ગોવિંદ
ગોવિંદ


ભોગીભાઈના પત્ની કાન્તાબેન,દીકરા મોહનને પાંચ વર્ષનો મુકીને અનંતની વાટે ચાલી નીકળ્યા. ભોગીભાઈ ભગવાનનું માણસ. ગામમાં એમની નાની સરખી દુકાન. ઘરાક ન હોય ત્યારે ભજન ગાતાં બેઠા હોય. દુકાનમાં ગલ્લાની સામે જ ગોવિંદની છબી. ગોવિંદને સાક્ષી માનીને પ્રામાણિકતાથી વેપાર કરે.મોહન શાળાએથી આવી દુકાને પિતા સાથે બેસે.
રોજ રાત્રે વાળું પાણી કર્યા પછી ભોગીભાઈને ત્યાં ગામના લોકો આવે,ભોગીભાઈના ભજન સાંભળવા. મધુર સ્વરે ગોવિંદના ભજન ગાઈને વાતાવરણ ભક્તિમય બની જાય. આમ બાપ દીકરાનું ગાળું ગબડતું હતું.
અચાનક કોણ જાણે કુદરતને શું વિચાર આવ્યો કે, ભોગીભાઈની પરીક્ષા લેવાનું મન થયું ! શાળામાં મોહનને ચક્કર આવતાં પડી ગયો. બાજુનાં શહેરમાં ડોક્ટરને બતાવ્યું. અમુક ટેસ્ટ કર્યા પછી નિદાન કર્યું, બ્રેઈન ટ્યુમર. જેમ બને તેમ જલ્દી ઓપરેશન કરાવવું પડે. ખર્ચો રૂપિયા પાંચ લાખ. સાંભળતાં જ ભોગીભાઈ હતભ્રત. આટલા રૂપિયા લાવવા ક્યાંથી ?
ભોગીભાઈ વિચારને ચકડોળે શું કરું ? પૈસાના અભાવે દીકરાને મોતના મુખમાં ન ધકેલાય. પત્નીને અંતિમ સમયે આપેલું વચન, મોહનને સારી રીતે ઉછેરવાનું, ઉની આંચ પણ ન આવવા દેવાનું. યાદ કરી હિંમત રાખી ઘરે આવ્યા. ગોવિંદની છબી આગળ દિવો કરી કહ્યું,"હે ગોવિંદ, આજ સુધી તારી ભક્તિ કરી છે, કોઈ દિવસ કંઈ જ માગ્યું નથી. મારી સ્થિતિ તો તું જાણે જ છે. મારો મોહન તને સોંપ્યો. મારી જિંદગી એને દઈ દે અને એનો રોગ મને અથવા પૈસાની જોગવાઈ કરી
દે." આટલી પ્રાર્થના કરી ભોગીભાઈ હળવા થઈ ગોવિંદનું નામ લેતા લેતા સુઈ ગયા.
ઉંઘમાં જ એમને ગોવિંદના દર્શન થયા,જાણે એને ઉઠાડીને કહી રહ્યા,"ઉભો થા, વાડામાં આંબાના ઝાડ નીચે ખોદ. અત્યારે જ જા." આવું વારંવાર દેખાતા સફાળા જાગ્યા. ગોવિંદ પર ભરોસો રાખી ખોદકામ કર્યું તો રૂપિયા ભરેલો ચરૂ.પૂરા પાંચ લાખ રૂપિયા.ભોગીભાઈ તો જોઈને આભાજ બની ગયા.ઘરમાં જઈ ગોવિંદની છબી આગળ ચરુ મુકતાં જ ચોધાર આંસુડે રડી પડ્યા,"મારા વ્હાલા મારી ભીડ ભાંગી."
બીજે જ દિવસે ભોગીભાઈ મોહનને લઈને ગયા. ઓપરેશન થઈ ગયું. મોહન સ્વસ્થ થયો. ભણતર પુરું કરી પિતાની દુકાન સંભાળી. લગ્ન કર્યા. પિતાને આરામની જિંદગી આપી. ભોગીભાઈ અને એમનો પરિવાર કાયમ ગોવિંદની ભક્તિ કરે. રોજ ભજનનો કાર્યક્રમ ચાલુ અને ગોવિંદ પર અતૂટ વિશ્વાસ.