Lalit Parikh

Others Tragedy

3  

Lalit Parikh

Others Tragedy

હીરા જેવી

હીરા જેવી

5 mins
13.9K


મારી દર વર્ષની થતી દેશ વિદેશની સસ્તી-મોંઘી બધા પ્રકારની સુવિધાપૂર્ણ યાત્રાઓમાં દર વખતે એકના એક પ્રભાવશાળી પ્રૌઢ સજ્જનને વારંવાર જોડાતા જોઈ, મને અકારણ જ આશ્ચર્ય અને કુતૂહલ થવા લાગ્યું. આમ તો સામૂહિક પારસ્પરિક પરિચય તો દર યાત્રામાં થતો જ રહેતો એટલે તેમનું નામ તો અલબત્ત મેં જાણી જ લીધેલું-જુગલકિશોર અને તેમનો જુના- પુરાણા મીઠા મધુર અમર ગીતો ગાવાનો શોખ પણ હું જાણી ચૂક્યો હતો. પરંતુ આમ મારી જેમ ટૂરમાં જોડાયા જ કરવાના તેમના શોખની પાછળ તેમનો મૂળ આશય કયો હોઈ શકે તે બાબત હું મનોમન વિચારતો જ રહેતો.

મારા પોતાના આવા શોખ પાછળનું કારણ તો હું જાણતો જ હતો કે સગા વહાલાઓને ત્યાં આ મોઘવારીમાં ધામા નાખવા કરતા, ફરતા રહેવામાં, હું ટૂરમાં જોડાઈ પ્રવાસનો આનંદ જ જીવનનો એક માત્ર આનંદ અનુભવવાનો આદી થઇ ગયો હતો. ગુજરી ગયેલી પત્નીની મીઠી મધુરી સ્મૃતિઓનો સથવારો જ મારા માટે સર્વસ્વ હતું. સદભાગ્યે મને નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે મળતું માતબર પેન્શન મને આર્થિક ટેન્શનથી મુક્ત રાખતું. લંડનના શિયાળાથી બચવા હું દર વર્ષે દિવાળીથી હોળી સુધી ભારત ભાગી આવતો. છેલ્લે એકાદ મહિનો કોઈ રિસોર્ટ જેવા સુંદર વરિષ્ટ નાગરિક નિકેતનમાં સમસુખિયા-સમદુખિયા સાથે રહેવામાં મને વાર્તાઓ પણ મળતી, શાંતિ પણ મળતી અને પ્રસન્નતા ય ભરપૂર મળતી રહેતી.

જુગલકિશોરના ચહેરા પર, તેમની આંખોમાં અને તેમના ગીતોમાં એક હૃદયસ્પર્શી દુખ- દર્દ- વેદનાની મૂક સ્વરાવલી મુખરિત થતી રહેતી. આંખો બંધ કરી જયારે એ ગીતો ગાતા રહેતા ત્યારે એવું પ્રતીત થતું કે તેઓ આંખો જાણે કે પોતાના આંસૂ રોકવા માટે જ બંધ કરતા હોય.

એક વાર મૌનધારી એવા એ મહાશયને મેં હિંમત કરીને પૂછી જ લીધું કે “આમ દર વર્ષે આપને મારી સાથેની ટૂરમાં નિયમિત રીતે જોડાતા જોઇને મને ખુશી પણ થાય છે અને થોડું કુતૂહલ પણ થાય છે. શું શું હું જાણી શકું આનું રહસ્ય ? હું તો વિદેશથી કંટાળી, ત્યાંના ભયંકર શિયાળાથી ત્રાસી, ભારત દોડી આવું છું અને અહીંથી શરૂ થતી આવી બધી જ ટૂરો જોઈન કરતો રહું છું. એકલો છું, પોષાણ પણ છે અને કોઈ રોકનાર નથી એટલે ભારત આવી સહુ મારા સગા વહાલાઓ અને મિત્રોને એક એક બબ્બે દિવસ મળી તેમના સ્નેહનું ભાથું બાંધી આમ કાયમ મનપસંદ પ્રવાસે નીકળી પડું છું. આપ ?”

