોતા. ભૂખ-તરસ અને થાકને કારણે રાજકુમાર આગળ રસ્તો શોધવા લાગ્યો. થોડું આગળ જતાં રાજકુમારને થયું કે તે રસ્તો ભૂલ્યો છે, પણ હવે શું કરવું એ સમજાતું નહોતું. ડર પણ લાગતો હતો.
રાત પડતાં રાની પશુઓના અવાજો સંભળાવા લાગ્યા હતા. ચીબરીના અવાજો વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. રાજકુમારે કંઈક વિચાર્યું અને એક ઝાડ પર મજબૂત ડાળી જોઈ તેની પર બેસી ગયો. ઝાડ પરથી તેણે નજર દોડાવી તો પશ્ચિમમાં થોડે દૂર તેને કંઈ ધુમાડા જેવું દેખાયું. તેને થોડી આશા બંધાય.
'નક્કી અહીં કોઈ રહેતું હોવું જોઈએ અથવા કોઈક મારી જેમ ભૂલ્યુ ભટક્યું હશે, લાવ ને જઈને જોઉં. શું, ખબર કોઈ આશરો મળી જાય અથવા તો જંગલમાંથી નીકળવાનો કોઇ રસ્તો મળી જાય.' આમ મનોમન વિચારતો રાજકુમાર ધીમે રહીને ઝાડ પરથી ઉતરીને તે તરફ ચાલવા લાગ્યો. થોડે દૂર જતાં જ તેણે એક જ દૃશ્ય જોયું. કાળો ઝભ્ભો ઓઢેલો જાદુગર જેવો જણાતો માણસ એક હાંડીમાં કંઈક બનાવી રહ્યો હતો. રાજકુમાર ઝાડની ઓથે લપાઈને ગયો. તેને કંઈક અજુગતું બની રહ્યું હોય એવું લાગ્યું. થોડીવાર ઊભો રહી તે જોવા લાગ્યો. જાદુગર મનોમન કંઈક બબડી રહ્યો હતો. આકાશ તરફ જોઈ રહ્યો હતો અને હાંડીમાં મોટી પરાત લઇ કઈક હલાવી રહ્યો હતો. હાંડીમાંથી જાણે વરાળ નીકળી રહી હતી. થોડીવાર સુધી આમ ચાલ્યું. અચાનક આકાશમાં એક ચમકારો થયો. ચમકતી છડી જેવું કંઈક ધરતી તરફ વેગથી આવી રહ્યું હતું.
નજીક આવતા જ જાદુગરે તેને હાથમાં પકડી લીધી. છડી હાથમાં આવતા તેના આનંદનો પાર નહોતો. તે છડી હાથમાં લઈને લગભગ નાચી રહ્યો હતો અને હાંડીની આજુબાજુ ખુશીનો માર્યો ગોળગોળ ઘૂમી રહ્યો હતો. તે કોઈ અલગ જ ભાષામાં હજી પણ કંઈક બબડી રહ્યો હતો. જાદુગર છડીને હાથમાં લઇ ઘડીકમાં છડીને જુએ તો ઘડીકમાં પૂર્વ તરફ કંઈક નજર દોડાવતો હતો. દૂરથી રાજકુમારને કશું દેખાયું નહીં પરંતુ પૂર્વમાં કંઈક હોવાનો અંદેશો તેને આવી ગયો હતો. રાજકુમાર ઝાડની ઓથે સંતાઈને બધું જોઈ રહ્યો હતો. આગળ જવાની તેનામાં હિંમત નહોતી. જાદુગર જાણે શું કરી બેસે ?
થોડીવાર પછી જાદુગરે છડીને હાંડીની અંદર મૂકી દીધી અને પોતે ત્યાંથી નીકળી ગયો. થોડીવાર સુધી જાદુગર આસપાસ ક્યાંય દેખાયો નહિ. રાજકુમારે હિંમત ભેગી કરી અને તે આગળ વધવા લાગ્યો. હાંડીની નજીક જતાં સુધીમાં તેણે આજુબાજુ ચોકસાઈ કરી લીધી કે કોઈ છે તો નહીં? પરંતુ, ત્યાં કોઈ નહોતું. તેને લાગ્યું કે, જાદુગર ત્યાંથી જતો રહ્યો છે. તેણે હાંડીમાં નજર દોડાવી, કશું દેખાયું નહીં. પેલી છડી જે તેણે જાદુગરને મૂકતા જોઈ હતી તે પણ ગાયબ હતી. હાંડી ખાલી હતી. રાજકુમારને કશું સમજાતું ન હતું. તેણે આજુબાજુ નજર દોડાવી ક્યાંય કશું હતું નહીં. ઝાડી ઝાંખળા અને મોટા મોટા પથ્થરો સિવાય કશું દેખાયું નહીં. કંટાળીને તે એક પથ્થર પર બેસી ગયો. થોડી વારે તેને મનમાં વિચાર આવ્યો કે જાદુગર વારેવારે પૂર્વ દિશા તરફ જોઈ રહ્યો હતો. તેણે પૂર્વ દિશા તરફ નજર દોડાવી આમ તો કંઈક દેખાયું નહીં. પરંતુ
શું કરે, તેણે આજુબાજુ જોયું, પણ ત્યાં પણ કંઈ જ ન હતું. હવે તેને ખૂબ ભૂખ લાગી હતી. તેણે ઝાડ પર ફળ જોયું, તો ભુખને કારણે કંઈ પણ વિચાર્યા વિના તેણે એ ફળ તોડવા હાથ લંબાવ્યો. ત્યાં અચાનક જ ક્યાંથી અવાજ આવ્યો.
"સબૂર, સબૂર" રાજકુમાર ગભરાયો.
"અહીં તો કોઈ દેખાતું નથી, તો આ અવાજ કોનો ?"
પણ કંઈ દેખાયુ નહી એટલે તેણે ફરી ફળ તોડવાનો પ્રયત્ન કર્યો ત્યાં અવાજ આવ્યો.
"સબૂર, સબૂર"
રાજકુમારે કાન સરવા કર્યા. તો એ ઝાડની નીચે તેના પગની પાસે એક નાનકડો છોડ ઊગ્યો હતો, જેના પર એક સોનેરી રંગનું ફૂલ હતું રાજકુમારને છોડ અને ફૂલ બંને કંઈક અલગ લાગ્યા, પણ નક્કી અવાજ તો ત્યાંથી જ આવ્યો હતો. તેણે ફૂલ લેવા હાથ લંબાવ્યો.
"સબૂર, મને હાથ ના લગાડતા. આ ઝાડના ફળને પણ ખાશો નહીં, એ જાદુઈ છે. જો, તમે મને હાથ લગાવશો તો તમે પણ ફૂલ બની જશો અને જો ફળ ખાશો તમે અહીં પથ્થર બની જશો".
"તમે કોણ છો ? આ અવાજ કોનો છે?"
"હું, સિંહગઢ રાજ્યની રાજકુમારી છું. જાદુગરે મને અહીં કેદ કરી દીધી છે. તમે મને છોડાવશો ?"
"પણ, હું જ અહીં જંગલમાં રસ્તો ભૂલી ગયો છું. બહાર જવાનો કોઈ રસ્તો મને જડતો નથી, તો હું તમને કેવી રીતે છોડાવીશ ?"
રાજકુમારીએ તેને છોડવાનો ઉપાય બતાવ્યો તે પ્રમાણે રાજકુમાર તરફ આગળ વધ્યો તેણે હાંડીમાં જોયા વગર હિંમત કરી હાથ નાખ્યો, તો તેના હાથમાં છડી આવી ગઈ. આ છડી લઇ તેણે પેલા સોનેરી ફૂલને અડાડી, તો તરત જ તેમાંથી સુંદર રાજકુમારી પ્રગટ થઈ ગઈ. રાજકુમાર તો રાજકુમારીને જોઈને આભો જ બની ગયો. આખરે રાજકુમારીએ તેની તંદ્રા તોડતા કહ્યું," રાજકુમાર, ચાલો જાદુગર આવે પહેલા આપણે અહીંથી નીકળી જવું પડશે."
"હા, પણ કેવી રીતે ?"
તરત જ રાજકુમારીએ પથ્થરની પાછળથી એક જાજમ કાઢી અને બંને તેના ઉપર બેસી ગયા. પળવારમાં જ જાજમ અને એ બંને આકાશમાર્ગે સિંહગઢ પહોંચી ગયા. રાજા રાણી તો પોતાની દીકરીને હેમખેમ આવેલી જોઈ ખુબ ખુશ થઇ ગયા. થોડા દિવસો તેની મહેમાનગતિ માણી રાજકુમારીને પરણીને રાજકુમાર પણ પોતાના રાજ્યમાં પહોંચી ગયો.
