ગુલાબી
ગુલાબી
બાળ સાહિત્ય બાળકને પાંખ આપવાનું કાર્ય કરે છે અને સરળ ભાષામાં રચાયેલ રચના તેઓ માટે દીવાદાંડી બની વાંચન માટે રુચિ વધારે છે... "સ્ટોરી- મિરર"ના નેજા હેઠળ બાળ કથાઓમાં ફાળો આપવા હેતું થી,આજના પ્રોમ્પ્ટ ને અનુસરીને જોડાક્ષર વગરની અને કુમળા બાળમાનસને શિખામણ આપે તેવી એક પરીકથા રજૂ કરતાં આનંદની લાગણી થાય છે.
---
સિમલા શહેરની આ વાત છે ત્યાં ડુંગર ઉપર એક પૂજારી દાદા હતા. તેઓ સવાર-સાંજ મદિરમાં પૂજા કરે અને મંદિરની પાસે આવેલી ઝૂપડીમાં રહેતા હતા. તેઓએ એક સાંજે મંદિરના પગથિએ એક બાળકી જોઈ. તેના માતા પિતાની ભાળ ન મળતા તેઓ આ નાની છોકરીને પોતાની મંદિર પાસેની ઝૂંપડીમાં લઈ આવ્યા અને દૂધ પાયું. એક દિવસ રાતના આકાશમાં પરીઓ જાદુઈ મોજડી પહેરી ઊડીને વિહાર કરતી હતી, ત્યારે તેમાથી એક પરીએ, આ નાનકડી અને એકલી અટુલી ઢીંગલી જેવી છોકરીને પૂજારી દાદા પાસે જોઈ દયા આવી.આ દયાળુ પરી છોકરી પાસે આવી, તેણે છોકરીને બહેન બનાવવા કીધું. અને તે પરીએ બહેન બનેલી છોકરીને માટે પૂજારી દાદાને એક ગુલાબી રંગનું જાદુઈ ફરાક પહેરવા દીધું.
આમ તે છોકરી, હવે પરીની બહેન બની પૂજારી દાદા સાથે આનંદથી રહેતી હતી. થોડાક વરસોમાં આ છોકરી મોટી થઈ, તેના ગાલ ગુલાબી હતા અને તે“ પરિ” જેવી સુંદર દેખાતી હતી. મંદિરમાં આવતા બધા લોકો આ માયાળું છોકરીને ખુબજ પ્રેમ કરતાં હતા. મંદિરના પૂજારી દાદા ગરીબ હતા તેમની પાસે આ નાની છોકરીને રમવા માટે આપવા કઈ હતું નહીં,પણ તેને તેની બહેન પરી રોજ નિત-નવી પરી-દેશની જાદુઈ કથાઓ કહી સુવડાવતી હતી. આ છોકરીને હવે પરી જેવી બહેનનો સહારો હતો. છોકરીને કઈ પણ ચીજની જરૂર હોય તો, તે જાદુઈ ગુલાબી રંગનું ફરાક પહેરી “ઑ મારી પરી, તું આવ, મારે તારું કામ છે”, એવો સાદ કરતાજ, અને આ પરી તે છોકરી પાસે હાજર થઈ તેને અચૂક મદદ કરતી હતી.
પરી બહેને આપેલા જાદુઈ ફરાક પહેરી, કોઈ ચીજની જરૂર હોય તો માંગે તો. દાદા અને છોકરી સામે તરત હાજર થઈ જતું હતું. પૂજારી દાદા અને આ છોકરી સંતોષી હતા એટલે જરૂર વગર પરીને હેરાન નહતા કરતાં. આ જાદુઈ ફરાક મેળવી છોકરી અને તેના પૂજારી દાદા મજા કરતાં હતા. આ જદૂઈ ફરાક કદી મેલુ થાય નહીં,ફાટે પણ નહીં એવું હતું, અને જેમ તે છોકરી મોટી થાય. તેમ તેમ તેમાં માપ મુજબ મોટું થતું રહે તેવું અજીબ હતું. આ ગુલાબી જાદુઈ ફરાક તે છોકરીની સુંદરતમાં વધારો કરતું હતું. હવે આખો દિવસ છોકરી તે “ગુલાબી” ફરાક પહેરી ફરતી હતી. ગામના લોકો બધા હવે તેને “ગુલાબી” કહી બોલાવતા હતા.