પ્રત્યુત્તરમાં મારા કુતૂહલને અનાયાસે મળી ગઈ એક દર્દનાક કહાની. ઓછાબોલા એ સજ્જને, જેમને સહુ સહયાત્રી તેમની પાછળ તેમને ‘મૂંગું પ્રાણી’ જ કહેતા, મને તેમની આપવીતી સંભળાવી. મેં તેમની દુખતી નસ દબાવી દીધી હોય તેમ તેમની વ્યથા-કથા ધીર ગંભીર ગમગીન શૈલીમાં પ્રવાહિત થવા લાગી. તેઓ અનેક વાર જે ગીત ગાતા રહેતા તે ગીત જ તેમની કથામાં મને બેક ગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ સાંભળવા મળતું રહ્યું. એ ગીત હતું મોહમદ રફીનું ગાયેલું :-“મૈં ઝિંદગીમેં હરદમ રોતા હી રહા હૂં.”

તેની વ્યથા કથા આ પ્રમાણે હતી:- “હું પણ આપની જેમ નિવૃત્ત ઇન્કમ ટેક્સ અધિકારી છું. પેન્શન પુષ્કળ મળે છે. ગ્રેચ્યુઇટી અને મારા ભેગા કરેલા પ્રોવિડન્ટ ફંડની રકમ ઈત્યાદિથી મેં એક નાનકડું મારા સ્વપ્ન જેવું એક નાનકડું ઘર બાંધ્યું. નામ પણ આપ્યું ‘સ્વપ્નઘર.‘ હોલ-ડાયનિંગ- કિચનઅને બે બેડરૂમ. અમારે એક જ પુત્ર પુનીત હોવાથી અમારા માટે બે બેડ રૂમ પર્યાપ્ત હતા. અમારું બજેટ પણ સીમિત જ હતું. મારે આત્મશ્લાઘા કરવાનો દોષ વ્હોરીને પણ કહેવું જરૂરી લાગે છે કે મેં ક્યારે ય લાંચ-રુશ્વત ન લીધી હતી કે ન લેવાનો વિચાર સુદ્ધા પણ કરેલો. તેના કારણે મારું ટ્રાન્સ્ફર હાલતા ચાલતા અને છાશવારે થયા જ કરતુ રહેલું.

પરંતુ મારી પ્રેમાળ પત્ની પુનિતાએ અમારા સ્થાયી શહેરમાં જ જ રહી-રોકાઈ પુનિતને ભણાવી ગણાવી મોટો ડોક્ટર બનાવ્યો. દીકરો પણ અમારો એટલો સીધો કે કે કોઈ કરતા કોઈ સાથી-ડોક્ટર છોકરીને ન પરણી, અમારી પરખ-પસંદગીની છોકરીને જ ખુશી ખુશી પરણવા તૈયાર થયો.

મારા એક જુના મિત્રની એકની એક દીકરી હીરામણિ સાથે અમે એક બીજાને પસંદ કરી-કરાવી, પુનીત-હીરામણિના, હોંસે હોંસે લગ્ન સંપન્ન કર્યા-કરાવ્યા. આ શુભ પ્રસંગ જોવા માટે જ રાહ જોતી હોય તેમ પુનીતના લગ્નના બે મહિનામાં જ મારી પત્ની હાર્ટ અટેકમાં રાતે ઊંઘમાં ને ઊંઘમાં ગુજરી ગઈ. મારી જીંદગીભરની અમૂલ્ય જીવન- મૂડી રાતોરાત ચોરાઈ ગઈ હોય એવું મેં અનુભવ્યું. જે હીરામણિને અમે હીરો સમજીને હોંસે હોંસે પુત્રવધૂ બનાવીને લાવેલા એ સાસુ ગુજરી જતા જ ઉછ્રંખલ થવા લાગી, ઉડાઉ અને ખર્ચાળ થવા લાગી, મારી આમન્યા રાખવાનું તો દૂર રહ્યું, મારું હાલતા ચાલતા હડહડતું અપમાન સુદ્ધા કરવા લાગી ગઈ.

