ઈરાની જીવન નૈયા
ઈરાની જીવન નૈયા
શ્યામ આજે બહુજ બેચેન છે. વિહ્વળ છે. દુ:ખી છે. એક ભયાવહ પરિસ્થિતિ ! ઈરાની જીવલેણ બિમારી ! અને પ્રેમની વધુ ને વધુ ઝંખના કરતી ઈરાનાં જીવનની નાવડી જીવન – મરણ વચ્ચે હાલક – ડોલક થતી બેઉનાં જીવનમાં ક્યારેક ક્યારેક તનાવનું સર્જન કરી દે છે.
અનેક પ્રતિકુળતાઓ વચ્ચે પણ શ્યામ પોતાનું ભીતરી ખમીર ને જાળવી રાખીને પણ ઈરા માટે પ્રેરકબળ બને છે. ઈરાને જીવવું છે. એનાં જીવનની નાવ મધદરિયે આવીને જાણે હાલકડોલક થઈને ડૂબવા લાગી છે. શ્યામ ઈરાની સમીપ જ બેસી રહે છે. ઓરડામાં સુંદર મજાનું સંગીત સાંભળીને ઈરા ને નજીક આવેલાં મૃત્યુનો પણ ભય નથી અને પોતાની વેદનાને પણ જાણે અજબની શાતા મળતી હોય એવો ભાસ થાય છે.
ઈરા, “ શ્યામ, અહીં આવોને ! મારી પાસે બેસોને ! કેવી સુંદર રાત છે ! ને એમાંય આ મીઠું મધુરું સંગીત ! બસ તમારો હાથ પકડીને જ મારે આ જીવનરૂપી સમંદર ને પાર કરવો છે. તમારા હાથનાં હલેસાં મને છેક ભવપાર ઉતારશે એની ખાતરી છે મને ! અરે, સાત ફેરા ફરીને મને વાજતેગાજતે લાવ્યા છો ને ! તમારા નામની ચૂંદડી ઓઢી, ચાંદલો પણ તમારા જ નામનો, સેંથીમાં. સિંદૂર પણ તમેજ પૂરીને તમારા જ હાથે મને કંગન પણ પહેરાવ્યાં. આજે ફરી પાછો એજ સાજ સજીને મારે સુહાગણ બનવું છે. અને જેવી રીતે મારો હાથ પકડીને અહીં લાવ્યા હતા એમજ મને હવે ભવપાર પણ કરાવશો ને ?
ઈરા ! તું આમ કેમ બોલે છે ? સાથે જીવવા માટેનાં વચન તો તેં પણ આપ્યા છે ને ? તો પછી આમ મને મઝધારે ડૂબાડીને તારે એકલીને જ ભવપાર તરી જવું છે ? શું તું મને આમ તરફડતો, તડપતો, કે ડૂબતો. મૂકીને જઈ શકીશ ?
ઈરા બોલી ઊઠી, “અરે ! ના. ના. લગ્નજીવનનાં આટલાં વર્ષો આપણે કટુતાભર્યા અને મધુરતાભર્યા પસાર કર્યા છે. પણ સદાય સાથે જ રહ્યાં છીએ. પણ હવે હું એવું ઈચ્છું છું કે હવે તમે બધું જ જીરવો ! મારું. સુખ ને મારું દુઃખ પણ. તો જ હું એક આત્મસંતોષનાં આનંદ સાથે જઈશ કે હું એક એવા પતિની પત્ની છું કે જે બધું જ જીરવી શકે છે અને એવા ગર્વ સાથે તારા હાથે આપેલી વિદાય મારી બધીજ વેદનાઓને તારા પ્રેમનાં પ્રવાહમાં વહી જતી નિહાળી ને આવતાં મૃત્યુ ને પણ સહર્ષ સ્વીકારીશ. બસ તારા જ હાથે મારી જીવન નાવડી ને પાર ઉતારી દે !
શ્યામ ઈરાનાં વેગે ધબકતાં હૈયાને જુવે છે. એનાં ધબકારા ખૂબજ ઝડપથી ધબકી રહ્યાં છે. શ્વાસ અટકવા લાગ્યાં છે. ને ઈરાનું માથું પોતાનાં ખોળામાં લઈને એનાં બંને હાથને પોતાનાં હાથમાં લઈને એની આંખોમાં સજળ નયને જોયાં કરે છે. ને પછી શ્યામ મોં ફેરવીને આંખને ખૂણેથી આંસુ લૂછે છે.
ઈરા, “ અરે, આ શું ? હું તમારી આંખો ને અનુભવું છું. એમાં મેં એક દરિયો જોયો છે ! આંસુનો ? કે પછી યાતનાનો ? ના ના ! સ્નેહનો સાગર જ ઘૂઘવતો જોયો છે. બસ એજ સ્નેહનાં સાગરમાં મારી નાવને ડૂબવા દો આજે ! મને હવે પગરવ સંભળાય છે. પ્રભુ, પ્રેમે સ્વીકારજો !
શ્યામ..... ઈરા.... પ્રિયે.... તારી સામે તો જીવનનો પ્રકાશિત પંથ છે. શ્યામ સમીપે જતાં સુન્દરતાનું સરોવર છલકે છે ને એમાં તારા પ્રેમની ભારોભાર સચ્ચાઈ પ્રગટે છે એવી તારી આ જીવન નાવડી ને હું કેમ ડૂબવા દઉં ?
ઈરા..... એક ડૂસકું શ્યામથી લેવાઈ ગયું જોરથી ! ને અલવિદા..... કહેતી ઈરાની જીવન નૈયા શ્યામ ને મઝધારે મૂકીને સદાને માટે અનંતની વાટે ભવસાગર પાર તરી ગઈ !