દિવાળીના દિવસો હતા અને ડુંગરની તળેટીના એક બહેને દાદાને કહ્યું તમારી દીકરીને મારે ત્યાં મોકલો, મેં મેથીના ગોટા, બુંદીના લાડુ અને દૂધ પૌંવા બનાવ્યા છે, તે હું તેની સાથે તમારા લોકો માટે મોકલાવીશ. તમે લોકો દિવાળીમાં ખાજો અને મજા કરજો. પૂજારી દાદાએ “ગુલાબી”ને કહ્યું જા, દીકરી આ “બા”ની સાથે અને ઝટ પટ સાચવીને પાછી આવી જજે.
“ગુલાબી”, તે બહેન સાથે ડુંગરની નીચે તળેટીમાં જાય છે, બેન “ગુલાબી”ને મેથીના ગોટા તથા બુંદીના લાડુની છાબડી અને દૂઘ પૌંવાનો દાબડો આપે છે. અને “ગુલાબી”ને શિખામણ આપે છે દીકરી સાંજ થવામાં આવી છે માટે આડું અવળું જોઈશ નહીં. રોકાયા વગર સીધી દાદા પાસે પહોચી જજે. દાદાને ખવડાવી પછી તું ખાજે, તે પહેલા કશુજ ખાઈશ નહીં.
હું તમે કીધું તેમજ કરીશ, “ગુલાબી”એ તે બહેનને કહ્યું, અને“બાય બાય”, કહી પાછી મંદિરે આવવા નીકળી. એક કિલોમીટરની વાટ હતી. અને તેના હાથમાં દૂધ પૌવાંનો દાબડો હતો અને બગલ થેલામાં મેથીના ગોટા અને બુંદીના લાડુની છાબડીનું વજન હતું, છતાં ગુલાબી ઝડપી પડે ચાલી રહી હતી.
મંદિરની વાટમાં “ગુલાબી”ને,શિયાળ મળ્યું. “ગુલાબી”ને ખબર નહતી કે, આ શિયાળ કપટી જાનવર છે, તેથી ભોળી “ગુલાબી”ને શિયાળની બીક નહતી. તે તેનાથી બિલકુલ ડરતી નહતી.
અરે “ગુલાબી” ગુડ-ઈવનિંગ,શિયાળે ખંધાઈથી હસતાં,”ગુલાબી”ને કહ્યું.
“ગુલાબી”ના એક હાથમાં દૂધ પૌવાંનો દાબડો હતો, એટલે એક હાથ છાતી ઉપર મૂકી શિર જુકાવી, બોલી "આભાર માયાળુ શિયાળ".
"આટલી મોડી અને એકલી કેમ ?,એતો હું તળેટીમાં દાદા માટે ખાવાનું લેવા ગઈ હતી. ઓહ સરસ, “તો,તું શું ખાવાનું લઈને જાય છે ?" આ તારા હાથના દાબડામાં શું છે ?
"અરે, મારા હાથના દાબડામાં દૂધ પૌવાં છે પણ આ બગલ થેલામાં તો ગરમા ગરમ મેથીના ગોટા અને બુંદીના લાડુ છે. આ પોચી વાનગી મારા દાદાને ગમે છે."તેઓ આ ખાઈ શકશે.
"તારા આ દાદા ક્યાં રહે છે, “ગુલાબી”?"
"સામે ડુંગર ઉપર ધજાવાળા મંદિરની પાસે આવેલા વડના ઝાડની બાજુમાં આવેલી ઝૂપડીમાં અમે રહીએ છીએ, ચાલતા ચાલતા “ગુલાબી”એ શિયાળને ભોળા ભાવે કીધું.
