ગાંઠ
ગાંઠ


"હીરા, મળ્યો કે નહીં?"
"ના બા, શોધું જ છું."
આજ દાગીના ભરેલો બટવો જડતો નહોતો.
હીરાએ સાડીના છેડે ગાંઠ વાળી.
"મા કહેતી કે ગાંઠ વાળીએ તો તરત વસ્તુ જડી જાય."
"હીરા, નિરાંત કરીને ક્યાં સ્થપાઈ ગઈ? બટવો નહીં જડે તો જોઈ લેજે."
અને હીરાએ વળતા શ્વાસે બધા ખાનાં ફરી એક વાર જોયાં.
હવે છેલ્લે પતિના કબાટનાં ખાનાં ખૂલતાં ગયાં.
હાથમાં બટવો આવતાં હીરા આશ્ચર્યમિશ્રિત ખુશ થઈ.
"લે, આ બટવો અહીયાં?"
બટવાની બાજુમાંથી એક મોબાઈલ ફોન હાથમાં આવ્યો.
"આ વળી એમનો કયો નંબર?"
આમતેમ મચડતાં ચાલુ થયેલા ફોનમાં એક જ નામના મેસેજની આપ-લે હતી.
"હાય પ્રિયા ડાર્લિંગ,
મિસિંગ યુ વેરી મચ."
"હાય કુમાર,
જલ્દી મળીએ એવું કંઇક કર ને!"
"સ્વીટી, જો બે દિવસ પછી લોકરમાંથી દાગીનાનો બટવો લાવવાનું બા એ કહ્યું છે. મારી ગમાર પત્ની ભુલકણી છે. એનાથી એ દાગીનાનો બટવો ચોક્કસ ખોવાઈ જશે. સમજી ને?
આપણે ટેક્સીસ્ટેન્ડ પર મળીશું અને આપણેય ખોવાઈ જઇશું."
પછી હસતો બાબલો દોર્યો હતો.
જવાબમાં સીધો અંગૂઠો હતો.
રાત્રે બા એ પતિને વધામણી આપી,
"બટવો મળી ગયો હોં કે!"
અને..
પતિના હાથમાંથી કોળિયો પડી ગયો.
હીરાએ સાડીના છેડે વાળેલી ગાંઠ ખોલી નાખી. સાથે મનમાં એક ગાંઠ ઝનૂનથી વાળી લીધી.