એ બાળપણની યાદો
એ બાળપણની યાદો
આણંદ પાસેનું નાનું એક ગામડી ગામ. ગામડી ગામમાં બધી જ જ્ઞાતિઓના માણસો રહેતા હતા. બ્રહમપોળમા રહેતી ભૂમિકા.... ભૂમિકાના ઘરની સામે ભારતી દિદીનું ઘર હતું. ભારતી દિદીને ત્રણ સંતાનો હતા. ભૂમિકાને એમનાં ઘરે સારું ફાવતું હતું. ભૂમિકાથી ત્રણ મોટા ભાઈ હતા એ સૌથી નાની હતી એટલે લાડકોડથી ઉછરેલી હતી અને થોડી તોફાની પણ. ફળિયામાં જ ભૂમિકાના કાકા, બાપા રહેતાં હતાં. બ્રહ્મપોળની સામેજ ખ્રિસ્તી લોકોનું ફળિયું હતું. વચ્ચે ખુલ્લુ મેદાન અને એક ટેકરો હતો અને બાજુમાં સેતૂરનું ઝાડ, આંબલીનું ઝાડ અને મેંદીની વાડ હતી. ભૂમિકા અને એની ફ્રેન્ડ ઈન્દુ, હેમલતા, રીટા, પલ્લવી, પ્રતિક્ષા, પ્રતિષ્ઠા, નંદા, ગીતા, આરતી, કિન્નરી, રેશમા ની લેડીઝ ક્રિકેટ ટીમ હતી. તો દર રવિવારે ગામની ભાગોળે સવારે છોકરાઓની ટીમ સાથે ૨૧ રૂપિયાની શર્ત મારી મેચ રમતાં અને જો લેડીઝ ટીમ જીતી જાય તો આણંદ સાયકલો લઈને જઈ ને નાસ્તો કરતાં એ વખતે તો દશ રૂપિયાનો એક ઢોંસો અને એક પ્લેટ ભાજીપાંઉ આવતું. આમ એવું બાળપણ આજે ક્યાં જોવા મળે છે.
રોજ સવારે ભૂમિકાને ચાર વાગ્યે એના પિતા જગાડી દે એટલે એ વાંચવા બેસે પછી છ વાગ્યે એ અને ઇન્દુ દોડવા નિકળે. દોડીને આવી દૂધ નાસ્તો કરી. નાહીને તૈયાર થઈને આણંદ સ્કૂલ જવા બધાં જ સાથે નિકળે. જેની પાસે સાયકલ ના હોય એ બીજાની સાયકલ પાછળ બેસી જાય. સ્કૂલેથી આવી યૂનિફોર્મ બદલીને જમી લે પછી મોઈ ડંડો ( ગિલ્લી ડંડો ) બધા જ ભેગા થઈને રમે. શર્ત એવી હતી કે જેનાથી મોઈ ખોવાઈ જાય એ નવી મોઈ બનાવી લાવે. રોજ જ્યારે ભૂમિકાનો દાવ આવે એની મોઈ ( ગિલ્લી ) સિધી ખ્રિસ્ત વગાના પહેલા ઘરમાં જાય અને એ બેન ગિલ્લી ના આપે એટલે ભૂમિકાને રોજ નવી ગિલ્લી બનાવવી પડે.
આમ કરતાં પાચથી સાત ગિલ્લી પેલા બેનના ઘરે જમા થઈ ગઈ. આજે ભૂમિકાનું મગજ ગયું. કહે મારી ગિલ્લી આપો પણ પેલા બેન ગમે એમ બોલવા લાગ્યા. ભૂમિકાએ એમની વાડામાં બાંધેલી બકરી છોડી લીધી અને મોટેથી બૂમ પાડી બધી ગિલ્લી આપી જાવ અને બકરી લઈ જજો કહી પોતાના ઘરની સામેના વાડામાં બકરીને ઝાડ પાસે બાંધી દીધી અને વાડાના ઝાંપાને તાળું મારી ચાવી ઇન્દુના ઘરે સંતાડી દીધી. પેલાં બેન ભૂમિકા ના પપ્પા પાસે ફરિયાદ કરવા ગયા અને કહ્યું, 'ભૂમિકાના પપ્પા નાનપણથી જ બહેરા મુંગા હતાં એમણે ઈશારાથી ભૂમિકાને સમજાવ્યું પણ ભૂમિકા એક જ વાત પર અડગ રહી કે એક હાથ લે એક હાથ દે. પેલાં બેન કપાળે હાથ પછાડીને બબડતાં બબડતાં ઘરે જઈને બધી ગિલ્લી લઈને આવ્યા અને બકરી લઈ ગયા.
પછી તો રોજ એવું થાય કે જેવી ગિલ્લી જાય એવી તરત પાછી આવે. આ તોફાની ટોળકી રવિવારે બપોરે પછી ગામના કોઈ એક ફળિયાનો રસ્તો સાફ સફાઈ કરે અને કચરો અને પથથરો બધું જ ભેગું કરી ઉકરડે નાંખી આવે અને પાણી છાંટી દે. સાંજે થોડીવાર ફૂલ રેકેટ રમે અથવા કેરમ પછી પોતપોતાના ઘરે જાય. નવ વાગ્યે તો સૂઈ જવાનું. દર ગુરુવારે ફળિયામાં ભજન કરવાનાં અને એક ઢોલ વગાડે એક મંજીરા, કોઈ ખંજરી વગાડે આમ એ બાળપણની સોનેરી યાદો જ કંઈક અલગ છે આજનું બાળપણ તો ખાલી મોબાઈલમાં જ પૂરું થાય છે. આમ ભૂમિકા અને ઇન્દુ અને બીજા બધાં તોફાની પણ હતા પણ ભણવામાં પણ હોશિયાર હતાં. એ બાળપણની મીઠી મધુર યાદો હજુ પણ બધાં મળે ત્યારે યાદ કરે છે અને કહે છે કે કાશ એ બાળપણ પાછું આવી જાય તો મજા પડી જાય.
