STORYMIRROR

DIPIKA CHAVDA

Others

4  

DIPIKA CHAVDA

Others

એક અધૂરી જિંદગી

એક અધૂરી જિંદગી

8 mins
490

ઊર્જા આજે પોતે વિતાવેલા વર્ષો નું જાણે સરવૈયું કાઢવા મથે છે. પણ કેવી રીતે થઈ શકશે ? કેવી હતી આ જિંદગી ? ક્યાં વર્ષો વહી ગયા એની ખબર જ ના પડી. અને આજે તારીખ ૧/૧/૨૦૨૦. નું નવું ને નવલું વર્ષ આવી પહોંચ્યું. નોકરીનાં બત્રીસ વર્ષ ...! ઓહહ જાણે પલક ઝપકતાં જ નીકળી ગયા હોય એવો ભાસ થાય છે. આજે શિક્ષિકાની નોકરી કરતાં કરતાં જાણે બત્રીસ વર્ષોનાં વહાણાં વાઈ ગયા અને આવી ગયું આ છેલ્લું નિવૃત્તિનું વર્ષ.

“ ના હું કદી નિવૃત્ત થઈશ નહીં. મારે વિદાય નથી લેવી.હું તો આ શાળા નો જ એક હિસ્સો છું ને સદાય રહીશ. કામ એજ મારો શ્વાસ છે. અને જો કામ નથી તો હું પણ નથી. “ 

હંમેશાં આમજ કહેતી ઊર્જા નિવૃત્તિની વાતથી જ ઉદાસ બની ગઈ. હવે શું થશે ? આ ચિંતા એનાં હૈયાને કોરી ખાતી હતી. પગાર બંધ ને માત્ર પેન્શની જ આવક ! સ્ટાફમાં પણ કોઇ ઊર્જાની નિવૃત્તિથી ખુશ નો'તું. પણ સરકારી નિયમ પણ હોય ને ! એને તો અનુસરવું જ પડે ને ! જાન્યુઆરી, ફેબ્રુઆરી, ગયો ને માર્ચ આવ્યો. હવે બસ એપ્રિલનાં અંતમાં નોકરી પૂરી... ! મનમાં ને મનમાં થતું કે આ શાળામાં હવે હું નોકરી કરવા નહીં આવું ?

ને ત્યાં તો વાયુવેગે એક એવી ખબર આવી ગઈ કે જાણે બધાનું જીવન સ્થિર થઈ ગયું. આખા વિશ્વમાં ‘ કોરોના ‘ નામના રોગે ભરડો લઈ લીધો હતો. અને આપોઆપ જ વગર વિદાય લીધે પણ શાળામાંથી વિદાય લેવી પડી. શાળાઓને બંધ કરવી પડી. લોકડાઉન આવ્યું, અને જાણે આખું શહેર ઘરમાં જ કેદ થઈ ગયું હતું. જાણે બધાને એક સાથે નિવૃત્તિ મળી ગઈ ..!!

ખરેખરી મુશ્કેલી હવે શરૂ થઈ છે ઊર્જા નાં જીવનમાં. એક તો ઘરમાં જ રહેવાનું, લોકડાઉન ને કારણે બધું જ બંધ થઈ ગયું છે. બજાર બંધ, ઘરે બેસીને કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો પણ કેમ કરે ? માર્ચ ગયો ને એપ્રિલ પણ ગયો બસ આમજ. અને એકાએક જ ઊર્જાનાં પતિ દિનેશની તબિયત બગડી. કોરોના નાં ડર ને કારણે દવાખાને જતાં ડરે. અને ઊર્જાનું કીધું સાંભળે જ નહીં ને ! પતિની તબિયતને લીધે ઊર્જાની ચિંતા વધતી ગઈ .હું એકલી કેમ કરીને બધું સંભાળીશ ? હવે ? શું થશે ? ચિંતા તો મારો પીછો જ નથી છોડતી ! 

ઊર્જા એ બહુજ ધીરજથી દિનેશ ને સમજાવી ને કહ્યું કે, 

“ તમને કોરોના ક્યાં થયો છે ? તમે એવું કેમ માની લો છો ? એકવાર ડોક્ટરને બતાવી તો જુવો. “ પણ માને તો દિનેશ શાના ? બસ ના તો એ કોઈનું માને કે ના કોઈનું સાંભળે. એજ સમયમાં એમની સોસાયટીમાં બધા લોકો રોજ સવાર સાંજ ભેગાં મળીને બેસે. વાતો કરે. અને કોઈ એક નાં ઘરેથી નાસ્તો બનીને આવે ને પછી બધા સાથે મળીને ખાય. લોકડાઉન ને કારણે બધા પુરુષો ઘરે જ હોવાથી એમની તો જાણે રોજ સભા ભરાતી. 

