હેપી ન્યૂ યર
હેપી ન્યૂ યર
૩૧મી ડિસેમ્બરની સાંજે, નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહેલા અવિનાશે તૈયાર થઈને દર્પણમાં જોયું. 'કેવા વર્ષો હાથમાંથી સરકતા જાય છે' એને થયું' દિવસો જાણે પાણીના રેલાની જેમ વહ્યો જાય છે. જોતજોતામાં ૬૫ વર્ષ પૂરા થઈ ગયા. હવે જ્યારે એકાંતમાં સમય મળે છે ત્યારે હૃદયમાં દટાઈ ગયેલા કેટલાય અધૂરા સંબંધો અને તૂટેલા સપનાઓ વગર આમંત્રણે બહાર આવી જાય છે અને ત્યારે અહેસાસ થાય છે કે પાછળ કેટલું બધું છૂટી ગયું. પત્ની અર્પિતાની અચાનક આ દુનિયાથી વિદાય પછી તો જીવનમાં બારેમાસ પાનખર ઋતુ બેસી ગઈ હોય એવું લાગતું હતું. બંને બાળકો અંકિતા અને વિવેક વિદેશમાં જઈને પોતપોતાના માળામાં સ્થાયી થઈ ગયા હતા. જેમના માટે જીવન વ્યતીત કર્યું એમની જાણે અચાનક જ જીવનમાંથી બાદબાકી થઈ ગઈ હતી. પુત્રી અંકિતા અને પુત્ર વિવેકને પોતાના વતનમાં એકલા પડી ગયેલા પિતા પર અતૂટ પ્રેમ હતો. અંતરમાં લાગણીનો ધોધ વહેતો હતો પણ એ ધોધના પ્રવાહનો, સમય અને સંજોગોને કારણ અવિનાશ સુધી પહોંચવામાં અવરોધ આવતો હતો. પોતપોતાની સાંસારિક જવાબદારીના બોજ હેઠળ બંને બાળકો ઈચ્છે તો પણ એમના લાગણીના ધોધને અવિનાશના હૃદય સુધી પહોંચાડીને એને ભીંજવી નાખવાનો અવસર એમને જવલ્લે જ મળતો. આમાં દોષ માત્ર બદલાયેલા સમય અને સંજોગોનો હતો. અર્પિતાના ગયા પછી બંને બાળકોએ જીદ કરીને અવિનાશ ને વિદેશ પોતાના પાસે બોલાવી લીધો હતો પરંતુ ત્યાંનું જીવન અવિનાશ માટે પિંજરામાં કેદ પંખી સમાન હતું. માટે અવિનાશ બાળકોને સમજાવીને ફરી પોતાના દેશ પરત થઈ ગયો હતો. આધુનિક ટેકનોલોજીનો એટલો આભાર કે અંકિતા અને વિવેક રોજ અવિનાશ ને દિવસમાં ઓછામાં ઓછા બે વખત વિડીયો કોલ કરી લેતા અને એકબીજાની નજીક હોવાનો ભ્રામક સંતોષ માની લેતા. દરેક ફોનમાં બાળકોની અવિનાશ ને પોતાના પાસે વિદેશ આવી જવાની જીદ હતી અને અવિનાશ પણ નાનપણમાં જેમ બાળકોને લોલીપોપ આપીને પતાવી લેતો એમ જ કોઈને કોઈ કારણ ની' લોલીપોપ' આપીને બાળકોને વિદેશ ન આવવા માટે સમજાવી લેતો. પરંતુ બાળકોની પોતાના પિતા પ્રત્યેની ચિંતા અને ફિકર જોઈને અવિનાશ ને થતું કે આવું ક્યાં સુધી ચાલશે ? વિદેશના કલ્ચર મોટા થઈ રહેલા અવિનાશના પૌત્ર-પૌત્રી માટે ભારત આવીને સ્થાયી થવું લગભગ આ શક્ય જેવું હતું જ્યારે અવિનાશ માટે વિદેશ જઈને રહેવું એક સજા હતી. આવી વિકટ પરિસ્થિતિમાં પોતાના પિતા અને બાળકો વચ્ચે સંતુલન જાળવવાના, અંકિતા અને વિવેકનો સંઘર્ષ વિશે અવિનાશ અજાણ ન હતો. શું હવે આ બધુ સમસ્યાનું એક સુખદ અંત આવી જશે ? એમ વિચારીને રહેલા અવિનાશના મોઢા પર આછું સ્મિત આવી ગયું.