મારો પુત્ર પુનીત તેને સુધારવાને બદલે તેનો કહ્યાગરો કંથ બની ગયો. હદ તો ત્યારે થઇ ગઈ જયારે તે ઘરમાં અમારી પરંપરાગત ખાનપાન શૈલીમાં પણ ફેરફાર લાવી મને ધર્મસંકટમાં મૂકવા લાગી ગઈ. અમે જૈન, શુદ્ધ શાકાહારી; પણ તે મારા પુત્ર સાથે બહાર હોટલોમાં અને પાર્ટીઓમાં નોન વેજ અને ડ્રિન્ક્સ લેતી થઇ ગઈ ત્યાં સુધી તો હું ચુપ રહ્યો. પરંતુ એક દિવસ તેણે અમારા ઘરમાં જ નોનવેજ પાર્ટી રાખી અને ડ્રિન્ક્સ પણ સર્વ કર્યા ત્યારે મારાથી રહેવાયું નહિ અને મેં ધમકી આપી કે

“મારા જૈન ઘરમાં આવા ધતિંગ નહિ ચાલે.” જવાબમાં એ બોલી :

”તો થાઓ જુદા અથવા ચલાવો તમારું અલગ રસોડું.” માનશો નહિ;પણ તેણે જીદપૂર્વક અમારા ઘરમાં દીવાલ ચણાવી દઈ, મારું જુદું રસોડું શરૂ કરાવડાવ્યું. હું પણ જીદમાં આવી ઘર બહાર જૈન ભોજનાલયોમાં પહોંચી જઈ મને ફાવતું-ભાવતું જમતો થઇ ગયો. ડોક્ટર પુત્ર તો પોતાના વ્યવસાયમાં બિઝી બિઝી હોય અને ઘરમાં હોય ત્યારે બીબીનો ગુલામ બની મારી સાથે સંવાદ સુદ્ધાયનો સંબંધ રાખતો બંધ થઇ ગયો, ત્યારથી મેં આપની જેમ મજબૂર થઈને આ જૈન ટૂર કંપનીમાં જોડાઈ દેશ-વિદેશની ટૂરોમાં ફરવાનું શરૂ કરી દીધુ છે. મારી પરખ ખોટી નીકળી, મારું પારખું મને દગો દઈ ગયું અને હીરો ધારેલી અમારી હીરામણિ કોલસો નિકળી.

જેવા અમારા ગત જન્મના કર્મફળ. પરંતુ મને દેશ-વિદેશની યાત્રાઓમાં શાંતિ મળે છે, આનંદ મળે છે, સહજ વિરક્તિનો અનુભવ થાય છે. મારા શહેરમાં હોઉં છું ત્યારે મારા ‘સ્વપ્ન ઘર’માં આશરો લઇ લઉં છું; પણ તરત જ બીજી અને પછી ત્રીજી અને ચોથી અને પાંચમી એમ એક પછી એક નવી અને ક્યારેક તો જૂની મનપસંદ ટૂરો જોઈન કરતો રહું છું. જેમ રફીસાહેબે ગાયું કે “મૈં ઝિન્દગીમેં હરદમ રોતા હી રહા હૂં ” તેમ હું મનોમન રોતો રહી, પત્નીની યાદોને વાગોળતો, યાત્રા પછી યાત્રા કરતો રહું છું. આમ જ એક દિવસ મારી જીવનયાત્રા પૂરી થશે ત્યારે મારા વીલ પ્રમાણે મારા આ પાર્થિવ શરીરનું જ્યાં પણ હું ત્યારે હોઈશ ત્યાં અને ત્યારે દેહદાન થઇ જશે અને મારી બેન્કમાં બચેલી થોડી ઘણી, બલ્કે ઘણી થોડી બચત અમારા શહેરના વિધવાશ્રમ દાનમાં અપાઈ જશે. આમે ય મેં પત્નીના વીમાની મળેલી રકમ એ વિધવાશ્રમને ત્યારે જ દાનમાં આપી દીધેલી. કોલસો બની ગયેલ હીરા માટે હવે એક જ અંતિમ આશીર્વાદ છે કે ક્યારેક તેને દીકરો જન્મે અને પછી ઈશ્વર કૃપાથી તેની સમજની આંખ ખુલે.”


Rate this content
Log in