કપટી શિયાળને થયું, આજે મજા પડી જાય તેવું છે, એક તો પૂજારી દાદા અને “ગુલાબી” જેવી કુમળી સરસ વાનગી અને પાછું મુખવાસમાં ગરમા ગરમ મેથીના ગોટા, બુંદીના લાડુ અને દૂધ પૌવાં.. તેણે વિચાર્યું કે શું કરું? તો, આ તાજા ખાવાના સાથે દાદા ને “ગુલાબી” એમ બંનેને પકડી ખાઈ શકાય. તેથી આ કપટી શિયાળ ગુલાબીની સુંદરતાના વખાણ કરતો હતો. તું તો "પરી" જેવી સુંદર છે, મને તારો ભાઈ બનાવીશ ? હું તારા જેવી સુંદર પરીનો ભાઈ બનવા માગું છું. ભોળી “ગુલાબી” બોલી “જરૂર ભાઈ મને પણ તમારા જેવો બહાદુર ભાઈ મેળવી આનંદ થયો”. આવી મીઠી અને અલક મલકની વાતો કરતાં “ગુલાબી”ની સાથે શિયાળ ચાલતો હતો. થોડા દૂર ગયા પછી તેણે “ગુલાબી”ને કહ્યું, અરે “ગુલાબી” જોતો ખરી, અહીં કેટલા સુંદર ફૂલો છે. સાંભળ તો ખરી પેલી કોયલ કેટલું મીઠું ગાય છે, તું તો ભારે ઉતાવળી છે !. ‘વાતાવરણનો, આનંદ માણીશ તો તને સફર ટૂંકી લાગશે"
શિયાળભાઈની વાતમાં આવી જઈ “ગુલાબી”એ, તેની આંખો આમ તેમ ફેરવી જોયું તો ઢળતી સાંજે જોવું – સાંભળવું ગમે તેમ પંખીઓ કિલકિલાટ કરતાં માળામાં જતાં હતા અને આખીય તળેટીમાં સુંદર ફૂલો અને તેની ઉપર રંગબેરંગી પતંગિયા ઉડતા હતા, તે આ જોતી જોતી ચાલતી હતી, તેણે વિચાર્યું, જો હું થોડા તાઝા ફૂલ તોડી લઉં તો મારા દાદાને ગમશે અને તેઓ પૂજામાં વાપરી શકશે. આમ આવા વિચારે તે ફૂલ વીણવા રોકાઈ.
આ દરમિયાન કપટી શિયાળ માસૂમ “ગુલાબી”ની નજર ચૂકવી ચૂપચાપ, સીધું મંદિર પાસેની ઝૂપડીએ પહોચી ગયું, કપટી શિયાળે “ગુલાબી”ના અવાજમાં ઠાવકાઈથી હાક મારી. "દાદૂ, દરવાજો ખોલો તો."દાદાએ કીધું આવ મારી વહાલી “ગુલાબી”,હું સૂતો છું, પણ હડસેલો માર, દરવાજો ખૂલી જશે, કપટી શિયાળ લપાતા પગે ચૂપચાપ સીધા દાદાના પલંગ પર ગયું, અને પૂજારી દાદાને ખાઈ ગયું. પછી તેણે દાદાના કપડાં પહેરી લીધા. ભારે ખાધું હોવાથી ઘેનમાં પડી દાદાના પલંગ ઉપર સૂઈ ગયું..
આ બાજુ “ગુલાબી” ફૂલો ચૂંટવામાં મશગુલ હતી, તેણે જાસૂદ,મોગરો જૂઈ, પારિજાત અને ચમેલીના કેટલાક સુંદર ફૂલો એકઠા કરી ઝાડના પાંદડામાં બાંધી સાચવીને બગલ થેલામાં મૂક્યા. "ગુલાબી"એ, શિયાળભાઈને શોધવા બૂમ પાડી, પણ કોઈ જવાબ ન મળતા, દાદૂ ઘેર ભૂખ્યા થયા હશે તે યાદ આવતા, સીધી દોડતી તેની ઝૂંપડીએ આવી જુવે છે તો, ઝૂંપડીનો દરવાજો ઉઘાડો હતો. “ગુલાબી”ને આમ દરવાજો ઉઘાડો જોઈ નવાઈ લાગી. તેને ઝૂંપડીની અંદરથી ખરાબ ગંધ આવતી હોય તેવું લાગ્યું. ”ગુલાબી”એ દીવો પેટાવીને, દાદાને બૂમ પાડી, ઑ દાદુ.. ચાલો જમવા, મને જોરથી ભૂખ લાગી છે, પણ તમને જમાડયા વગર મને આંટીએ ખાવાની ના કીધી છે.. ઝડપથી આવો. ગુલાબી પલંગ ઉપર દાદાના કપડામાં સૂતેલા શિયાળને દાદા માનીને કીધું. પણ કપટી શિયાળનું પેટ પહેલેથી ભરાયેલું હતું, એટલે તે સૂતો હતો. “ગુલાબી”એ બે વાર બૂમ પાડી તોય દાદા ના ઉઠ્યા, એટલે તે દાદાને જગાડવા પાસે પલંગમાં ગઈ. દાદાના માથે તેનો નાનો હાથ મૂકે છે. તેને નવાઈ લાગે છે. દાદાને માથે તો હવે લાંબા વાળ હતા.“ગુલાબી” બોલી ઑ.. દાદુ આટલા લાંબા વાળ કેવીરીતે ઊગી ગયા ?. થોડો હાથ નીચે ફેરવતા “ગુલાબી” બોલી અરે દાદુ તારા તો કાન પણ મોટા થઈ ગયા છે ! કપટી શિયાળ બોલે છે આવ “ગુલાબી” તું મારી નજીક આવ, મારે તને નજીકથી જોવી છે મારે તને ગળે લગાવવી છે તું મારી વાહલી દીકરી છે. શિયાળે દાદાના અવાજની આબેહૂબ નકલ કરી “ગુલાબી”ને તેની પાસે ખેંચી, તે “ગુલાબી” ને પણ આરોગી ગયો.પણ શિયાળના પેટમાં પહોચે તે પહેલા, "ગુલાબી"એ મોટે અવાજે પરીને મદદ માટે આવવા બૂમ પાડી દીધી હતી. કપટી શિયાળે આજે તેની ભૂખ કરતાં વધુ ખાધું હોવાથી તે ઘેનમાં હતો, એટલે કપટી શિયાળને કાને “ગુલાબી”ની પરીને પડેલી બૂમ સંભળાઈ નહીં. મેથીના ગોટા, લાડુ અને દૂધ પૌવાં સવારે ખાઈશ તેવા વિચારે કપટી શિયાળ ફરીથી ઝૂપડીની અંદરજ દાદાના પલંગ ઉપર મોજથી સૂઈ ગયો. હવે આ કપટી શિયાળ કોઈ ફિકર વગર ઊંઘમાં ખૂબ જોરથી નસકોરા બોલાવતો હતો.
હવે વાત એમ બની કે. પરીએ ગુલાબીની બૂમ સાંભળી, તે સીધી જાદુઈ મોજડી પહેરી પૂજારી દાદાની ઝૂંપડીની પાસે આવી. પરીને ઝૂપડીમાથી મોટા નસકોરા સાંભળી નવાઈ લાગી. પૂજારી દાદા અને ગુલાબીના આવાસમાં આવા જંગલી જાનવરના નસકોરાં ક્યાંથી ? તેથી તેણે અવાજની દિશામાં ઝૂપડીમાં આવીને પલંગ પાસે જઈ જોયું,તો એક મોટું મસ જંગલી શિયાળ નસકોરા બોલાવતું ઊઘતું હતું. પરીને શિયાળના કપટની તરત ખબર પડી ગઈ. આ કપટી શિયાળને જોતાં-વેત પરી તેને ઓળખી ગઈ. આ એજ કપટી શિયાળ હતું જેને ભગવાનના ડર વગર ઘણા માસૂમ બાળકોના તળેટીમાં જાન લીધા હતા. પરી ઘણા સમયથી આ કપટી શિયાળને સજા આપવા શોધતી હતી. અને આખરે અંહી ઝૂંપડીમાં તેનો ભેટો થવાથી પરી હવે આનંદમાં હતી.