દર્પણમાં જોઈ રહેલા અવિનાશ ને સામે દેખાતા એના પ્રતિબિંબમાંથી કોલેજકાળનો અવિનાશ ડોકિયું કરતો દેખાયો અને એને રોમાંચ અનુભવ થયો. એણે પોતાના ડ્રેસિંગ ટેબલમાંથી પોતાનું મનપસંદ કોલેજ સમયનું પર્ફ્યુમ કાઢીને સ્પ્રે કર્યું અને પોતાના ઘરની બહાર નીકળ્યો. એની ચાલમાં આજે એક અલગ જ સ્ફૂર્તિ હતી. અવિનાશની ગાડી ડ્રીમ ડાઈન રેસ્ટોરન્ટની પાસે આવીને ઊભી રહી. આજે ૩૧મી ડિસેમ્બર હતી અને બાળકો રાત્રે બાર વાગે દર વર્ષની જેમ અવિનાશને ન્યુ યર વીશ કરવા ચોક્કસ ફોન કરશે એમ વિચારીને અવિનાશે પોતાના મોબાઈલ પોતાના ખિસ્સામાં બરાબર મુક્યો અને ગાડીની બહાર નીકળ્યો. રેસ્ટોરન્ટમાં જઈને પોતે બુક કરાવી ટેબલ પર જઈને બેસી ગયો. બે ખુરશી વચ્ચે ગોઠવેલી ટેબલ સુંદર રીતે સજાવેલી હતી. હોટલનું વાતાવરણ આહલાદક લાગી રહ્યું હતું. ચારે બાજુ રોશનીથી જગમગી રહેલી હોટલ જાણે આતુરતાથી નવા વર્ષના આગમનની રાહ જોઈ રહી હતી અને અવિનાશની નજર હોટલ ના દ્વાર પર બેબાકડી થઈને કોઈની પ્રતિક્ષા કરી રહી હતી. થોડી જ વારમાં એની પ્રતીક્ષા ને પરિણામ આપતી સામેથી સપના આવતી દેખાઈ. આજે પણ અવિનાશનું હૃદય સપનાની એક ઝલક જોઈને ધબકારા ચૂકી ગયું. દૂરથી આવી રહેલી સપનાની નજર જેવી અવિનાશ પર પડી અને બંનેની નજર મળી સપનાના ચહેરા પર લાલિમા છવાઈ ગઈ. બંનેની નજર મળતા એમની નજર સામે એક સાથે જ કોલેજ સમયનું કેન્ટીનનું દ્રશ્ય છવાઈ ગયું. આવી જ રીતે માત્ર સપના ને નીરખવા અવિનાશ કોલેજની કેન્ટીનમાં બેસતો અને જેવી સપના કેન્ટીનમાં પોતાની બહેનપણીઓ સાથે આવતી આખી કેન્ટીનમાં એક ઠંડી લહેરો મોજુ ફરી વળ્યું. ચોરીછૂપીથી બંનેની નજર મળતી રહેતી. આંખો આંખોમાં બંને વચ્ચે કેટલી વાતો થઈ જતી. બંનેના જીવનનો એ શ્રેષ્ઠ સમય હતો જેની મુદત ખૂબ જ ઓછી હતી. અલગ-અલગ જ્ઞાતિના હોવાથી વડીલોની મર્યાદા અને સમાજના બંધન નીચે બંનેની એક એકબીજા પ્રત્યેની એ કુણી લાગણી ક્યાં દબાઈ ગઈ અને કોલેજ પતતા જ બંનેની દિશા બદલાઈ ગઈ. એક લાંબા અરસા પછી