જાદુઈ છડી
જાદુઈ છડી
રોહનને ફિકશન વાર્તાઓ વાંચવાની ખૂબ ગમે. વાર્તાઓ વાંચી એ સપનામાં પણ એ ફિકશનમાં જ ફરતો હોય. એક વાર આવી જ રીતે એ વાંચતાં વાંચતાં જ સૂઈ ગયો. સૂતો એવો જ એ તો સપનામાં સરી પડ્યો.
રોહન એક સ્ટેજ પર હાથમાં લાકડી લઈ ફરી રહ્યો હતો. એનું સ્ટેજ ખુલ્લા આકાશ નીચે હતું. ફરતાં ફરતાં એણે આકાશ તરફ એક વખત લાકડી ફેરવી એટલી વારમાં આકાશમાંથી એક તારો જાણે ખરતો હોય તેવું લાગ્યું. લોકોએ પણ જોયું અને સૌ આનંદથી ચિચિયારીઓ પાડવા લાગ્યાં. સૌએ ફરીથી રોહનને આકાશ તરફ જાદુઈ લાકડી ફેરવવા કહ્યું. રોહને ખુશ થઈને લાકડી ફેરવી અને ફરીથી એક તારો ખરી પડ્યો.
રોહનને તો મજા પડી ગઈ. એને થયું આ તો સારું કહેવાય. હવે હું ઘરે જઈશ અને મમ્મીને કહીશ. એ લાકડી ફેરવશે અને પછી પોતાના મનની જે ઈચ્છા હશે તે ખરતાં તારાને જોઈ માંગી શકશે. હું પણ મારી આ જાદુઈ છડીને કહીશ તો એ મારું મનગમતું ખાવાનું અને નવાં નવાં કપડાં લઈ આવશે.
રોહને તો જાદુઈ છડી ઘુમાવી અને મોટેથી બૂમ પાડી, "ચલ છડી, મારા માટે મસ્ત પિત્ઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ હાજર કર. એક જોડી સરસ પેન્ટ શર્ટ અને મસ્ત બૂટની જોડી લાવ. ચલ, ચલ, જલદી કર." ત્યાં તો મમ્મીએ એને ઢંઢોળી નાંખ્યો. "અરે રોહન ! કોની પાસે બધું મંગાવે છે ? સવાર સવારમાં આ બધું જંક અને અનહેલ્ધી ફૂડ ખાઈને તારે માંદા પડવું છે કે શું ?"
"હેં મમ્મી ! તું ક્યાંથી આવી ગઈ ? મારી જાદુઈ છડી ક્યાં છે ? અરે ! હું અહીં ક્યાંથી આવી ગયો ?"
"અરે રોહન ! હવે સપનામાંથી બહાર નીકળ. સ્કૂલ જવાનો સમય થઈ ગયો છે." મમ્મીએ એને કહ્યું.
રોહને આંખ ખોલીને આજુબાજુ જોયું તો એ તો પોતાની પથારીમાં હતો. એણે હસતાં હસતાં પોતાના જ માથામાં ટપલી મારી અને ઊભો થઈ બાથરૂમમાં જતો રહ્યો.