દિનેશની તબિયતમાં સુધારો થતો નો'તો. મે મહિનો પણ આમ જ પસાર થઇ ગયો. પણ ના તો દિનેશની ઉધરસ મટે, ના કફ ઓછો થાય, ને ના તાવ ઓછો થાય. દિનેશ ને ખાવાનો બહુજ શોખ. એટલે બધાની સાથે બેસીને આવી તબિયત હોવા છતાંય તીખો ને મસાલેદાર ખોરાક તો ખાતો જ વળી ! હવે પથારીમાં જ પડ્યાં રહેવાનો વારો આવ્યો. અચાનક જ ક્યારેક આંખે અંધારા આવી જાય, તો ક્યારેક ગભરામણ થવા લાગે. બેસી પણ ના શકે ને સૂઈ પણ ના શકે. ખાઈ પણ ના શકે. મોઢામાં અન્ન નો દાણો પણ ના જાય. છતાંય પોતાની જિદ્ થી દવાખાના સુધી જવા તૈયાર ના થયા.

 ઊર્જા ને દિનેશ બે જ ઘરમાં રહેતાં હતાં. ઊર્જા રાત દિવસ દિનેશની સેવા કરે. દિનેશ જેમ કહે તેમ કરી આપે. પણ બિમારી એ દિનેશ નો સ્વભાવ વધારે ખરાબ કરી દીધો હતો. પેટમાં માત્ર પ્રવાહી જ પરાણે જતું એટલે તબિયત માં કોઈજ સુધારો થયો નહીં. ઊર્જા ફોનથી બધા સમાચાર એના દીકરાને આપતી રહેતી. દીકરાને નોકરીમાં રજા મળે એમ નો'તી, એટલે એ અહીં આવી શકે તેમ નથી, એટલે એની મમ્મી ને એ સતત દબાણ કરીને કહેતો રહે છે કે તું પપ્પાને લઈને અહીં આવી જા. અહીં એમની દવા કરાવીશું. ઊર્જા નો દીકરો સિવિલ હોસ્પિટલમાં જ નોકરી કરતો હોવાથી ત્યાં એની નજર હેઠળ સારવાર થઈ શકે .પણ મા તો મા છે ને ! કેમ કરીને દીકરાને કહે કે બેટા તારા પિતાની હાલત એટલી હદે ખરાબ છે કે હવે કદાચ એ વધારે જીવી પણ ના શકે ! એ હાલ જીવન મરણ વચ્ચે જોલાં ખાય છે. છતાંય મન મક્કમ કરીને એટલું તો કહી જ દેતી કે, 

“ ના હું એમને લઈને ત્યાં તો નહીં જ આવું ! એમને કાંઈ થઈ જાય તો ?” અને પોતાનાં મનમાં તો સતત એક જ ચિંતા રહેતી કે હવે શું થશે ? હું શું કરું ? 

 આમ ને આમ દિવસો પસાર થતા ગયા. ઊર્જા સતત દિનેશની સેવામાં જ લાગેલી રહેતી. બેઉ દીકરીઓ બે ચાર દિવસે આંટો આવતી પપ્પાની ખબર કાઢવા માટે. અને મમ્મી ને બહારથી જે લાવવું હોય તે પણ લાવી આપતી. બધા એ ખૂબજ સમજાવ્યા પછી દિનેશને ખુદ ને એમ લાગ્યું કે હવે મારી હાલત વધારે બગડતી જાય છે ને કદાચ મને કાંઈ થઈ જશે તો ? મારે મરવું નથી, હજુતો જીવવું છે મારે ! અને એમ વિચારીને દવા લેવા તૈયાર થયો ને પછી દવાખાને ગયા, બધા જ ટેસ્ટ કરાવ્યા, રિપોર્ટ આવ્યા ને નિદાન થયું. હાઈપર ડાયાબીટીસ –૬૫૦ સુધી..., અને હાઈપર ટીબી. !! જમણી બાજુનાં ફેફસામાં ખૂબજ ચેપ લાગેલો. 

ઘરે આવ્યા. ને પછી ડોકટરની સલાહ અનુસાર અસલી સારવાર શરૂ થઈ. બંને રોગનું જોર એટલું બધું વધારે કે દિનેશથી સહન જ ના થાય. આમેય એની જિંદગીમાં એ કદી બિમાર જ નો'તા પડ્યા એટલે એનાથી આ બિમારી સહેવાતી નો'તી. ને વળી એમાં ય બે મોટા રોગ ! એટલે સારવાર પણ અઘરી લાગતી હતી. રોજ નાં ઈન્સ્યુલીનનાં ચાર ઈન્જેકશન, લેવાનાં ને વળી ટીબી નાં બે બીજા આમ રોજનાં છ ઈન્જેક્શન અને પાછી દવાઓ તો ખરી જ ! એ પણ સમયસર જ લેવાની. એની સામે ખોરાક જાણે સાવ બંધ જ હતો. પરિણામે પહાડ જેવો દેખાતો દિનેશ આજે એટલી હદે નબળો પડી ગયો કે જાણે જુવો તો એક હાડપિંજર ..!!