ભીડમાં ખોવાયેલા બંને ઈન્ટરનેટના માધ્યમથી ફરી પાછા મળ્યા અને એ પણ ત્યારે જ્યારે બંનેનું જીવન એકલતામાં ઝૂરી રહ્યું હતું. ધીરે ધીરે બંને વચ્ચે ફરી સંપર્ક બંધાયો અને પોતાના અંતરમાં પડી ગયેલો ખાલીપો પુરાવા લાગ્યો. આજે વર્ષો પછી એ હોટલના ટેબલ પર મળીને બંને એકબીજા સાથે વાતોમાં એટલા મશગુલ થઈ ગયા અને બંને વચ્ચે એ સમયની લાંબી ખાઈ ક્યારે પુરાઈ ગઈ એનો અહેસાસ પણ ન થયો. એકબીજા સાથે મળીને બંને પૂર્ણતાનો અનુભવ કરી રહ્યા હતા જેની સાબિતી તેના ચહેરાના હાવભાવ આપી રહી હતી.
જોતજોતામાં ઘડિયાળના ટકોરે બાર વાગ્યા અને અવિનાશે વર્ષો જુનાપોતાના હૃદયમાં દટાયેલી અધૂરા સપનાને પૂરું કરવા માટે પોતાના ખિસ્સામાંથી એક નાનકડી ડબ્બી બહાર કાઢી એમાંથી રીંગ કાઢીને સપનાની આંગળીમાં પહેરાવી દીધી. સપનાના ચહેરાની લાલાશ એની સહમતી પ્રદર્શિત કરી રહી હતી. અને એવામાં અંકિતા અને વિવેકનો પોતાના પિતાને ન્યુ યર ના અભિનંદન આપવા માટે વિડીયો કોલ આવ્યો. વિડિયો કોલ તો દર વર્ષે આવતો અને આ વર્ષે પણ આવ્યો પરંતુ આ વર્ષનું ન્યૂ યર એ ત્રણેય માટે ખરેખર હેપી હતું. દર વર્ષે એકબીજા સામે ખુશ રહેવાનો મુખવટો પહેરીને મળતા. પિતા અને બાળકો ના ચહેરા પરથી આ વર્ષે એ નકલી મુખવાટો નીકળી ગયો હતો. અવિનાશ અને સપનાને સાથે જોઈને બંને બાળકો અત્યંત ખુશ અને ભાવુક થઈ ગયા. પોતાના પિતાના નિર્ણય પર એમને ગર્વ થયો. જુના વર્ષની સાથે જુના અને સમાજના ખોખલા વિચારો પાછળ રહી ગયા. નવા વર્ષના નવા વિચારો સાથે અવિનાશ બંને હાથ ફેલાવીને પોતાના જીવનને નવેસરથી જીવવા માટે તૈયાર હતો, જેમાં ના તો કોઈ ફરિયાદ હતી અને ના કોઈ અપેક્ષા. હતી, તો માત્ર જીવન જીવવાની ચાહ ! દૂર આકાશમાં થતી આતીશબાજી પર અવિનાશની દ્રષ્ટિ પડી અને ક્યાંક આકાશના સીતારા વચ્ચે અર્પિતાનો મલકાતો ચહેરો દેખાયો. અવિનાશને લાગ્યું કે જાણે એના જીવનમાં આવેલા નવા સંબંધને અર્પિતાની સંમતિની મહોર લાગી ગઈ અને ચારેબાજુ નવો ઉત્સાહ અને નવો ઉમંગ છવાઈ ગયો.