પરીએ તરતજ, એક શિકારીનો વેશ લીધો. પરીએ પહેલા જાદુથી બંદૂક લઈ શિયાળ ઉપર ગોળી ચલાવા જતી હતી, અને તેને વિચાર આવ્યો, આ પાપી તો તેની બહેન ગુલાબી અને પૂજારી દાદાને પેટમાં આરોગી ગયો છે. કપટી શિયાળ સાથે બિચારી “ગુલાબી” અને પૂજારી દાદા પણ, તેની બંદૂકની ગોળીથી મરી શકે તેમ છે. એટલે પરીએ ગોળીબાર ન કર્યો, પરંતુ હવામાં હાથ હલાવી જાદુથી મોટી કાતર પરી-દેશમાથી મંગાવી અને તે કાતરથી, તે સૂતેલા કપટી શિયાળના પેટ પર નાનો કાપ મૂક્યો તો, તેણે શિયાળના પેટમાં તેનું “ગુલાબી”ફરાક જોયું. પરીએ તેથી તરત મોટો કાપ મૂકી તેમાથી “ગુલાબી” ને બહાર કાઢી. ટુકડા થયેલી ગુલાબીને જાદુઈ જળ વડે જીવિત કરી. હવે “ગુલાબી”, તેના દાદાને ન જોતાં રડતી હતી. તેમજ, પરી શિકારીના વેશમાં હોવાથી ગુલાબી તેની મોટી બહેન પરીને ઓળખી ન શકી. તે રડતાં રડતાં બોલી ઓ દયાળુ શિકારીકાકા, જુઓ આ શિયાળભાઈ કપટી છે, તેઓ મારા દાદુને પણ ખાઈ ગયા લાગે છે, શિકારીના વેશમાં રહેલી પરીએ વધુ મોટો કાપ મુકતા “ગુલાબી”ના પૂજારી દાદાને પણ બહાર કાઢી જાદુ વડે જીવતા કરી દીધા. તેટલામાં થાકેલી અને ગભરાયેલી “ગુલાબી’ઝૂપડીની બહાર દોડી વજનદાર નાના પથરા ભેગા કરી લાવી, અને શિકારીકાકાને,તે શિયાળના પેટમાં ભરવા કહી, તેણે શિયાળનું પેટ સીવવા ઝૂપડીમાંથી સોય દોરી આપ્યા. શિકારીના વેશમાં રહેલી પરીએ પળના વિલંબ વગર, બધાજ પથરા શિયાળના પેટમાં ઠાંસી ઠાંસી ભરી દીધા અને તેનું પેટ સીવી લીધું. શિયાળનું ઘેન ઉતરતા તે જાગી ગયો હતો,તેણે શિકારીને બંદૂક સાથે જોયો. શિકારીની બંદૂકથી ડરી, કપટી શિયાળ ઊભું થઈ ભાગવા માંગતું હતું, પરંતુ પેટમાં રહેલા વજનદાર પથરાના વજનના લીધે તેનાથી ઊભા ન થવાયું અને તે તરફડી મરી ગયો. તે પછી શિકારીના વેશમાં રહેલી પરીએ મરેલા કપટી શિયાળને ઉઠાવી ઝૂંપડીની બાહર ઊંડી ખીણમાં નાંખી દીધો.
“ગુલાબી”, અને પૂજારી દાદા હવે,હાથ પગ ધોઈ શિકારી કાકાની સાથે જમવા માટે રાહ જોતાં હતા, તેટલામાં ઝૂંપડીમાં ચમકારો થયો, અને શિકારી કાકા ઝૂંપડીમાં આવી ઊભા હતા. ગુલાબીની ચકોર નજર શિકારી કાકાના પગમાં પહેરેલી ઊડતી મોજડી ઉપર પડી, તે તેની બહેન પરીને ઓળખી ગઈ હતી. હવે પરી તેના અસલ રૂપમાં આવી હતી. બધા ભેગા મળી આનંદથી મેથીના ગોટા, બુંદીના લાડુ અને દૂધ પૌવાં ખાધા. આજે પરી ઘણીજ ખુશ હતી, તેને આજે ઘણા સમયથી લોકોને રંજાડતા શિયાળનો શિકાર મળી ગયો હતો. “ગુલાબી”એ પરીએ કરેલ મદદ બદલ તેનો આભાર માની, અને બોલી, " ઓ દયાળુ પરી બહેન, લો આ તમારું આપેલું "ગુલાબી"જાદુઈ ફરાક, પરત. મારા દાદુની સૂચના નું હવેથી હું, હંમેશા પાલન કરીશ કહેતા તેનું જાદુઈ ગુલાબી ફરાક પરીને પાછું આપી,તેના જેવી બીજી છોકરીને તે આપી મદદ કરવા વિનંતી કરી. પરી ગુલાબીની ભાઈચારાની ભાવનાથી ખૂબ ખુશ થઈ, અને એક ચપટી વગાડી મરેલા શિયાળના ચામડામાંથી સરસ રૂંછાદર બનાવેલો ડગલો આપી આકાશમાં તેને ઘેર જવા રવાના થઈ. તે સમયે "ગુલાબી" દાદાને ફૂલનો પડિયો આપી, તેમને વળગતા બોલી, “ ઓ “દાદુ” “માફ કરજો ફરીથી હું ક્યારેય આવી રીતે વાટમાં રોકાઈશ નહીં”. ચાલો, મોડી રાત થઈ છે. આપણે સૂઈ જઈએ.