 આ સમાચાર જાણીને દીકરાની ચિંતા વધી. અહી આવી ના શકે ને મમ્મી એકલી અહીં પહોંચી નો'તી વળતી. આજ ચિંતામાં એની સુગર ખૂબજ વધી ગઈ ને એને પણ હાઈપર ડાયાબીટીસ આવ્યો. ઊર્જા ની તો જાણે ખરેખરમાં કસોટી લેવા બેઠો હતો ભગવાન ! પપ્પાની ચિંતામાં અહીં બેઉ દીકરીઓનું બીપી. એકદમ ઘટી ગયું. એ પણ બિમાર જેવી થઈ ગઈ. એક સાથે પતિ અને ત્રણેય સંતાનોની બિમારી ..! પણ ઊર્જા હિંમત ના હારી. બધા ને હિંમત આપતી ગઈ ને પતિ ની સારવાર કરતી ગઈ. ખરેખર દાદ દેવી પડે એની હિંમત ને ! 

 હવે તો દીકરો ને વહુ પણ આવી ગયા. બધાને સતત એક જ ચિંતા કે શું થશે ? પણ ઊર્જા એટલે કહેવું પડે ! સતત એનામાં સેવા કરવાની ‘ ઊર્જા ‘ ખબર નહીં ક્યાંથી આવતી હતી ? જોકે આમેય એણે તો આખી જિંદગી પોતાની ઊર્જાથી જ આ ઘરને પ્રજ્વલિત કરીને રાખ્યું હતું. દિનેશે વળી ક્યાં કોઇ દિવસ કમાઈને દીધું હતું ? અને ઉપરથી એણે તો ઊર્જા ને સખત દુઃખ જ આપ્યું હતું. અને શંકાઓ ને વહેમ કરીને ઊર્જાની જિંદગી નર્ક જેવી કરી મૂકી હતી. 

અને આ બધી પરિસ્થિતિનાં તાજનાં સાક્ષી હતાં એનાં પોતાના જ બાળકો. એનાં ત્રણેય બાળકોએ બાળપણથી જ પોતાની માતા ઉપર થતાં અત્યાચાર જોયાં છે. ને છતાંય એમની મા એ બધું જ સહન કરીને પણ નોકરી કરીને પતિ ને, બાળકોને સાચવવામાં કોઇ જ કમી રાખી નોતી. બાળકો ને ભણાવવાથી લઈને પરણાવી ને ઠેકાણે પાડ્યાં, નણંદો, દિયરને પણ પરણાવીને ઠેકાણે પાડ્યાં. આ બધું જ ઊર્જા એ એકલે હાથે જ કરીને બતાવી દીધું છે કે એક એવી સ્ત્રી છે જે અબળા નથી સબળા છે. ને એનાં સંસ્કારથી એ બે કુળને ઉજળાં બનાવી જાણે છે.

આજે પોતાનાં પિતાની આવી હાલત જોઈનેએનાં સંતાનો પણ એમજ બોલ્યા કે, 

“ મમ્મી પપ્પાએ તારી ઉપર ખૂબજ અત્યાચાર કર્યા છે ને આજે એ એનું જ ફળ ભોગવે છે." ને છતાંય ઊર્જા આ બધું ભૂલીને પણ દિનેશની સેવા અવિરતપણે કરતી જ રહી છે. અને ઊર્જાની સેવા અને દવા અને દુવા, આ ત્રણેય દિનેશનાં જીવનમાં એક નવી ઊર્જા લાવે છે. અને ધીમે ધીમે મરણપથારીએ પડેલ દિનેશ હવે સ્વસ્થ થાય છે. ઘરમાં ઊભો થઈને હરેફરે છે. થોડું થોડું હળવું જમે પણ છે. 

