દૂરંદેશી
દૂરંદેશી
શેતલને નાનો હતો ત્યારથી ફૂલછોડ રોપવાનો ખૂબ શોખ હતો. આ શોખ એને એના દાદા તરફથી મળ્યો હતો. દાદા એને વૃક્ષો અને વનસ્પતિનું મહત્ત્વ સમજાવતાં. તેના કારણે એ પણ દાદા સાથે ફૂલછોડ રોપતો અને એની કાળજી રાખતો. એના દાદા પણ ઘરમાં કંઈ પણ શુભ પ્રસંગ હોય તો સૌને ભેટમાં ફૂલના રોપા જ આપતા. એ બહાને સૌને ફૂલછોડ રોપી તેની કાળજી લેવાની ચાનક ચડતી.
એને હજી પણ યાદ છે, શેતલનો છઠ્ઠો જન્મદિવસ હતો. સવારે નાહીધોઈને તૈયાર થઈ એ ભગવાનને પગે લાગ્યો. પછી દાદાને પગે લાગ્યો. દાદાએ એને કંઈ આપ્યું નહીં એટલે એ નારાજ થઈ ગયો. એટલામાં દાદાએ આવીને એને કહ્યું, "શેતલ, ચાલ તને કંઈ બતાવું." નારાજ શેતલ દાદા સાથે ઘરના વાડામાં આવ્યો. ત્યાં જોયું તો કુહાડી, પાવડો, એક નાનો રોપો, પાણીની ઝારી, બધું તૈયાર હતું. એ તો આ બધું જોઈ દાદા સામે જોવા લાગ્યો.
"શેતલ, મેં તને કંઈ આપ્યું નહીં એટલે તું નારાજ થઈ ગયો હતો પણ મારે તને કંઈક નવતર ભેટ આપવાની હતી. જો આ આંબાનો રોપ છે. આજે તારા હાથે આપણે એને રોપીશું."
"દાદા, તમે મને રૂપિયા કે બીજું કંઈ ન આપ્યું અને આ રોપો કેમ ?"
"બેટા, તું જેમ જેમ મોટો થતો જશે તેમ તેમ આ રોપો પણ ધીમે ધીમે છોડ અને પછી મોટા ઝાડમાં ફેરવાઈ જશે. ઝાડના તો કેટલા બધાં ફાયદા છે. તને નથી ખબર ?"
"હા, દાદા, અમારા વિજ્ઞાનના ટીચરે અમને સમજાવ્યું હતું. ઝાડ આપણને ફળ, ફૂલ, દવા, ઠંડો પવન બધું આપે. હા, અને જ્યાં ઘણાં ઝાડ હોય ત્યાં વરસાદના વાદળાં ખેંચી લાવે. એટલે ત્યાં વરસાદ પણ વધારે થાય. ઝાડ પર પક્ષીઓ માળા બાંધી રહે. ઝાડ નીચે પશુઓ અને માણસો આરામ કરી શકે."
"હં, સરસ. તને તો ઘણી બધી ખબર છે. તો ચાલો તારા હાથે આ રોપાને અહીં ખાડો કરી તેમાં રોપી દે. પછી રોજ એને પાણી આપજે. આપણે થોડાં થોડાં સમયે ખાતર પણ આપીશું. બરાબર ?"
આજે શેતલનો ત્રીસમો જન્મદિવસ હતો. આજે એ એના પરિવાર સાથે એ જ આંબાના ઝાડ નીચે એની ઉજવણી કરવા આવ્યો હતો. આજે એને એના દાદાની દૂરંદેશી માટે ખૂબ માન થયું.