 હવે સમય જતાં દિનેશની તબિયત ઘણી સુધારા પર છે. થોડું થોડું બેસવું, ખાવું, પીવું આ બધું જ કરી શકે છે. પણ કહે છે ને કે માણસનાં પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એમ જ દિનેશ સ્વસ્થ થતાં ફરી પાછો ઊર્જા ને ખરાબ બોલવા લાગ્યો, ગાળો દેવા લાગ્યો. દીકરીઓએ પણ ઘણું સમજાવ્યું કે પપ્પા, “ તમે હજુપણ મમ્મી ને આટલું બધું ખરાબ કેમ કહો છો ? તમારા વિચારો બદલો. આખી જિંદગી તમે મમ્મી ને ખરાબ જ કીધું છે ને છતાંય જુવો આજે એણે જ તમારી સેવા કરી છે. કોણ કરવા આવ્યું હતું બીજું ? હવે તો સુધરો ! હજુ એનેજ ખરાબ કહેશો ? આજે જો એ ના હોત તો આપણાં બધાની શું હાલત હોત એ કદી વિચાર્યું છે ? “

પણ આતો દિનેશ છે. એ કદી નાં સુધરે. વળી થોડા દિવસ સારું રહ્યું ને પાછું એણે ઊર્જા ને ગાળો દેવાનું ને મારવાનું પણ શરૂ કરી દીધું હતું. ઊર્જા નાં માતા પિતા ને પણ ગંદી ગાળો દીધી. અને હવે ઊર્જા થી આ સહન ના થયું. એ ઉશ્કેરાઈ ગઈ અને સામે બોલી ને વિરોધ પણ કર્યો. પણ વાત વધારે વણસી ગઈ. ઊર્જા એની દીકરીને લઈને વકીલની પાસે સલાહ લેવા માટે ગઈ. પણ બધાની એક જ વાત હતી કે આટલાં વર્ષો સુધી આટલું બધું સહન કરીને જ રહો છો ને ! તો હવે શું કરવા કેસ કે ફરિયાદ કરવી છે ? વકીલની સલાહ ને બાળકોનું માનીને ઊર્જા ચૂપ થઈ ગઈ. એને સમજાઈ ગયું કે જે થાય તે, પણ મારે જ આ બધું કરવું પડશે પછી એ ચૂપ રહીને કરું કે સામી પડીને ! 

આજે ફરી પાછી ઊર્જા એનાં પતિની સાથે જ એનાં બધાં જ કામ કરીને રહેવા લાગી છે. કેમકે એના હૈયામાં દયા છે, લાગણી છે, પણ શક્તિ નથી રહી હવે, એ હારી ગઈ છે. એ એના ઘરની માલિક છે. એનાં જ પૈસા થી ઘર બન્યું અને ઘર ચાલે છે. પણ એ લાચાર છે. એ પોતાની રીતે પોતાનું જીવન જીવી નથી શકતી. 

ઊર્જા ને પણ પ્રેમ જોઈએ છે. હૂંફ જોઈએ છે. લાગણી જોઈએ છે. પણ એને ક્યાંયથી એ જ નથી મળતું. આજે એ નિવૃત્ત થઈ ગઈ છે અને ખૂબજ પસ્તાય છે કે સરકારે શા માટે આ નિવૃત્તિ નો કાયદો બનાવ્યો હશે ? જેને કામની જરૂર છે અને જેનામાં કામ કરવાની ક્ષમતા હોય તો એને કામ પર ચાલુ રહેવા દેતા હોય તો ? ઊર્જા ઘરે બેસીને આ છ માસમાં છ વર્ષ જેવું જીવન જીવી ગઈ છે જાણે ! થાકી ગઈ છે ! હારી ગઈ છે ! એનું જીવન જાણે નિરસ અને નિર્જીવ બની ગયું છે. એને પણ પોતાનાનો પ્રેમ જોઈએ છે. લાગણી ને હૂંફની જરૂર છે. પણ ક્યાંથી મળશે ? કોણ આપશે ? જાણે એક શૂન્યાવકાશ છવાઈ ગયો છે એનાં જીવનમાં. હવે શું થશે મારું ? એની ચિંતા હવે ભગવાનને સોંપીને દુ:ખી મને પણ જીવવા મથે છે.

આજે એને આ નિવૃત્તિ નું ૨૦૨૦નું વર્ષ અને એનાં પતિની બિમારી અને એનાં સ્વભાવે આ ‘ કોરોના ‘ કરતાંય વધારે ભાંગી નાંખી છે. 

જાણે એ તો વર્ષ ૧૯૮૨ ની સાલથી જ એનાં પતિ ની સાથે ‘કોરોના. ‘ જેવી જ જેલ જેવી અને એક કેદી જેવી જ જિંદગી જીવી રહી છે. ખબર નહીં ક્યારે મુક્તિ મળશે એને ? કદાચ મોતની સાથે જ !! શું એને એનો પ્રેમ મળશે ? હૂંફ અને લાગણી મળશે ? ના હવે એને પતિ પ્રત્યે કોઈજ લાગણી નથી બસ પોતાની ફરજ બજાવે છે ને બજાવતી જ રહેશે.


Rate this content
Log in